વૃંદાવનઃ ભગવાન બલરામ (જેઓ સંકર્ષણના નામે પણ ઓળખાય છે)ની સૌથી ઊંચી પ્રતિમા શનિવાર, છઠ્ઠી મે,૨૦૧૭ના દિવસે સવારે ૭.૦૦ કલાકના શુભ મૂહૂર્તમાં ગોવર્ધન પર્વત (વૃંદાવન)ની તળેટીમાં સ્થાપિત કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો માટે આ અનેરો અવસર બની રહ્યો હતો કારણકે શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામની ૩૬ ફૂટની ઊંચાઈએ સ્થાપિત ભવ્ય પ્રતિમા સમગ્ર બ્રજ ભૂમિને ભવ્ય દર્શન આપનારી બની રહેશે.
સમગ્ર ભારત અને વિશ્વમાંથી ભગવાન શ્રી કૃષ્ણના હજારો ભક્તજનો દર સપ્તાહે ૨૧ કિલોમીટરની પવિત્ર ગોવર્ધન પરિક્રમા કરવાનો લહાવો મેળવવા બ્રજ ભૂમિની મુલાકાતે આવે છે.
દક્ષિણ ભારતના સૌથી પવિત્ર અને સન્માનીય સંતોમાંના એક શ્રી શ્રીમન્ના નારાયણ ચિન્ના જીયાર સ્વામીજી દ્વારા ભગવાન સંકર્ષણની આ ભવ્ય પ્રતિમા બ્રજ ભૂમિને ભેટ આપવામાં આવી છે. ભગવાન સંકર્ષણની ૨૪ ફૂટ ઊંચી આ ભવ્ય પ્રતિમાનું નિર્માણ ૨૨ સમર્પિત શિલ્પીઓના જૂથ દ્વારા કરવામાં આવ્યું છે.
આ શિલ્પીઓએ તિરુપતિ-તિરુમાલા ટેકરીઓની તળેટીમાં એક વર્ષ કરતા વધુ સમયગાળા સુધી અતિ વિશાળ બ્લેક ગ્રેનાઈટ શિલામાંથી પ્રતિમાને કોતરવાનું કાર્ય કર્યું હતું. આ મૂર્તિને ગોવર્ધન પર્વતના એન્યોરના સંકર્ષણ કુંડ ખાતે ૧૨ ફૂટ ઊંચાઈની પીઠિકા પર સ્થાપિત કરવામાં આવી છે.
ભગવાન સંકર્ષણની પ્રતિમાએ તિરુમાલા પર્વતમાળાથી ગિરિ ગોવર્ધન સુધીની ૨,૦૦૦ કિલોમીટરની યાત્રા કરી તેનાથી ઉત્તર ભરતના ભક્તજનોમાં રોમાંચ અને ઉત્સાહનો સંચાર થઈ ગયો હતો. પ્રતિમા આઠ દિવસની યાત્રામાં હૈદરાબાદ, અદિલાબાદ, નાગપુર, ભોપાલ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, આગ્રા અને મથુરા થઈને ગિરિ ગોવર્ધન પહોંચી હતી.
બ્રજ ફાઉન્ડેશનના ડિરેક્ટર ત્રિકાલાજ્ય દાસે કરેલી જાહેરાત મુજબ મે મહિનાની ભીષણ ગરમીને સહન કરીને પણ ભગવાન સંકર્ષણનું સ્વાગત કરવા બ્રજભૂમિના પવિત્ર સંતગણ, ઉત્તર પ્રદેશના પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓ તેમજ અન્ય અગ્રણી મહાનુભાવો સહિત હજારોની સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની પરિકલ્પનાને મૂર્તિમંત બનાવતી આ ઐતિહાસિક પળને બધાએ વધાવી લીધી હતી.
બ્રજ ફાઉન્ડેશન બ્રજભૂમિના પવિત્ર વારસાને પુનર્સ્થાપિત અને ચેતનવંતો બનાવવાના મહાન કાર્યમાં સંકળાયું છે. મહાન પ્રણેતા અને સમાજસુધારક મિ. વિનીત નારાયણ (C.E.O) દ્વારા ગત ૧૫ વર્ષથી આ કાર્યને અંગત ધ્યેય તરીકે ગણી લેવાયું છે. તેમની ટીમ દ્વારા બ્રહ્મા કુંડ, અને સેવા કુંજ, કોઈલ ઘાટ, રુદ્ર કુંડ, ઋણમોચન કુંડ, ગહવરવન અને વૃષભાનુ કુંડ તેમજ અન્ય હેરિટેજ સાઈટ્સ સહિત સાંસ્કૃતિક ધરોહરના અન્ય સ્થળોને નવસજ્જ કરવામાં આવ્યાં છે.