ભાજપના સંકલ્પઃ રામમંદિરનું નિર્માણ, કલમ ૩૭૦ની નાબૂદી

Wednesday 10th April 2019 06:15 EDT
 
 

નવી દિલ્હીઃ ફરી સરકાર રચવા દૃઢ નિર્ધાર સાથે આગેકૂચ કરી રહેલા ભાજપે સોમવારે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૧ એપ્રિલે મતદાન થશે તેના ત્રણ દિવસ પૂર્વે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં ભાજપે ૭૫ સંકલ્પો સાથે તમામ વર્ગને રિઝવવા પ્રયાસ કર્યા છે. 

આ ઢંઢેરામાં રામમંદિરનું ઝડપી નિર્માણ, આતંકવાદ સામે સખ્તાઇથી કાર્યવાહી કરવા, આગામી ત્રણ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવા, ભારતને ૨૦૩૦ સુધીમાં વિશ્વમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનાવી દેવા તેમજ જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જા આપતો બંધારણના આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરવા જેવા વચનોનો સમાવેશ કરાયો છે.
બીજી તરફ, ખેડૂતોને આકર્ષવાના પ્રયાસમાં ભાજપે અનેક પગલાં જારી કર્યાં છે. જેમાં રૂ. ૬૦૦૦ વાર્ષિક આવકનો ટેકો, એક લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન તેમજ ૬૦ વર્ષથી વધુ વયના ખેડૂતોને પેન્શન જેવા વાયદાનો સમાવેશ થાય છે.
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં પરાજ્ય બાદ પક્ષે ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસો કર્યા છે. ખેડૂતો ઉપરાંત પક્ષે જીએસટીના અમલીકરણથી નારાજ દેખાતા સમાજનો વધુ એક વર્ગ દુકાનદારો માટે પણ પેન્શન યોજનાની જાહેરાત કરી છે. પક્ષે જણાવ્યું છે કે જો તે ફરી સત્તા પર આવશે તો આગામી પાંચ વર્ષમાં કૃષિ અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૨૫ લાખ કરોડનું રોકાણ કરશે અને આ જ ગાળામાં ગરીબી રેખા હેઠળના પરિવારોની ટકાવારી ૧૦ ટકાથી નીચે લાવવામાં આવશે.

રાષ્ટ્રવાદ અને સુશાસન ભાજપના મંત્રઃ મોદી

ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં જારી કરાયેલા ચૂંટણી ઢંઢેરા ‘સંકલ્પ પત્ર’ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે ભાજપ માટે રાષ્ટ્રવાદ પ્રેરણા, અંત્યોદય ફિલોસોફી અને સુશાસન ધર્મ છે. તેમણે કહ્યું હતું કે પક્ષનો નિર્ધાર છે કે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં આવે. તેમણે કહ્યું હતું કે ૨૦૪૭માં જ્યારે દેશની આઝાદી મળ્યાને ૧૦૦ વર્ષ થશે ત્યારે ભારત વિકસિત રાષ્ટ્ર બન્યું હોય એવો નિર્ધાર આ ઘોષણાપત્રમાં રહેલો છે. તેમણે કહ્યું હતું કે અમે એસી રૂમોમાં બેસી રહ્યા વિના ગરીબી સામે લડી રહ્યા છીએ. અમે ગરીબોની જરૂરિયાતો પર પ્રથમ ધ્યાન આપીએ છીએ.

અડવાણી-મુરલી મનોહરને મળ્યા શાહ

પક્ષનો ચૂંટણી ઢંઢેરો ‘સંકલ્પ પત્ર’ જારી કર્યાના થોડા કલાકો પછી ભાજપ અધ્યક્ષ અમિત શાહ નારાજ વરિષ્ઠ નેતાઓ લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષની ચૂંટણીમાં જે પ્રકારે બંને દિગ્ગજ નેતાઓને કોરાણે મૂકી દેવાયા છે તેથી બંને નેતાઓ ખૂબ નારાજ છે. આ મામલે વિપક્ષે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર માછલાં ધોવાનું શરૂ કર્યું છે. આ સમયે ભાજપ અધ્યક્ષે બંને નેતાઓને મળીને બધું ‘સારા વાનાં’ કરવા પ્રયાસ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે અડવાણી અને મુરલી મનોહર જોશી ભાજપના સ્થાપક સભ્યો છે. ગત મહિને ૯૧ વર્ષીય અડવાણીએ કહ્યું હતું કે અમિત શાહ ગુજરાતના ગાંધીનગરમાંથી ચૂંટણી લડશે. આ બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા અડવાણી છ વખતથી જીતતા આવ્યા છે.

ભાજપના ‘સંકલ્પ’ ઉડતી નજરે

• સશસ્ત્ર દળો માટે ઝડપથી જરૂરી શસ્ત્રસામગ્રી ખરીદાશે • આતંકવાદી વિરુદ્ધ ઝીરો ટોલરન્સ, સુરક્ષા દળોને છૂટો દોર મળશે • એનઆરસીનો અમલ દેશમાં તબક્કાવાર થશે • નોર્થ-ઇસ્ટમાં ઘૂસણખોરી રોકવા સ્માર્ટ ફેન્સિંગનો ઉપયોગ • કાશ્મીરમાં કલમ-૩૭૦ દૂર કરવામાં આવશે • ભાજપ સત્તામાં આવે કે ટૂંક સમયમાં રામમંદિર નિર્માણ • કાચા મકાનમાં રહેતા કે બેઘર લોકોને ૨૦૨૨ સુધીમાં પાકા મકાન • સંસદ અને વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત • વેપારીઓ માટે રાષ્ટ્રીય વેપારી કલ્યાણ બોર્ડ • નેશનલ રિટેલ બિઝનેસ પોલિસી તૈયાર કરાશે • જીએસટી અંતર્ગત નાના વેપારીઓ માટે અકસ્માત વીમો • નાના દુકાનદારો માટે ૬૦ વર્ષ બાદ પેન્શન સુવિધા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter