નવી દિલ્હીઃ દરિયાપારના ભારતીયોના વાર્ષિક સંમેલન પ્રવાસી ભારતીય દિવસ-૨૦૧૭નું ૭થી ૯ જાન્યુઆરી દરમિયાન બેંગલુરુમાં યોજાશે. ૧૪મા પ્રવાસી ભારતીય દિવસનું ઉદ્ઘાટન અધિવેશનના મુખ્ય અતિથિ પોર્ટુગલના વડા પ્રધાન ડો. એન્ટોનિયો કોસ્ટાની ઉપસ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. સંમેલનમાં ૪,૦૦૦થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહેવાની ધારણા છે. હાલ સમગ્ર વિશ્વમાં ૩.૧૨ કરોડ ભારતીયો દરિયાપાર વસે છે, જેમાંથી ૧.૩૪ કરોડ પર્સન ઓફ ઈન્ડિયન ઓરિજિન છે અને ૧.૭ કરોડ બિનનિવાસી ભારતીયો છે.
સંમેલનના પ્રથમ દિવસે વિદેશ રાજ્ય પ્રધાન જનરલ વી.કે. સિંહ (નિવૃત્ત) કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્દારામૈયાહની સાથે પીબીડી પ્રદર્શનને ખુલ્લુ મૂકશે. મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકાથી પ્રવાસી તરીકે ભારત આવ્યા તેની યાદગીરીમાં દર વર્ષે ૯ જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ યોજવામાં આવે છે. સંમેલન દરમિયાન સાત જાન્યુઆરીએ યુથ પ્રવાસી ભારતીય દિવસનું ઉદ્ઘાટન યુવા બાબતો અને સ્પોર્ટ્સના રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)ના પ્રધાન વિજય ગોયેલના હસ્તે કરાશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ તેમજ રાજ્યોના મુખ્યપ્રધાનો સહિતના વક્તાઓ સંમેલનને સંબોધન કરશે. મોદી આઠ જાન્યુઆરીએ મુખ્ય સંબોધન કરશે. તેમની સાથે દિવસભર રાજ્યોના મુખ્યપ્રધાનો ડેલિગેટ્સને સંબોધશે, જ્યારે સુષ્મા સ્વરાજ સાત જાન્યુઆરીએ યુવા પીબીડી ડેલિગેટ્સને સંબોધશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી નવ જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય સમ્માન એવોર્ડ્ઝ એનાયત કરશે. સંમેલનમાં મહાનુભાવોના સંબોધનો ઉપરાંત, ડેલિગેટ્સ માટે સાત અને ૧૦ જાન્યુઆરીએ બેંગાલુરુની આસપાસ ઈન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ, સરકારી અધિકારીઓ, ડેલિગેટિસ અને એક્ઝિબીટર્સ વચ્ચે બિઝનેસ બેઠકો સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વધુ માહિતી www.pbdindia.gov.in વેબસાઈટ પરથી મેળવી શકાશે.