નવી દિલ્હીઃ કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકારનાં રાજીનામા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે, કર્ણાટકની પ્રજાએ કોંગ્રેસની વિરુદ્ધમાં મતદાન કર્યું છે. અને ભાજપ સૌથી મોટો પક્ષ હોવાથી તેને સરકાર બનાવવાનો હક હતો. તેથી ભાજપે દાવો કર્યો હતો.
અમિત શાહે કહ્યું કે, ભાજપે કોઈ તોડજોડ કરી નથી. બહુમતી પરીક્ષ પહેલાં કોંગ્રેસ તેના ધારાસભ્યોને હોટેલ અને સ્વિમીંગ-પૂલની બહાર છોડી દીધા હોત તો પ્રજા તેને સમજાવી દેત કે કયાં વોટ કરવાનો છે. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને વિજય સરઘસ અને ઉજવણી કરવાનો પણ મોકો નથી આપ્યો.
કોંગ્રેસ તરફથી ભાજપ પર ધારાસભ્યોને ખરીદવા વેચવાના આરોપ સામે શાહે કહ્યું કે, હોર્સ ટ્રેડિંગનો જે આરોપ લગાવવામાં આવ્યો છે તે ખોટો છે. કોંગ્રેસ પોતાની સ્થિરતા ગુમાવી ચૂકી છે. કોંગ્રેસ બંધારણના નિયમોથી વિરુદ્ધ થઈને પોતાના ધારાસભ્યોને હોટેલમાં બંધ કરી રાખ્યા હતા. જો તેઓ પ્રજાની વચ્ચેગયા હોત તો તેમને પ્રજાનો મૂડ જાણવા મળત. આજે પણ કોંગ્રેસ જ્યારે પોતાના ધારાસભ્યોને મુક્ત કરશે ત્યારે પ્રજા તેમની પાસે જવાબ માગશે. સંપૂર્ણ બહુમતી ન મળવા છતાં ભાજપને જ સરકાર બનાવવાની તક મળવી જોઈએ એવો દાવો કર્યો. આમાં કંઈ ખોટું નથી. જો આમ ન કરવામાં આવે તો ફરીથી ચૂંટણી યોજવાની ફરજ પડી હોત. રાજ્યની પ્રજા કોંગ્રેસને નકારી રહી છે.