મુંબઈઃ અલગ અલગ બેન્કોમાંથી લોન લઇ રૂપિયા ૯,૦૦૦ કરોડ પાછા ન વાળનાર વિજય માલ્યા સામે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે(ઇડી) હાલમાં જ ૫,૦૦૦ પાનાની ચાર્જશીટ સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએમએ) કોર્ટમાં દાખલ કરી છે. એ ચાર્જશીટના આધારે પીએમએલએ કોર્ટે હવે વિજય માલ્યા સામે સુઓમોટો વાપરી બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કર્યું છે. આઇડીબીઆઈ બેન્કમાંથી લીધેલી રૂ. ૯૦૦ કરોડની લોન સાથે આ મામલો જોડાયેલો છે. ઇડીએ તેની ચાર્જશીટમાં કહ્યું છે કે, કિંગફિશર એરલાઇન્સ ખોટમાં જઈ રહી હતી એમ છતાં આઇડીબીઆઈએ તેને રૂ. ૮૬.૯૨ કરોડની લોન આપી હતી. એ વખતે કિંગફિશર એરલાઇન્સ નેગેટિવ નેટવર્થ અને ઓછી ક્રેડિટ રેટિંગ ધરાવતી હતી. આમ જાણીજોઇને આ કાવતરું કરાયું હતું. ચાર્જશીટમાં વધુમાં એ પણ કહેવાયું છે કે કઇ રીતે રૂ. ૪૦૦ કરોડ દેશમાંથી વિદેશ મોકલી દેવાયા હતા.
માલ્યાના પ્રત્યર્પણની સુનાવણી
લંડન ચાલ્યા ગયેલા વિજય માલ્યા સામે ભારત સરકાર દ્વારા રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરાઈ હતી. જેના આધારે ૧૮ એપ્રિલના તેની લંડનમાં ધરપકડ પણ કરાઈ હતી. જોકે ત્રણ જ કલાકમાં તેને જામીન મળી ગયા હતા. એ પછી ભારત સરકારે બ્રિટનની કોર્ટમાં તેના પ્રત્યર્પણની અરજી કરી છે. એ અરજીની હવે પછીની સુનાવણી લંડનની કોર્ટમાં કરાશે. વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સે અલગ અલગ બેન્કોના રૂ. ૬,૯૬૩ કરોડની લોન પાછી વાળી નથી જે વ્યાજ સાથે રૂ. ૯.૪૩૨ કરોડની થાય છે. વિજય માલ્યા પર આરોપ છે કે કિંગફિશર એરલાઇન્સને આઇડીબીઆઇ દ્વારા અપાયેલી રૂ. ૯૦૦ કરોડની લોનમાંથી રૂ. ૨૫૦ કરોડ તેમણે પોતાના અંગત ઉપયોગમાં લીધા હતા. બીજી માર્ચ ૨૦૧૬થી વિજય માલ્યા લંડન ચાલ્યો ગયો છે.