નવી દિલ્હી: ભારત આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઇ)નાં ટ્રાન્સફોર્મેશનમાં સૌથી આગળ છે તેવું કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવનારા દિવસોમાં એઆઇની માનવજીવનમાં ભૂમિકા કેવી રહેશે તેનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે લોકોની મહત્વકાંક્ષા અને જવાબદારી બંનેમાં એઆઇનું મહત્વ પ્રતિબિંબિત થાય છે. એઆઇ દ્વારા હેલ્થકેર, શિક્ષણ, કૃષિ અને ગવર્નન્સ તેમજ ઉદ્યોગ ક્ષેત્રે આગવું પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે.
રાજધાની દિલ્હીમાં 16મીથી શરૂ થયેલા અને 20 ફેબ્રુઆરી સુધી ચાલનારા ઈન્ડિયા AI ઈમ્પેક્ટ એક્સ્પો તેમજ ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ યોજાઇ છે ત્યારે ભારત મંડપમમાં તેમણે આ મુદ્દે વિસ્તૃત છણાવટ કરી હતી. મોદીએ સમિટમાં ભાગ લેવા આવેલા દેશવિદેશનાં પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. વડાપ્રદાન મોદીએ સોમવારે સાંજે ભારત મંડપમમાં ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. ‘એક્સ’ પર તેમણે લખ્યું હતું કે એઆઇ પર ચર્ચા કરવા માટે આખી દુનિયાને સાથે લાવવાનાં ઈરાદાથી આ સમિટનું આયોજન કરાયું છે. ભારત દિલ્હી ખાતે આ સમિટની યજમાની કરી રહ્યું છે.
આ સમિટમાં આખી દુનિયામાંથી લીડર્સ, ઉદ્યોગપતિઓ, સંશોધકો અને રિસર્ચ કરનારાઓ તેમજ ટેકનોલોજીનાં નિષ્ણાતો અને શોખીનો આવી રહ્યા છે જેમનું હું સ્વાગત કરું છું. આ સમિટની થીમ સર્વજન હિતાય, સર્વજન સુખાય છે. મતલબ કે સૌનું કલ્યાણ હો અને સૌ ખુશ રહો. માનવલક્ષી પ્રગતિ માટે એઆઇનો ઉપયોગ આપણી સૌની સામૂહિક પ્રતિબદ્ધતા છે. એઆઇ ઈમ્પેક્ટ સમિટમાં એઆઇનાં અલગ અલગ પરિબળો જેવા કે ઈનોવેશન, કોલાબોરેશન અને જવાબદારીભર્યો ઉપયોગ જેવા મુદ્દા પર ગ્લોબલ વાતચીતને વધારે સારી રીતે ઉજાગર કરશે. સમિટનાં પરિણામો એક પ્રોગ્રેસિવ, ઈનોવેટિવ અને તક આધારિત વાતાવરણ સર્જશે.
ભારતમાં AI ટ્રાન્સફોર્મેશન
ભારતમાં 140 કરોડ લોકોને કારણે અમારો દેશ એઆઇ ટ્રાન્સફોર્મેશનમાં સૌથી આગળ છે. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને વાઈબ્રન્ટ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ અને કટિંગ એજ રિસર્ચ સુધી એઆઇમાં અમારી પ્રગતિ મહત્વકાંક્ષા અને જવાબદારીને પ્રતિબિંબિત કરે છે.
મોદીએ રવિવારે ભારતને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર અને AIનું ગ્લોબલ હબ બનાવવાનો સંકલ્પ રજૂ કર્યો હતો. ભારત દુનિયાનાં ડેટા હોસ્ટ કરીને તેમજ ટેકનોલોજીની ક્રાંતિની હવે પછીની લહેરનું નેતૃત્વ કરવા તૈયાર છે.
‘જિઓ સંસ્કૃતિ’ દ્વારા પૌરાણિક કથાઓનું એઆઈ વર્ઝન
એઆઈ ઈમ્પેક્ટ સમિટ એક્સપોના ઉદ્ઘાટન દરમિયાન મોદી જ્યારે ‘જિઓ એઆઈ 1 પેવેલિયન’ પહોંચ્યા, ત્યારે આકાશ અંબાણીએ તેમને ‘જિઓ સંસ્કૃતિ’ એપ વિશે માહિતી આપી હતી. ત્યાં એક વિશાળ સ્ક્રીન પર મહાભારતનો વીડિયો ચાલી રહ્યો હતો, જે સંપૂર્ણપણે એઆઈ દ્વારા તૈયાર કરાયો હતો. આ એપ એઆઈ અને ડિજિટલ આર્કાઈવ દ્વારા ભારતના ઐતિહાસિક સ્થળો, લોક પરંપરાઓ, કલા, સાહિત્ય અને ધાર્મિક વારસાને એક જ પ્લેટફોર્મ પર જોડે છે. આ ટેકનોલોજી માત્ર માહિતી જ નથી આપતી, પરંતુ યુઝરને ઇતિહાસનો અનુભવ કરાવે છે. આકાશ અંબાણીએ પીએમ મોદીને જણાવ્યું કે, આ રીતે કોઈપણ પૌરાણિક કથાનો એઆઈ વીડિયો તૈયાર કરી શકાય છે.


