ભારત-અમેરિકા સંબંધોઃ અમેરિકા, પાકિસ્તાન, ચીનના મીડિયાની નજરે

Friday 10th June 2016 05:43 EDT
 
 

વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોનો પવનવેગે પ્રવાસ કરીને પરત ભારત પહોંચી ગયા છે, પરંતુ અખબારી માધ્યમોમાં આ ભારત-અમેરિકા સંબંધોનું, નરેન્દ્ર મોદી-બરાક ઓબામાની મિત્રતાનું વિશ્લેષણ હજુ પણ ચાલી રહ્યું છે. અમેરિકા, પાકિસ્તાન અને ચીનનું મીડિયા ભારત-અમેરિકા કઇ રીતે નિહાળે છે તેની અહીં ઝાંખી અહીં રજૂ કરી છે.
ધ ન્યૂ યોર્ક ટાઇમ્સઃ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક આતંકવાદની નિંદા કરી છે. તેમણે અમેરિકન સંસદમાં કહ્યું હતું કે પ્રગતિશીલ ભારત અમેરિકાના હિતમાં છે. બન્ને દેશોમાં ઇનોવેશનની તાકાત કેલિફોર્નિયામાં જોવા મળી છે. બન્ને દેશ સાથે મળીને ભવિષ્યની ઇન્ડસ્ટ્રીને આકાર આપી રહ્યાં છે. મોદીના આ સંબોધનમાં છેલ્લા ત્રણ દાયકામાં બન્ને દેશો વચ્ચે ઝડપથી બદલાઈ રહેલા સંબંધોની ઝલક જોવા મળી છે. તેને આ રીતે સમજી શકાય - ૩૧ વર્ષ પહેલાં વડા પ્રધાન રાજીવ ગાંધીએ કોંગ્રેસને સંબોધન કર્યું હતું. ત્યારે તેમણે અમેરિકાની નીતિથી અલગ અફઘાનિસ્તાનમાં સોવિયેત સેનાની હાજરીનો બચાવ કર્યો હતો. તર્ક આપ્યો હતો કે અફઘાન રાષ્ટ્રપતિના આમંત્રણ પર સેના ત્યાં છે. અત્યાર સુધી ભારતીય નેતા અમેરિકન સૈન્યશક્તિને શંકાની નજરે જોતા આવ્યા છે. બીજા દેશોમાં અમેરિકાના સૈન્ય હસ્તક્ષેપનો વિરોધ કરતા રહ્યા છે, પણ આ વખતે મોદીએ અર્લીંગટન સ્મારક પર અમેરિકન જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. અફઘાનિસ્તાનમાં અમેરિકન સેનાની હાજરીને સાચી ગણાવી હતી. કારણ કે તેમને ચિંતા છે કે અમેરિકા ખસતા જ પાક ત્યાં પગદંડો જમાવી લેશે.
વોલ સ્ટ્રીટ જર્નલઃ મોદી પ્રમુખ બરાક ઓબામાની વિદાય પહેલાં બન્ને દેશોના સંબંધોને મજબૂતી આપવાના પ્રયાસ કરી રહ્યા છે. મોદી ઓબામા સાથે ખૂબ કમ્ફર્ટ છે. બન્ને એકબીજાને મિત્ર કહીને બોલાવે છે. મોદીએ વ્હાઇટ હાઉસની રેસમાં સામેલ હિલેરી ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ બેમાંથી કોઈને મળ્યા નથી. તેમની આ કૂટનીતિ બન્ને દેશો વચ્ચેના સંબંધો માટે મહત્ત્વપૂર્ણ છે.
વોશિંગ્ટન પોસ્ટઃ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત અને અમેરિકાની મૈત્રી નવા યુગમાં પ્રવેશી ગઈ છે. તેનો શ્રેય મોદી અને ઓબામાની વધી રહેલી મૈત્રીને જાય છે. તેમણે વ્યક્તિગત મિત્રતા અને સમજદારીના જોરે મજબૂત સંબંધોનો પાયો નાખ્યો છે. બન્ને પક્ષોએ ૧૦ વર્ષથી અટકેલા ન્યૂક્લિયર રિએક્ટરને ખરીદવાનો સોદો પણ પૂરો કર્યો છે.

પાકિસ્તાની મીડિયા

ધ ડોનઃ અમેરિકા પાકિસ્તાન સાથે બેવડું ધોરણ અપનાવી રહ્યું છે. પાકિસ્તાને પણ એનએસજી માટે અરજી કરી હતી, પરંતુ અમેરિકાને ભારતમાં રસ છે. તેના કારણે અમેરિકા-પાકિસ્તાનના સંબંધ બગડી શકે છે.
ધ ન્યૂઝઃ આજે અમેરિકી પ્રમુખ અને સાંસદો મોદીની સાથે છે. ગુજરાત રમખાણોનાં કારણે અમેરિકાએ મોદી સામે પ્રતિબંધ લાદી દીધો હતો, પરંતુ આજે અમેરિકા તેમની સાથે છે. કારણ કે અમેરિકા ચીનની સામે એશિયામાં એક નવી શક્તિ ઊભી કરવા માગે છે.
એક્સપ્રેસ ટ્રિબ્યુનઃ અમેરિકાને ભારતમાં મોટું સૈન્ય બજાર દેખાઈ રહ્યું છે. અમેરિકાને ભારતમાં પરમાણુ બિનલશ્કરી ઉપયોગ અને મોટું સૈન્ય બજાર દેખાઈ રહ્યું છે. તેથી તે પોતાનાં આર્થિક હિતોને સાધવા માટે તેની સાથે ઊભેલું દેખાય છે.

ચાઇનીઝ મીડિયા

ગ્લોબલ ટાઇમ્સઃ ચીનને ભાંડીને વાસ્તવિકતા બદલાઈ નહીં શકે. મોદી બે વર્ષમાં ચાર વખત અમેરિકા ગયા છે. પ્રમુખ ઓબામા અને મોદી વચ્ચેનું ટ્યુનિંગ બન્ને દેશોના સંબંધોને નવી ઊંચાઈ સુધી લઈ ગયા છે. ચીનની સાથે ઘણા પાસાઓ પર હરીફાઈ હોવા છતાં ભારત જાણે છે કે તેનું વિરાટ સ્વપ્ન ચીનને ખરું-ખોટું કહીને વાસ્તવિક્તામાં બદલી શકાય નહીં. ચીન ભારત માટે એક હરીફથી વધુ સહયોગી છે.
એશિયામાં બદલાઈ રહેલાં સમીકરણને કારણે અમેરિકા અને ભારત નજીક આવી ગયા છે. એશિયા-પ્રશાંતમાં વોશિંગ્ટનના પુનઃ સંતુલનથી અમેરિકાને ભારતના વ્યૂહાત્મક મહત્ત્વ, આર્થિક ક્ષમતા અને વિચારધારાની સમાનતાનો અહેસાસ થાય છે. ભારત આશા રાખે છે કે અમેરિકા સાથે સંબંધો મજબૂત કરીને તે વિકાસનો લાભ લઈ શકે છે અને પોતાની ક્ષમતા મુજબ એક આંતરરાષ્ટ્રીય દરજ્જો હાંસલ કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter