ઉત્તર પ્રદેશ: 80માંથી 41 બેઠક સપા અને કોંગ્રેસે જીતી
રાજ્યની કુલ 80 બેઠકમાંથી 36 સપા, 30 ભાજપ, 5 કોંગ્રેસ 2 રાલોદ અને 1 અપના દલને મળી. ભાજપની 32 બેઠક ઘટી, સપાની 31 વધી. કેવી રીતે આ થયું? રામમંદિરની લહેર નિષ્ફળ ગઈ. ભાજપ ફૈઝાબાદ (અયોધ્યા આ મતવિસ્તારમાં છે.) બેઠક જ 50 હજારથી વધુ મતથી હારી ગયો છે. ભાજપે રાષ્ટ્રીય સ્તરે 43 ટકા (132) સાંસદની ટિકિટ કાપી હતી જ્યારે ઉત્તર પ્રદેશમાં 11 ટકા (7)ની. બસપાના 80-90 ટકા મત ઇન્ડિયાને મળ્યા છે.
રાજસ્થાન: 25માંથી 14 ભાજપને જ્યારે 8 કોંગ્રેસે આંચકી
રાજ્યની કુલ 25 બેઠકમાંથી ભાજપ 14, કોંગ્રેસ 8 અને રાલોપાએ એક બેઠક જીતી છે. 2019માં ભાજપે 24 જીતી હતી. એક બેઠક રાલોપા પાસે હતી. કેવી રીતે આ થયું? જ્ઞાતિઓએ ભાજપનું ગણિત બગાડ્યું. અનામત મુદ્દે એસસી-એસટીમાં નારાજગી. જાટ-રાજપૂતોમાં રોષ. ગુર્જર-મીણા એક થઈ ગયા. ભાજપનો વોટ શેર 60 ટકાથી ઘટીને સીધો જ 49 ટકા થઈ ગયો.
હરિયાણાઃ ભાજપ 10માંથી 5 બેઠક જ બચાવી શક્યો
રાજ્યમાં ભાજપની 5 બેઠક છીનવાઈ ગઇ છે. ભાજપ અને કોંગ્રેસને 5-5 બેઠક. 2019માં ભાજપ 10 બેઠક જીત્યો હતો. કેવી રીતે આ થયું? ખેડૂત આંદોલન, એન્ટી ઇન્કમ્બન્સી અને પહેલવાનોના વિરોધની અસર
થતાં ભાજપે પોતાની અડધોઅડધ બેઠકો ગુમાવવી પડી છે.
બિહાર: જદ(યુ)ના ટેકાથી ભાજપ બચ્યો
રાજ્યમાં ઇંડિયાનો વોટશેર 9 ટકા વધ્યો અને એક સાથે 7 બેઠકો લઇ ગયો. કુલ 40 બેઠકમાંથી 12 જનતા દળ (યુ), 12 ભાજપ, 5 લોજપા, 4 રાજદ, 3 કોંગ્રેસ, 2 સીપીઆઈ (એમએલ), એક-એક બેઠક હમ અને અપક્ષને મળી છે. 2019માં ભાજપ 17, જદ(યુ) 16, લોજપા 6 અને એક કોંગ્રેસે જીતી હતી. આ કેવી રીતે થયું? ઈન્ડિયાનો વોટશેર 9 ટકા વધ્યો, જ્યારે એનડીએનો 2 ટકા ઘટ્યો. ચૂંટણી પહેલાં જદ(યુ)ને સાથે રાખીને ભાજપ મોટા નુકસાનથી બચી ગયો છે.
મહારાષ્ટ્ર શિવસેના-એનસીપી તૂટતાં કોંગ્રેસને લાભ
રાજ્યની કુલ 48 બેઠકમાંથી 10 ભાજપ, 13 કોંગ્રેસ, 9 શિવસેના (ઉદ્ધવ), 7 શિવસેના (શિંદે), 7 એનસીપી (શરદ), 1એનસીપી (અજિત) જીતી. 2019ની ચૂંટણીમાં અહીં 23 બેઠક ભાજપે, 18 શિવસેના અને 4 એનસીપીએ જીતી હતી. કેવી રીતે આ થયું? શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે અસલી પુરવાર થયા જ્યારે શિંદે-અજિત નકલી. સૌથી મોટો લાભ કોંગ્રેસને થયો છે. માત્ર 17 ટકા મત સાથે કોંગ્રેસ અહીં સૌથી વધુ બેઠકો જીતી ગઈ અને સૌથી મોટો વોટશેર (26 ટકા) છતાં ભાજપ 13 બેઠક ગુમાવીને 10 પર આવી ગયો છે.
પ. બંગાળ: ભાજપની 6 બેઠક ઘટી, તૃણમૂલની 7 વધી
રાજ્યની 42 બેઠકમાંથી 29 પર મમતાદીદીનો દબદબો રહ્યો. વોટશેરમાં 2 ટકાનું જ અંતર હોવા છતાં તૃણમૂલ કોંગ્રેસની 7 બેઠક વધી છે. જ્યારે ભાજપ 12 પર સમેટાયો છે. કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે. 2019માં આ રાજ્યમાં ભાજપ 18 અને તૃણમૂલ કોંગ્રેસે 22 પર વિજય મેળવ્યો હતો. કેવી રીતે આ થયું? એનડીએનો વોટશેર અંદાજે 2 ટકા ઘટ્યો અને તૃણમૂલનો 2 ટકા વધી ગયો. સંદેશખાલીનો મુદ્દો બહુ અસરકારક ન નીવડ્યો. ઈન્ડિયા યુતિનો હિસ્સો હોવા છતાં કોંગ્રેસથી છૂટી પડવાથી તૃણમૂલને લાભ થયો છે. નોર્થઇસ્ટ: આ પ્રદેશના 8 રાજ્યની કુલ 25 બેઠકમાંથી 13 ભાજપ અને 7 બેઠક કોંગ્રેસે જીતી છે. મણિપુરમાં ભાજપ બંને બેઠક હાર્યો છે. કારણ છે રાજ્યમાં તાજેતરમાં થયેલા હિંસક તોફાનો.
દક્ષિણ: કેરળમાં ભાજપનો પ્રવેશ, તેલંગણમાં બે ગણી, આંધ્રમાં 3 બેઠક... કર્ણાટકમાં 8 ગુમાવી
અહીંની કુલ 129 બેઠકમાંથી ભાજપને 29, કોંગ્રેસને 40 બેઠક મળી છે. તમિળનાડુની 39માંથી 22 દ્રમુકને, 9 કોંગ્રેસે જીતી છે. કર્ણાટકની 28માંથી 17 ભાજપ, 9 કોંગ્રેસ અને 2 જેડીએસને મળી છે. આંધ્ર પ્રદેશની 25માંથી 16 ટીડીપી, 4 વાયએસઆર, ભાજપને 3 મળી છે. કેરળમાં ભાજપને 1, કોંગ્રેસને 14. તેલંગણમાં ભાજપ અને કોંગ્રેસે 8-8 બેઠક જીતી છે. કેવી રીતે આ થયું? આંધ્ર પ્રદેશમાં ટીડીપી સાથેની યુતિથી ભાજપને લાભ થયો છે. કેરળમાં સુરેશ ગોપીએ ભાજપનું ખાતું ખોલાવ્યું. તેલંગણમાં બીઆરએસના મત ભાજપને ટ્રાન્સફર થતાં બેઠકો 4થી 8 થઈ ગઈ.


