બેન્ક લોન ફ્રોડ કેસઃ કોચર દંપતી, વેણુગોપાલ ધૂત જ્યુડિશિયલ કસ્ટડીમાં

Friday 06th January 2023 03:59 EST
 
 

મુંબઇઃ આઇસીઆઇસીઆઇ બેન્ક લોન ફ્રોડ કેસમાં બેન્કના પૂર્વ સીઇઓ ચંદા કોચર, તેમના બિઝનેસમેન પતિ દીપક કોચર અને વીડિયોકોન ગ્રુપના ફાઉન્ડર વેણુગોપાલ ધૂતને સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે 29 ડિસેમ્બરે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં હેઠળ મોકલી આપ્યા છે. આ કેસમાં ચંદા અને દીપકની આગલા સપ્તાહે ધરપકડ કરાઇ હતી. આ પછી ધૂતની ધરપકડ થઇ હતી. ત્રણેયની સીબીઆઇ કસ્ટડી 29 ડિસેમ્બરે પૂરી થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા.
મીડિયા રિપોર્ટ્સ મુજબ સીબીઆઇની કસ્ટડીમાં ચંદા, દીપક અને વેણુગોપાલને સ્પેશિયલ બેડ અને મેટ્રેસ અપાયા છે. ચંદા કોચરે તેમને શિયાળામાં પણ ફર્શ પર સૂવાની ફરજ પાડવામાં આવી રહી હોવાનું કહેતા સ્પેશિયલ બેડ, મેટ્રેસની મંજૂરી મળી હતી. સાથોસાથ કોર્ટે આરોપીઓને ઘરના ભોજન, દવાઓની સાથોસાથ અન્ય કેટલીક વસ્તુઓ સ્વખર્ચે વાપરવાની મંજૂરી આપી છે. વેણુગોપાલ ધૂતે તેમની મેડિકલ કન્ડિશનનું કારણ ધરીને એક ખુરશી, સ્પેશિયલ બેડ, ગાદલા, તકિયા, ટોવેલ, બ્લેન્કેટ અને ચાદરો માટે મંજૂરી માગી હતી.
તપાસનીશ ટીમે આરોપ લગાવ્યો હતો કે કોચર દંપતી દ્વારા તપાસમાં સહકાર આપવામાં આવતો નથી. કોચર બેન્કનાં એમડી હતાં ત્યારે નીતિનિયમોને કોરાણે મૂકી વીડિયોકોન ગ્રૂપને 3250 કરોડ રૂપિયાની લોન આપી હતી.

રૂ. 3250 કરોડની લોનમાં ગેરરીતિ
વર્ષ 2012માં લોન મંજૂર કરવામાં છેતરપિંડી અને અનિયમિતતા આચરવા બદલ સીબીઆઇ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઇએ ચંદા કોચર, તેમના પતિ અને વીડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂત ઉપરાંત નુપાવર રિન્યુએબલ્સ, સુપ્રીમ એનર્જી, વીડિયોકોન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ સામે કેસ દાખલ કર્યો છે. ગુનાહિત કાવતરા સાથે સંકળાયેલ આઇપીસીની વિવિધ જોગવાઇઓ અને પ્રિવેન્શન ઓફ કરપ્શનની વિવિધ જોગવાઇઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
સીબીઆઇએ આરોપ મૂક્યો છે કે વીડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતે નુપાવર કંપનીમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યુ હતું. આ મૂડીરોકાણ 2012માં વીડિયોકોન ગ્રૂપને આઇસીઆઇસીઆઇ બેંકમાંથી 3250 કરોડ રૂપિયાની લોન આપવામાં આવ્યા પછી કરવામાં આવ્યું હતું. 2019માં એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા પછી સીબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આરોપીઓએ ગુનાહિત કાવતરું આચરીને કેટલીક પ્રાઇવેટ કંપનીઓને લોન આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter