બોફોર્સ કાંડના ૩૦ વર્ષ પછી નવી તોપો ભારતમાં આવી

Friday 19th May 2017 04:49 EDT
 
 

નવી દિલ્હીઃ અમેરિકાથી બે અલ્ટ્રા હોવિત્ઝર ૭૭૭ તોપ ૧૮મીએ ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી પહોંચી હતી. ૧૯૮૦માં થયેલા બોફોર્સ કૌભાંડ બાદ આ પહેલો પ્રસંગ છે જ્યારે ભારતીય સેનાને તોપ મળી રહી છે. ૩૦ વર્ષ પહેલાં ભારતીય સેનાને સ્વિડનથી બોફોર્સ તોપ મળી હતી. એમ ૭૭૭ તોપ બીએઇ સિસ્ટમે તૈયાર કરી છે અને તે નિયત સમયના એક મહિના પહેલાં ભારત પહોંચી ગઈ છે. તેમને જલદી જ રાજસ્થાન પોખરણ ટેસ્ટ ફાયરિંગ માટે લઈ જવાશે. આ તોપથી ૨૪થી ૪૦ કિલોમીટર સુધી હુમલો કરી શકાય છે. ૧૫૫ એમએમ કેલિબરની આ તોપને ચીન સરહદે ખડકવામાં આવશે. તેમને ભારતીય સેનાની નવી માઉન્ટન સ્ટ્રાઇક કોર માટે ખરીદવામાં આવી છે. જે પશ્ચિમ બંગાળના પાનાગઢમાં તૈયાર થઈ રહી છે. તોપને હેલિકોપ્ટર વડે એક સ્થાનેથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. ભારતીય સેના તેને પહાડી વિસ્તારોમાં લઈ જઈ શકશે. ભારતીય વાયુસેનાનું હર્ક્યુલિસ વિમાન એકવારમાં આવી બે તોપ લઈ જઈ શકે છે.

તોપખાનાને આધુનિક બનાવવા રૂ. ૨૨,૦૦૦ કરોડ

ભારતીય સેનાએ પોતાના તોપખાના એટલે કે આર્ટિલરીને આધુનિક બનાવવા માટે ૨૨,૦૦૦ કરોડની યોજના ઘડી છે. ભારતે તાજેતરમાં એલએન્ડટી કંપની સાથે ૧૦૦ તોપનો કરાર કર્યો છે.

સપ્ટેમ્બરમાં વધુ 3 તોપ આવશે

ગત નવેમ્બરમાં ભારતે અમેરિકા પાસેથી ૫૦૦૦ કરોડ રૂપિયામાં ૧૪૫ તોપ ખરીદવાનો કરાર કર્યો હતો. તેમાંની ૨૫ તોપ તૈયાર થઇને આગામી વર્ષ સુધીમાં ભારત પહોંચી જશે. જ્યારે બાકીની ૧૨૦ તોપના પાર્ટ્સ ભારત આવશે. જેનાથી બીએઈ સિસ્ટમ અને મહિન્દ્રા ડિફેન્સ ભારતમાં તોપ તૈયાર કરશે. ૩ તોપને વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ભારત લાવવાની યોજના છે.

એમ ૭૭૭ તોપની વિશેષતાઓ

• ૪.૨ ટન વજન છે.

• ૨૪થી ૪૦ કિમી સુધીની પ્રહાર ક્ષમતા

• સતત ૨ મિનિટ સુધી દર મિનિટે ૫ રાઉન્ડ ફાયર કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter