ભાજપમાં ભડકો: સાંસદ મનસુખ વસાવાનું પક્ષમાંથી રાજીનામું

Tuesday 29th December 2020 15:56 EST
 
 

અમદાવાદઃ ભાજપના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપતો પત્ર પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને મોકલી આપ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે મારી ભૂલને કારણે પક્ષને નુકસાન ના પહોંચે એના કારણે રાજીનામું આપું છું. લોકસભાના આગામી સત્રમાં અધ્યક્ષને મળીને હું લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દઈશ. સાંસદ વસાવા છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકારની કામગીરીથી નારાજ છે. તેમણે લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. મનસુખ વસાવાના સમર્થનમાં સાગબારા તાલુકાના ભાજપના હોદ્દેદારો સહિત ૨૯ સક્રિય કાર્યકરોએ પણ પક્ષમાંથી રાજીનામાં આપી દીધા છે.
વસાવાએ પત્રમાં શું કહ્યું?
તેમણે પત્રમાં જણાવ્યું છે કે ભાજપે મને મારી ક્ષમતાં કરતાં પણ ઘણુંબધું આપ્યું છે, જે માટે પક્ષનો, પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું આભાર માનું છું. મારાથી શક્ય હતી તેટલી મેં પક્ષમાં વફાદારી નિભાવી છે. પક્ષનાં મૂલ્યો, જીવનનાં મૂલ્યો પણ અમલમાં મૂકવા કાળજી રાખી છે, પરંતુ આખરે તો હું પણ એક માનવી છું. મનુષ્યના નાતે જાણેઅજાણે ભૂલો તો થતી હોય છે. મારી ભૂલને કારણે પક્ષને નુકસાન ના પહોંચે એ કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું, જે બદલ પક્ષ મને ક્ષમા કરે. બજેટસત્ર દરમિયાન લોકસભા સભ્યપદેથી પણ સ્પીકરને રૂબરૂ મળીને હું રાજીનામું આપી દઈશ.
ભાજપ પ્રદેશ પ્રમુખે શું કહ્યું?
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘મનસુખભાઈએ રાજીનામું નથી આપ્યું, આગામી બજેટ સત્રમાં રાજીનામું આપવાની વાત કરી છે. અમે તેમને મનાવી લઈશું. તેઓ લોકો માટે લડતા નેતા છે. ઈકો સેન્સેટિવ ઝોન અંગે તેમની નારાજગી છે. પાટીલે કહ્યું કે મનસુખ વસાવા અમારા સિનિયર સાંસદ છે અને તેમણે અમારી સામે લાગણી વ્યક્ત કરી હતી. મનસુખ વસાવા લાગણીશીલ માણસ છે. અમારા માટે ગૌરવ છે કે મનસુખભાઈ જેવી વ્યક્તિ અમારા સાંસદ છે, તેમની રજૂઆત મુદ્દે આજે હું મુખ્ય પ્રધાનને મળ્યો હતો, જેથી તેમની જે નારાજગી છે એ દૂર કરવામાં આવશે.'


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter