લંડનઃ બ્રેક્ઝિટ બાદ દ્વિપક્ષીય વ્યાપાર ભાગીદારીમાં વૈશ્વિક અર્થતંત્રને આકાર આપવાનું સામર્થ્ય છે તેવા સંદેશા સાથે લંડનમાં ૧૮ જૂનને સોમવારે પ્રથમ યુકે-ઈન્ડિયા વીકનો પ્રારંભ થયો હતો.
મુખ્ય અતિથિપદે ઉપસ્થિત રહેલા બ્રિટનના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ લીયામ ફોક્સે ભારતને યુકેના સાથીદારો અને વ્યાપારક્ષેત્રે ભાગીદારોમાં સૌથી મોખરે અને નીકટનું ગણાવ્યું હતું. તેમણે ભારત સરકારે કરેલા સુધારાની પ્રશંસા કરી હતી. લંડનની તાજ હોટેલમાં પ્રારંભ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં કહું તો ભારત અને યુકે ‘અજોડ જોડાણ’ છે.
યુકે-ઈન્ડિયા વીક અને ઈન્ડિયા Incના સ્થાપક મનોજ લાડવાએ જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ એ બ્રિટન માટે નવી વૈશ્વિક ઓળખ ઉભી કરવાની તક છે જ્યારે ભારત વિશ્વમાં ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહેલું મોટું અર્થતંત્ર છે. બન્ને દેશ વિશ્વની ટોચની આર્થિક સત્તાઓમાં સ્થાન મેળવવા તૈયાર છે. ‘ગ્લોબલ બ્રિટન મીટ્સ ગ્લોબલ ઈન્ડિયા’ તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે ‘૧૦૦ મોસ્ટ ઈન્ફ્લ્યુએન્શિયલ ઈન યુકે-ઈન્ડિયા રિલેશન્સ’ની બીજી આવૃત્તિનું વિમોચન કરાયું હતું. તેમાં યુકે- ભારતના સંબંધોને મજબૂત બનાવવામાં યોગદાન આપનાર બિઝનેસ, રાજકારણ, કલા અને સંસ્કૃતિ ક્ષેત્રના અગ્રણી વ્યક્તિઓનો સમાવેશ કરાયો છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં યુકે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ડિજિટલ, કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ મેટ હેનકોક, ભારતના કોમ્યુનિકેશન મિનિસ્ટર મનોજ સિંહા અને યુકે ખાતેના ભારતીય હાઈ કમિશન વાય કે સિંહાનો સમાવેશ થતો હતો.
પાંચમી વાર્ષિક યુકે-ઈન્ડિયા લીડરશીપ કોન્ક્લેવનું ૨૦ અને ૨૧ જૂને આયોજન થશે. તેમાં કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખો સહિત ભારતના અગ્રણી રાજકારણીઓ અને બિઝનેસમેન ભાગ લેશે. તેમાં બ્રેક્ઝિટ પછી ભાગીદારીની તકોની શક્યતા વિશે ચર્ચા થશે અને ભવિષ્યમાં યુકેમાં રોકાણની તકોની સમીક્ષા કરાશે. બન્ને દેશના ૨૦૦થી વધુ પ્રતિનિધિ તેમાં હાજર રહેશે.
આ વીકનું સમાપન ૨૨ જૂનને શુક્રવારે યુકે-ઈન્ડિયા એવોર્ડ્સ ૨૦૧૮ સાથે થશે. તેમાં મેયર ઓફ લંડન સાદિક ખાન અને ફોરેન મિનિસ્ટર માર્ક ફિલ્ડ અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહેશે. યુકે-ઈન્ડિયા વીક દરમિયાન ઉચ્ચ સ્તરીય ચર્ચા વિચારણા અને બેઠકો થશે.