ભારત-અમેરિકા સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા સાથે મળી કામ કરીશું: મોદી

Wednesday 11th November 2020 05:55 EST
 
 

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જો બાઇડેનને વિજય માટે અભિનંદન પાઠવતાં અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, અમેરિકાના પ્રમુખપદે જો બાઇડેન અને ઉપપ્રમુખપદે ચૂંટાઇ આવવા માટે કમલા હેરિસને અભિનંદન.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જો બાઇડેનને અદ્ભુત વિજય માટે અભિનંદન. વાઇસ પ્રેસિડેન્ટ તરીકેના તમારા કાર્યકાળમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા માટેનું તમારું યોગદાન મહત્ત્વનું અને અમૂલ્ય રહ્યું હતું. હું ફરી એક વાર ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને નવી ઊંચાઇ પર લઇ જવા માટે તમારી સાથે નિકટતાથી કામ કરવા ઇચ્છું છું. કમલા હેરિસને અભિનંદન આપતાં મોદીએ જણાવ્યું હતું કે, કમલા હેરિસને હૃદયપૂર્વકના અભિનંદન. તમારી સફળતા તમામ ભારતીય અમેરિકનો માટે ગૌરવની બાબત છે.

બાઇડેનની લીડરશિપ વિશ્વમાં શાંતિ સ્થાપશે: સોનિયા

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, ભારત બાઇડેન અને હેરિસના નેતૃત્વ હેઠળના અમેરિકા સાથે ગાઢ ભાગીદારીની આશા રાખી રહ્યો છે. બાઇડેનના વિભાજન દૂર કરવાના પ્રયાસોએ અમને આશ્વસ્ત કર્યાં છે કે તેમનું નેતૃત્વ ભારતીય ઉપખંડ અને વિશ્વમાં શાંતિ સ્થાપવામાં મદદરૂપ બનશે. કમલા હેરિસની સફળતા અશ્વેત અને ભારતીય અમેરિકનોનો વિજય છે. કમલા હેરિસ વિભાજિત દેશને એક કરવાનું કામ કરશે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે બાઇડેન અમેરિકાને એકજૂથ કરશે અને સાચી દિશામાં દોરી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter