અમદાવાદઃ બ્રિટિશરોએ ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું તેનો સૌથી પહેલો અભ્યાસપૂર્ણ અંદાજ ૧૯મી સદીમાં દાદાભાઈ નવરોજીએ આપ્યો હતો. તેમણે રજૂ કરેલા આંકડાઓ પ્રમામે ૧૮૩૫થી ૧૮૭૨ વચ્ચે બ્રિટિશરો દર વર્ષે ભારતમાંથી ૧.૩ કરોડ પાઉન્ડની સંપત્તિ બ્રિટનમાં ખેંચી જતા હતા. પોણા ચાર દાયકાના એ સમયગાળામાં બ્રિટિશરો ભારતમાંથી ૪૮ કરોડ પાઉન્ડ કરતાં વધુ રકમની સંપત્તિ બ્રિટન લઈ ગયા હતા. આ વિગતો તેમણે લખેલા પુસ્તક ‘પોવર્ટી એન્ડ અન બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા’માં છે. દાદાભાઈ ૧૯૧૭ની ૩૦મી જૂને મૃત્યુ પામ્યા હતા. તેમની ૧૦૦મી પુણ્યતિથિ નિમિત્તે તેમના કેટલાક યાદગાર લખાણો વિશે વિગતો બહાર પડતાં આ જાણવા મળ્યું છે.
મુંબઈના ગુજરાતી પારસી પરિવારમાં જન્મેલા દાદાભાઈએ શિક્ષણમાં તેજસ્વી હોવાથી વડોદરાની ગાયકવાડી સત્તાએ તેમને મદદ કરી હતી. ૧૮૭૪માં તેમને વડોદરા સ્ટેટમાં ઊંચા પગારની નોકરી મળી હતી. એ પછી તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ગણિત અને નેચરલ ફિલોસોફીના પ્રોફેસર નિમાયા હતા. ૧૮૫૫માં તેઓ લંડન ગયા અને ત્યાં તેમણે બ્રિટનમાં પ્રથમ ભારતીય કંપની કામા એન્ડ કું.ની સ્થાપના કરી હતી. ચાર વર્ષ પછી યુનિવર્સિટી કોલેજ લંડનમાં દાદાભાઈને ગુજારતીના પ્રોફેસર તરીકે નિમણૂક થઈ હતી.
રાજકીય સામાજિક પ્રવૃત્તિઓમાં રસ લેતા દાદાભાઈ બરાબર સવાસો વર્ષ પહેલાં ૧૮૯૨માં બ્રિટિશ સંસદના હાઉસ કોમન્સમાં પ્રવેશનારા તેઓ પ્રથમ એશિયન હતા. ૧૮૯૫ સુધી તેઓ બ્રિટિશ સંસદ રહ્યા હતા. બ્રિટિશ સાંસદ બન્યા ત્યારે પણ તેમણે બાઈબલ પર હાથ રાખીને શપથ લેવાની ના પાડી હતી. તેમના માટે તેમણે સૂચવેલા ધર્મગ્રંથની ખાસ વ્યવસ્થા બ્રિટિશ સરકારે કરવી પડી હતી. બ્રિટિશરોની ભારતીયો પ્રત્યે શી ફરજ છે, એ વિષય પણ તેમણે બ્રિટનમાં ભાષણા આપ્યા હતા.
ભારતને આઝાદી માટે કોઈ મજબૂત સંગઠન જોઈશે એવી સમજ દાદાભાઈને હતી. તેથી જ્યારે અંગ્રેજ અધિકારી એલન ઓક્ટેવિયન હ્યુમે એક સંગઠન સ્થાપવાની પહેલ કરી ત્યારે દાદાભાઈ તેમાં પાયાના પથ્થર તરીકે જોડાયા હતા. એ સંગઠન ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પક્ષ કોંગ્રેસના ૩ મુખ્ય સ્થાપકોમાં દાદાભાઈનો સમાવેશ થાય છે. કોંગ્રેસના તેઓ ૩ વખત પ્રમુખ પણ રહ્યા હતા. કોંગ્રેસ પહેલા ૧૮૫૨માં તેમણે ‘બોમ્બે એસોશિયેશન’ની સ્થાપના કરી કરી હતી. જે ભારતનું સંભવતઃ પ્રથમ રાજકીય સંગઠન હતું. સામાજિક જાગૃતિ માટે તેમણે ‘રાસ્ત ગોફતાર’ નામે અખબાર પણ શરૂ કર્યું હતું.
આઝાદીના સંઘર્ષ વખતે મોહમ્મદ અલી જિન્નાહ દાદાભાઈને સહાયક તરીકે કામ કરતા હતા. પરિણામ મુંબઈ સહિતના ભારતીય શહેરોમાં તો દાદાભાઈના નામના સ્મારકો છે જ, પણ કરાચીમાં પણ તેમના નામનો રોડ છે. લંડનમાં પણ એક સ્ટ્રીટને દાદાભાઈ નવરોજીનું નામ આપવામાં આવ્યું છે. ગાંધીજીએ દાદાભાઈથી પ્રભાવિત થઈને તેમને આખા ભારતના દાદ ગણાવ્યા હતા. તેમણે અનેક અભ્યાસપૂર્ણ ગ્રંથો લખ્યા હતા. જે બ્રિટિશકાળ સમજવા માટે આજે પણ ઉપયોગી થાય છે. પારસીઓની લાક્ષણિકતા પ્રમાણે ૯૧ વર્ષનું આયુષ્ય ભોગવીને તેઓ અવસાન પામ્યા હતા.