ભાજપવિરોધી મોરચાના ચક્રો ગતિમાનઃ નાયડુ ફરી રાહુલ, પવારને મળ્યા

Wednesday 22nd May 2019 06:06 EDT
 
 

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પરિણામો ૨૩મીએ જાહેર થયા તે પહેલાં જ કેન્દ્રમાં ભાજપવિરોધી ત્રીજો મોરચો રચવાના ચક્રો ગતિમાન થયા છે. આંધ્રનાં મુખ્ય પ્રધાન અને તેલુગુ દેશમ્ પાર્ટીનાં વડા ચંદ્રાબાબુ નાયડુએ કોંગ્રેસનાં રાહુલ ગાંધી, એનસીપીનાં શરદ પવાર, સમાજવાદી પાર્ટીનાં અખિલેશ યાદવ, બહુજન સમાજ પાર્ટી (બસપા)નાં માયાવતી અને શરદ યાદવ સાથે મિટિંગ કર્યા પછી નાયડુએ ૨૪ કલાકમાં બીજી વખત રાહુલ ગાંધી અને પવાર સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ૫૪૩ લોકસભા બેઠકમાંથી ૧૮૦ બેઠક પર સ્થાનિક પક્ષોનો પ્રભાવ છે. આ લોકસભા ચૂંટણીમાં આ પક્ષો કેટલી બેઠકો જીતશે તેનાથી જ તેની ભૂમિકા નક્કી થશે.
નાયડુની આ મુલાકાતનો હેતુ એનડીએને બહુમતી ન મળે તો કેન્દ્રમાં ભાજપ સિવાય અન્ય પક્ષોની સરકાર રચવા અન્ય પક્ષોનો ટેકો મેળવવા માટેનો છે. રાહુલ ગાંધી સાથે રવિવારની મિટિંગમાં તેમણે કેન્દ્રમાં બિનભાજપી સરકાર રચવાનાં મુદ્દે ચર્ચા કરી હોવાનું મનાય છે. તેઓ અગાઉ અરવિંદ કેજરીવાલ, સુધાકર રેડ્ડી અને ડી. રાજાને પણ મળ્યા હતા. નાયડુ સોનિયા ગાંધીને પણ મળ્યા હતા.
અગાઉ બસપા સુપ્રીમો માયાવતી લખનઉથી દિલ્હી આવીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળવાના હતા. જોકે તેમણે દિલ્હી પ્રવાસ મુલત્વી રાખ્યાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે માયાવતીએ ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના વિરોધમાં આક્રમક ભાષાનો ઉપયોગ કર્યો હતો.

સરકાર બનાવવા તૈયાર રહેવું જોઈએ : નાયડુ

ચંદ્રાબાબુએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને મળીને કહ્યું હતું કે એનડીએને બહુમતી ન મળે તો સરકાર રચવા વિપક્ષોએ સાથે મળીને તૈયાર રહેવું જોઈએ.
તો એનસીપીનાં નેતા શરદ પવારે ગઠબંધન મુદ્દે કહ્યું હતું કે સૌને ૨૩મીનાં પરિણામોની રાહ છે. પરિણામો આવ્યા પછી વિપક્ષોનું વલણ કેવું રહેશે તે સ્પષ્ટ થઈ જશે.

સોનિયાએ ૨૧ પક્ષોનાં નેતાઓની બેઠક બોલાવી

યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધીએ એનડીએ સિવાયનાં પક્ષો સાથે રણનીતિ ઘડવા ૨૩મીએ ૨૧ પક્ષનાં નેતાઓની મિટિંગ યોજી છે. તેમણે આ માટે અહમદ પટેલ, ચિદમ્બરમ્, ગેહલોત, ગુલામ નબી આઝાદની ટીમ બનાવીને તેમને કામ સોંપ્યું છે. એનસીપી, આરજેડી, ટીએેમસી અને દ્રમુકનાં નેતાઓને આમંત્રણ આપ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter