નવી દિલ્હીઃ ભાજપે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વર્તમાન રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની દેખરેખમાંજ લડવાનો નિર્ણય કર્યો છે. અમિત શાહની મુદ્દત ૨૦૧૯માં જાન્યુઆરી મહિનામાં પૂર્ણ થઈ રહી છે. જોકે, એપ્રિલ-મે મહિનામાં આવી રહેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમની અધ્યક્ષતા સ્વીકારી છે, તેમ પક્ષના આંતરિક સૂત્રોએ જણાવ્યું છે. આ સાથે જ સંગઠનની ચૂંટણીઓ સસ્પેન્ડ કરી દેવાઈ છે અને ચૂંટણી પર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવા માટે પદાધિકારીઓ અને કાર્યકરોને કહી દેવાયું છે.
ભાજપની રાજધાની દિલ્હીમાં મળેલી રાષ્ટ્રીય કારોબારીમાં પ્રમુખ અમિત શાહે પ્રથમ દિવસે સંબોધન કરતાં પાર્ટીને વધુ બેઠકો સાથે લોકસભા ચૂંટણીમાં વિજયી બનાવવાનું આહવાન કર્યું હતું. લોકસભા ચૂંટણીમાં ૨૦૧૪માં વિજય મળ્યો તે પછી અમિત શાહે પાર્ટીનું સુકાન સંભાળ્યું હતું. તે વખતે રાજનાથસિંહ પાર્ટીના પ્રમુખ હતા અને તેમને કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. અમિત શાહની વરણી જાન્યુઆરી ૨૦૧૬માં થઈ હતી. ભાજપના બંધારણ પ્રમાણે પાર્ટી પ્રમુખ સતત બે મુદ્દત સુધી ત્રણ-ત્રણ વર્ષ માટે પ્રમુખ રહી શકે છે.
રાષ્ટ્રીય કારોબારીમાં આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓ માટેની તૈયારીઓમાં લાગી જવા માટે પણ આહવાન થયું છે. આ બેઠકમાં ‘અજેય બીજેપી'નું સૂત્ર અપનાવવામાં આવ્યું હતું. પાર્ટીના રાષ્ટ્રીય હોદેદારોની સાથે રાજ્ય એકમોના પ્રમુખો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમણે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના વિજય માટે કામ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને તેલંગણામાં ચૂંટણી પર ખાસ ધ્યાન રાખવાનો પણ નિર્ણય લેવાયો હતો. સવર્ણોમાં નારાજગી અને ખેડૂતોનો વિરોધ વ્યાપક બની રહ્યો છે ત્યારે કારોબારીની આ બેઠક મહત્વની મનાય છે. બે દિવસની બેઠકમાં આ મુદો ચર્ચાય તેવી પણ શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બેઠકને સંબોધવાના છે. ભાજપ ગરીબો માટેની તેની યોજનાઓ ઉપરાંત ‘સામાજિક ન્યાય' અને ‘આર્થિક સફળતા' માટેના કેન્દ્રના પગલાંને લોકો સમક્ષ રજૂ કરવા પર ભાર મૂકી રહ્યો છે. પક્ષના સિનિયર નેતા કલરાજ મિશ્રાએ એસસી/એસટી કાયદામાં સુધારાની ફેરવિચારણાની માગણી કરી હતી. બીજી એક નોંધપાત્ર બાબત એ છે કે પાર્ટીએ મીટિંગનું સ્થળ આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરની પસંદગી કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી), સંસદમાં પસાર કરવા માટે રજૂ થનાર મહત્વના બિલો પસાર કરવા સહિતની ચર્ચાઓ બેઠકમાં કરાશે.
મોદીનું ‘મેકિંગ ઇન્ડિયા’,કોંગ્રેસનું ‘બ્રેકિંગ ઇન્ડિયા’
મોદી સરકાર કેન્દ્રમાં ‘મેકિંગ ઇન્ડિયા’ અને કોંગ્રેસ ‘બ્રેકિંગ ઇન્ડિયા’ માટે મથી રહી છે તેમ પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીને સંબોધન કરતાં અમિત શાહે કહ્યું કે, તેમનો પક્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૨૦૧૪ કરતાં પણ વધુ સીટો સાથે જીતી જશે. નોંધનીય છે કે ભાજપે ૨૦૧૪માં ૫૪૩માંથી ૨૮૨ પર વિજય મેળવ્યો હતો.
તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર દેશના વિકાસ માટે કામ કરી રહી છે. આજે, ભારતે ફ્રાન્સના અર્થતંત્રને પણ પાછળ રાખી દીધું છે. ભાજપની પાસે ૧૯ રાજ્યોમાં સરકારો છે અને તે દેશમાં ૭૫ ટકા હિસ્સામાં શાસન કરી રહ્યો છે. આપણે આત્મસંતુષ્ટ થઈને રહેવાની જરૂર નથી અને ૨૦૧૯માં વધારે મોટા વિજય માટે કામ કરવાનું છે. એમ તેમણે કહ્યું હતું. ભાજપ સામે વિપક્ષી મહાગઠબંધન અંગે બોલતાં તેમણે કહ્યું કે, આ પ્રકારનું જોડાણ ભ્રામક છે અને તેમાં ખોટી વાતો કરવામાં આવી રહી છે. અમિત શાહે મહારાષ્ટ્રમાં ભીમા કોરેગાંવ હિંસામાં માઓવાદીઓની કથિત લીંક શોધીને કેટલાક માનવ અધિકારવાદીઓની ધરપકડ કરી તે બદલ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરાહના કરી હતી.
૫૦ વર્ષ સુધી ભાજપ: મોદી
દિલ્હીમાં આયોજિત ભાજપની કારોબારીના સમાપન ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના નેતા અને કાર્યકરોને અજેય ભારત અટલ ભાજપનો નારો આપ્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને પડકાર આપવામાં વિપક્ષ સક્ષમ નથી. આગામી ૫૦ વર્ષ સુધી અમને કોઇ પડકારી શકશે નહીં કારણ કે તેઓ મુદ્દા પર નહીં પરંતુ જુઠ્ઠાણાના આધારે લડાઇ લડી રહ્યાં છે. આપણા દેશની સમસ્યા એ છે કે જે લોકો સરકાર ચલાવવામાં નિષ્ફળ ગયાં તેઓ વિપક્ષમાં પણ નિષ્ફળ રહ્યાં છે. અમે નીતિઓ આધારિત લડાઇ લડવા તૈયાર છીએ પરંતુ જુઠ્ઠાણા સામે કેવી રીતે લડવું તે અમે જાણતા નથી. મહાગઠબંધનમાં નેતૃત્વનું કોઇ ઠેકાણું નથી. તેમની નીતિઓ સ્પષ્ટ નથી અને તેમની નિયત ભ્રષ્ટ છે. જાવડેકરે જણાવ્યું હતું કે, મોદી સરકાર ફરી સત્તામાં આવશે. વિપક્ષ પાસે નેતા, નીતિ કે રણનીતિનો અભાવ છે. તેથી એજન્ડા વગરનો વિપક્ષ હતાશામાં ગરકાવ થઇ નકારાત્મક રાજનીતિ કરી રહ્યો છે. જ્યારે વડા પ્રધાન
મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા છે. વિપક્ષનો એકમાત્ર એજન્ડા વડા પ્રધાન મોદીને સત્તા પરથી હટાવવાનો છે.
ભારતના નિર્માણનો ઠરાવ
ભાજપ કારોબારીની બેઠકમાં ૨૦૨૨ સુધીમાં નવા ભારતના નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતો ઠરાવ રાજનાથ સિંહે રજૂ કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૨૨ સુધીમાં દેશમાંથી જાતિવાદ, સંપ્રદાયવાદ, આતંકવાદ અને નકસલવાદ નાબૂદ થઈ જશે. છેલ્લા ચાર વર્ષમાં વિકાસના ઘણા કામો થયાં છે. ૨૦૨૨ સુધીમાં નવા ભારતનું નિર્માણ થઈ જશે. મોદી સરકાર પાસે દૃષ્ટિકોણ, ધીરજ અને કલ્પના છે. મોદી સરકારના કામો જોઈ શકાય છે. ૨૦૨૨ સુધીમાં ન્યૂ ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર થતાં દેશમાં કોઈ ગરીબ કે બેઘર નહીં રહે. ન્યૂ ઈન્ડિયાનું સ્વપ્ન વિઝન, પેશન અને ઈમેજિનેશનથી સફળ બનશે. દેશમાં ઈનોવેશન કલ્ચરનો પ્રારંભ થયો છે. દેશની જનતા પોતાના વિકાસની સાથે સાથે દેશના વિકાસમાં પણ ભાગીદાર બની રહી છે.


