જલંધરઃ ભારતમાં અસંખ્ય મંદિરો અને ગુરુદ્વારા છે, જ્યાં શ્રદ્ધાળુઓ પોતાના આરાધ્ય દેવને વિવિધ પ્રકારના ભોગ અને પ્રસાદ અર્પણ કરે છે, પરંતુ પંજાબના જલંધર જિલ્લામાં સંત બાબા નિહાલ સિંહના ગુરુદ્વારામાં ભક્તો પ્રસાદ તરીકે રમકડાના વિમાન અર્પણ કરે છે. તેથી આ ગુરુદ્વારા હવાઈજહાજ ગુરદ્વારા તરીકે પણ ઓળખાય આવે છે. સ્થાનિક લોકોમાં એવી માન્યતા છે કે આ ગુરુદ્વારામાં પ્રસાદરૂપે રમકડાનું વિમાન અર્પણ કરવાથી લોકોની વિદેશ જવાની ઇચ્છા પૂરી થાય છે. એનઆરઆઇ પ્રદેશ તરીકે મશહૂર પંજાબના દોઆબા વિસ્તારના લોકો અને યુવાનો આ ગુરુદ્વારામાં ભરપૂર આસ્થા ધરાવે છે. વિદેશ જઇને નોકરી મેળવવા ઇચ્છતા હોય અને તેમાં કોઇ વિઘ્ન આવતું હોય તેવા લોકો પણ અહીં આવીને પ્રાર્થના કરે છે. વિદેશોમાં પણ આ ગુરુદ્વારાની બોલબાલા છે. દર વર્ષે અહીં હજારો ભક્તો આવે છે અને ગુરુદ્વારા બહારની દુકાનોમાંથી રમકડાનું વિમાન ખરીદીને ગુરુદ્વારામાં અર્પણ કરે છે. આ વિમાનોની કિંમત ૧૦૦ રૂપિયાથી લઇને આશરે ૧૦૦૦ રૂપિયા સુધી હોય છે.