બ્રિટિશ નાગરિકત્વ અંગે રાહુલ ગાંધીને નોટિસ

Tuesday 15th March 2016 15:09 EDT
 
 

નવી દિલ્હીઃ લોકસભાની એથિક્સ કમિટી દ્વારા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના બ્રિટિશ નાગરિકત્વ અંગેના વિવાદ બાબતે નોટિસ પાઠવવામાં આવી છે. ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વવાળી કમિટીએ સુબ્રમણ્યમ સ્વામીની અરજીના આધારે રાહુલને નોટિસ મોકલાવી હતી. એથિક્સ કમિટીએ રાહુલને ખુલાસો કરવા જણાવ્યું છે કે, ક્યારેય રાહુલે પોતાના બ્રિટિશ નાગરિકત્વનો સ્વીકાર કર્યો છે કે નહીં. બીજી તરફ રાહુલે જણાવ્યું હતું કે તે આવા મુદ્દા સાથે સારી રીતે ડીલ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ મુદ્દો સૌથી પહેલાં ભાજપી નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા ઊભો કરવામાં આવ્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીએ આ મુદ્દે ફરિયાદ કરી હતી અને ત્યારબાદ મહેશગીરી દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદો આવ્યા બાદ સુમિત્રા મહાજને ફરિયાદોને એથિક્સ કમિટીને મોકલાવી દીધી છે. બીજી તરફ કોંગ્રેસે એવો આરોપ મૂક્યો છે કે, ભાજપ વ્યક્તિગત દુશ્મની કાઢી રહ્યો છે. સ્પીકર દ્વારા આ મુદ્દે રાહુલ ગાંધીનો ખુલાસો લેવામાં આવ્યો જ નહોતો. તેમણે રાહુલની વાત સાંભળ્યા વગર જ મુદ્દો એથિક્સ કમિટીને મોકલાવી દીધો છે. સ્વામી દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોમાં રાહુલને બ્રિટિશ કંપનીના નિર્દેશક અને સચિવ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. બીજી તરફ તેમાં રાહુલ ગાંધીનું નાગરિકત્વ પણ બ્રિટિશ જ રજૂ કરવામાં આવ્યું હતું. બેકઓપ્સ નામની આ કંપનીના ૨૦૦૫-૦૬ના વાર્ષિક રિટર્નમાં રાહુલ ગાંધીએ પોતાને બ્રિટિશ નાગરિક ગણાવ્યા હતા.

કોંગ્રેસ રાજકીય રીતે જવાબ આપશે

કોંગ્રેસે આ ઘટનાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસી નેતા અખિલેશ કુમારે જણાવ્યું કે, ભાજપ બદલાની કામગીરી કરી રહ્યો છે. ભાજપ પાસે કોઈ મુદ્દો નથી તો તેઓ વિરોધપક્ષના નેતાઓને ખોટા ઠેરવી રહ્યા છે. આ આક્ષેપોને જવાબ પણ હવે રાજકીય રીતે જ આપવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter