બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીઃ ૮૧માં ભાજપનો વિજય

Wednesday 06th November 2019 05:25 EST
 
 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ દૂર થયાના બે માસ બાદ યોજાયેલી બ્લોક ડેવલમેન્ટ કાઉન્સિલ (બીડીસી)ની ચૂંટણીમાં ૨૮૦માંથી ૮૧ બ્લોકમાં ભાજપનો વિજય થયો છે. ખાસ કરીને ભાજપ વિરુદ્ધ અપક્ષો વચ્ચે મુકાબલો નોંધપાત્ર રહ્યો હતો. લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ ચૂંટણી યોજાઈ હતી. પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ કોન્ફરન્સે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ભાજપને તેના ગઢ જમ્મુમાં એક તૃતિયાંશ બ્લોક મેળવવામાં સફળતા મળી હતી.
કુલ ૨૮૦ બ્લોકમાં ચૂંટણી યોજાઈ હતી, જે માટે કુલ ૨૬,૦૦૦ પંચ અને સરપંચોએ મતદાન કર્યું હતું.

નવા નેતૃત્વનો ઉદય: મોદી

વડા પ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી બીડીસીની ચૂંટણીમાં લોકોએ ઉત્સાહપૂર્વક લીધેલા ભાગની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં આ નવા નેતૃત્વનો ઉદય છે. મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં બ્લોક લેવલે યોજાયેલી શાંતિપૂર્ણ ચૂંટણીના સમાચારે દરેક ભારતીયને ગૌરવ અપાવ્યું છે. ચૂંટણીમાં લોકોએ ૯૮ ટકા જેટલું રેકોર્ડ બ્રેક મતદાન કર્યું હતું. મોદીએ આનંદ વ્યકત કરતાં વિજેતાને અભિનંદન આપ્યા હતા. રાજ્યમાં ૧૯૪૭ પછી બ્લોક લેવલની આ પહેલી ચૂંટણી યોજાઈ હતી. કુલ ૧૦૮૦ ઉમેદવારો મેદાનમાં હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter