ભવિષ્યમાં ભારતીય નાગરિકો પાસે પણ હશે ઇ-પાસપોર્ટ

Monday 30th November 2015 04:52 EST
 

હવે સિંગાપોરના નાગરિકોની જેમ ભારતીય નાગરિકોને પણ ઇ-પાસપોર્ટ મળી રહેશે. ભારતના વિદેશ મંત્રાયલે ઇ-પાસપોર્ટની કામગીરી પણ શરૂ કરી દીધી છે. ઇ-પાસપોર્ટમાં એક નાનકડી ચીપ રહેશે જેમાં પ્રવાસીઓનો તમામ ડેટા ઉપલબ્ધ રહેશે અને ઇ-પાસપોર્ટનું ડુપ્લિકેશન અશક્ય બનશે. આ ઇ-પાસપોર્ટ ભારતીય નાગરિકોને આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭થી મળતો થઇ જશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, હાલમાં ભારતમાં જે પાસપોર્ટ ઇશ્યુ થાય છે તેમાં ભેજાબાજો બુકલેટમાં ચેડાં કરીને નકલી પાસપોર્ટ બનાવી શકે છે અને ડિપાર્ચર-એરાઇવલના બોગસ સિક્કા પણ લગાવી દે છે. હવે નવા આવનારા ઇ-પાસપોર્ટમાં આ શક્ય હશે નહીં. નવા ઇ પાસપોર્ટની બુકલેટમાં એક ચીપ ફિટ થશે જેથી પ્રવાસી જે દેશની મુસાફરી કરશે તેની એન્ટ્રી ઇમિગ્રેશનમાં ચીપના આધારે કરાશે. આ ચીપમાં પ્રવાસીઓનો તમામ ડેટા સ્ટોર રહેશે. પ્રવાસીઓએ કયા દેશમાં કેટલી વખત મુસાફરી કરી છે? ક્યા દેશના વેલિડ વીઝા તેની પાસે છે? તેનો જે તે દેશમાં રહેવાનો સમય વગેરે ચીપમાં જ રહેશે. આ ડેટા પાસપોર્ટ વિભાગ પાસે રહેશે. હાલમાં દિલ્હીમાં ઇ-પાસપોર્ટનો ટ્રાયલ ચાલી રહ્યો છે. જો સફળતા મળશે તો આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭થી નાગરિકોને ઇ-પાસપોર્ટ મળતો થઇ જશે. હાલમાં સિંગાપોર સહિત કેટલાક દેશોમાં ઇ-પાસપોર્ટ ઉપલબ્ધ છે. સિંગાપોરના ઇ-પાસપોર્ટની ડિઝાઈન એટીએમ કાર્ડ જેવી છે, પરંતુ ભારતીય ઇ- પાસપોર્ટની ડિઝાઇન તેનાથી અલગ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter