બોલિવૂડમાંથી ડ્રગ્સનો કાળો કારોબારઃ બે વર્ષમાં જ રૂ. ૧૧ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે

Wednesday 06th October 2021 05:08 EDT
 
 

મુંબઈઃ ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં નશાનો કારોબાર ધમધમી રહ્યો છે. દેશ અને વિદેશથી અહીં મોટા પ્રમાણમાં ડ્રગ્સની સપ્લાય કરવામાં આવે છે. એકલા મુંબઇની વાત કરીએ તો એનસીબીએ ૨૦૧૯માં ફક્ત નવી મુંબઇમાંથી જ રૂ. ૩ કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ દરમિયાન કુલ ૨૪૯ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૫૩ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારી અને લોકડાઉનના કારણે ડ્રગ્સની સપ્લાયમાં ઘટાડો જોવા મળ્યો હતો. ૨૦૨૦માં ૮૬ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને કુલ ૯૩ લાખ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે ૨૦૨૧ના જાન્યુઆરીથી જુલાઇ સુધીમાં રૂ. ૬.૩૮ કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મોત બાદ ડ્રગ્સે બોલિવૂડને અજગર ભરડો લીધો હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને ઘણા સેલિબ્રિટીઝના નામ ચર્ચામાં આવ્યા હતા. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તી પર ડ્રગ્સ મંગાવવાનો અને પાર્ટીઝમાં સપ્લાય કરવામાં મદદ કરવાના આરોપ લાગ્યા હતા. આ મામલે બંને ભાઇ-બહેનની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સારા અલી ખાન, દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ, અર્જુન રામપાલ તેમની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા અને તેમના ભાઇના નામ પણ ડ્રગ્સને લઇને ચર્ચામાં રહ્યા હતા.
આ મામલે દીપિકા પદુકોણની પૂર્વ મેનેજર કરિશ્માનું નામ પણ સામે આવ્યું હતું. જેના ફોનની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે દીપિકા માટે ડ્રગ્સ મંગાવતી હતી. થોડા સમય પહેલા એનસીબીની રેડમાં અભિનેતા અરમાન કોહલીના ઘરેથી પણ કોકેન મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter