બ્રિટનના વિઝા મેળવવામાં વિલંબને કારણે ભારતીય વિઝિટર્સ અને સ્ટુડન્ટને ભારે હાલાકી

6 – 6 સપ્તાહ વીતી જવા છતાં અરજકર્તાઓને વિઝા પ્રાપ્ત થઇ રહ્યો ન હોવાના આરોપ

Wednesday 20th July 2022 06:13 EDT
 
 

નવી દિલ્હી

બ્રિટનના વિઝા મેળવવામાં થઇ રહેલા વિલંબને કારણે ભારતીય વિઝિટર્સ અને વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. કોલકાતાના એક સીનિયર સિટિઝન કહે છે કે અમે 13 મે 2022ના રોજ વિઝા માટે અરજી કરી હતી. અમે બ્રિટનમાં મારી પુત્રી અને પૌત્રીની મુલાકાત લેવા ઇચ્છીએ છીએ. અમે અરજી કરી ત્યારે કહેવામાં આવ્યું હતું કે, અમને 21 વર્કિંગ દિવસમાં વિઝા મળી જશે. પરંતુ બે મહિના વીતી ગયાં છતાં હજુ તે અંગે કોઇ માહિતી નથી. હું દરરોજ મારા વિઝા અંગે ટ્રેક કરતી રહું છું અને કુરિયરવાળો પાસપોર્ટ લઇને ઘેર આવી જશે તેવી ધારણાના કારણે ઘરની બહાર પણ જતી નથી.

બીજીતરફ દિલ્હી સ્થિત બ્રિટિશ હાઇ કમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બ્રિટિશ હાઇ કમિશન અને યુકે વિઝા અને ઇમિગ્રેશને સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે વિઝિટર વિઝા માટે 6 સપ્તાહનો સમય લાગી શકે છે. હાલ સમગ્ર વિશ્વમાંથી ધારી ન શકાય તેટલી સંખ્યામાં વિઝાની માગ ઊભી થઇ છે. અત્યારે સ્ટાન્ડર્ડ વિઝિટર વિઝા જારી કરવામાં 6 સપ્તાહનો સમય લાગી રહ્યો છે. આ સરેરાશ પ્રોસેસ ટાઇમ છે અને તેમાં વધુ સમય પણ લાગી શકે છે. અમે 3 સપ્તાહની ડેડલાઇન પર પહોંચવા માટે ઘણી મહેનત કરી રહ્યાં છીએ. અમે તાકિદની જરૂરીયાત હોય તેવા વિઝાની પ્રક્રિયા ફાસ્ટ ટ્રેક પર કરી રહ્યાં છીએ. અમે ભારતમાં પ્રાયોરિટી અને સુપર પ્રાયોરિટી વિઝા સેવાઓ ચાલુ રાખી છે. વિશ્વના ઘણા દેશોમાં અમે આ સેવા બંધ કરી દીધી છે. આ કેટેગરીમાં પાંચ દિવસમાં વિઝાને મંજૂર કરી દેવામાં આવે છે.

સ્ટુડન્ટ વિઝાની પ્રક્રિયા પણ સત્તાવાર રીતે 3 સપ્તાહમાં પૂરી કરવામાં આવતી હોય છે પરંતુ તેમાં પણ ઘણા અરજકર્તાઓને વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઇના એક વાલી કહે છે કે મારા પુત્રને આ વર્ષે વોરવિક બિઝનેસ સ્કૂલના એમબીએ અભ્યાસક્રમમાં જોડાવાનું હતું પરંતુ 6 સપ્તાહ પહેલાં અરજી કરી હોવા છતાં તેનો વિઝા અમને મળ્યો નથી. બ્રિટિશ હાઇકમિશને જણાવ્યું છે કે સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે જેમ બને તેમ ઝડપથી અરજી કરી દેવી જોઇએ. અમે 3 સપ્તાહમાં સ્ટુડન્ટ વિઝા જારી કરી રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter