બેંક લોન છેતરપિંડી બદલ પ્રતિષ્ઠિત ટેક્સટાઈલ કંપની એસ. કુમાર્સ સામે કેસ

Friday 22nd April 2022 05:28 EDT
 
 

નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ (સીબીઆઇ)એ ટેક્સટાઇલ કંપની એસ. કુમાર્સ નેશનવાઇડ લિમિટેડ (એસકેએનએલ) અને કંપનીના પ્રમોટરો અને ડાયરેક્ટરો સહિત અન્ય 14 સામે 1245 કરોડ રૂપિયાની બેંક છેતરપિંડી બદલ કેસ દાખલ કર્યો છે. એફઆઇઆર દાખલ થયા પછી કેન્દ્રીય એજન્સીએ મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં 13 સ્થળોએ દરોડા પાડયા હતાં. દરોડા દરમિયાન વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે. કંપની હાલમાં હાઇ વેલ્યુ ફાઇન કોટન ફેબ્રિક્સ અને હોમ ટેક્સટાઇલના મેન્યુફેકચરિંગના બિઝનેસ સાથે સંકળાયેલી છે. કંપનીએ આઇડીબીઆઇ બેંકના નેતૃત્ત્વવાળા બેંકોના જૂથ પાસેથી લોન મેળવી હતી. સીબીઆઇ પ્રવક્તાએ જણાવ્યું હતું કે 2012 થી 2018 દરમિયાન બેંકમાંથી મળેલ લોનની રકમનો દુરુપયોગ કરવા બદલ કંપનીના પ્રમોટરો અને ડાયરેક્ટરો સામે કેસ દાખલ કરાયો હતો. જેના કારણે બેંકોને કુલ 1245.15 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. કંપની સામે આઇડીબીઆઇ બેંકના નેતૃત્ત્વવાળા બેંકોના જૂથે ફરિયાદ દાખલ કરી હતી. આ જૂથમાં આઇડીબીઆઇ ઉપરાંત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, જમ્મુ-કાશ્મીર બેંક, પંજાબ નેશનલ બેંક અને ઇન્ડિયન બેંકનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter