નવી દિલ્હી: ભારતમાં વિભિન્ન પ્રકારના ધર્મ - સંસ્કૃતિ - ભાષા વગેરેના લોકો જોવા અને સાંભળવા મળે છે. ખાસ કરીને ધર્મ અને આસ્થાનું ખાસ મહત્વ છે. કોઇ પણ ધર્મના લોકો હોય તેઓની આસ્થા ઇશ્વર ઉપર વધારે છે. ભારતમાં વધુ જનસંખ્યા હિન્દુ ધર્મના લોકોની છે. હિન્દુ ધર્મમાં વિશ્વાસ રાખતા લોકો વિભિન્ન દેવી-દેવતાઓમાં માને છે, પણ હિન્દુ લોકો ક્યા દેવી દેવતાને પોતાના ઇષ્ટદેવ માને છે. તેને લઇને એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું છે કે લોકોના સૌથી પ્રિય ભગવાન શિવ છે. આ વાતને લઇને પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા થોડા સમય પહેલા એક સર્વે કરાયો હતો, જેમાં હિન્દુ ધર્મમાં વિશ્વાસ રાખવા લોકોને તેઓના ઇષ્ટ દેવ અંગે સવાલ કરાયો હતો.
આમાં અગાઉ જેવા જ તારણો મળ્યા છે. જેમાં અલગ અલગ દેવી-દેવતાઓની તસવીર પણ બતાવાઇ હતી. સર્વેમાં સામે આવ્યું હતું કે મોટા ભાગના લોકો શિવને ઇષ્ટ દેવ માને છે. સર્વેમાં 44 ટકા લોકોએ ભગવાન શિવને પોતાના ઇષ્ટ દેવ બતાવ્યા હતા.
બીજા નંબર ઉપર હિન્દુઓએ હનુમાનજીને પોતાના પ્રિય દેવતા બતાવ્યા હતા. હનુમાનજીને ઇષ્ટ દેવ માનનારા લોકોની સંખ્યા 35 ટકા હતી. ત્યાર બાદ ભગવાન ગણેશ સૌથી પ્રિય છે. ભગવાન ગણેશને ઇષ્ટ માનનારા લોકોની સંખ્યા 32 ટકા છે.
હિન્દુઓના ઇષ્ટ દેવી-દેવતાઓને લઇને ક્ષેત્રીય આધારે પણ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં પશ્વિમી ભારતની વાત કરવામાં આવે તો 30 ટકા લોકો ભગવાન શિવને ઇષ્ટ માને છે. જ્યારે 46 લોકોએ ભગવાન ગણેશને પોતાના પ્રિય ગણાવ્યા છે. પૂર્વ ભારતની વાત કરવામાં આવે તો 46 ટકા હિન્દુઓ ભગવાન કૃષ્ણને વધારે માને છે જ્યારે હનુમાન અને રામને ઓછા લોકો ઇષ્ટ દેવ ગણે છે. દક્ષિણ ભારતમાં 14 ટકા લોકો મુરુગન સ્વામીને 13 ટકા લોકો અયપ્પાને અને 7 ટકા લોકો મીનાક્ષી દેવીને ઇષ્ટ દેવ માને છે.


