બેંગલુરુ એરપોર્ટઃ કુદરત અને ટેક્નોલોજીનો સંગમ

Saturday 19th November 2022 05:34 EST
 
 

બેંગલૂરુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકની રાજધાનીમાં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2નું ઉદ્ઘાટન કર્યું તે સાથે જ દુનિયાભરમાં તેની તસવીરો વાઇરલ થઇ ગઇ છે. 2.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું આ ટર્મિનલ આશરે રૂ. 5000 કરોડના ખર્ચે સાકાર થયું છે. આ ટર્મિનલ બેંગલુરુના ગાર્ડન સિટીના કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યું છે. અહીંનું ગેટ લાઉન્જ એકસાથે 5,932 મુસાફરોની બેઠક વ્યવસ્થા ધરાવે છે. તેમાં 22 કોન્ટેક્ટ ગેટ, 15 બસ ગેટ અને 17 સિક્યુરિટી ચેક લેન છે. ટર્મિનલ-ઇન-એ-ગાર્ડનના કન્સેપ્ટ સાથે બનાવાયેલા આ ટર્મિનલમાં ચોમેર હરિયાળી છે. તે એવી રીતે વિકસાવવામાં આવ્યું છે કે ચાલતા હોય ત્યારે મુસાફરોને લાગે કે તેઓ બગીચામાં ફરી રહ્યા હોય.
કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે ટર્મિનલ ડેવલપ કરતી વખતે હેંગિંગ ગાર્ડનનો ખ્યાલ પણ રાખવામાં આવ્યો છે. તેની ડિઝાઇન કરતી વખતે કર્ણાટકના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેનું બાંધકામ લેટેસ્ટ ટેક્નોલોજી અને કુદરતી ઘટકોથી બનેલું છે. આ ટર્મિનલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું એક નવું વિઝન સ્થાપિત કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter