નવી દિલ્હીઃ હાલમાં કાશ્મીર હિંસામાં પાકિસ્તાની ફંડિંગની એનઆઇએ તપાસ કરી રહી છે ત્યારે અન્ય કેટલાક ઘટસ્ફોટ થયા છે. પાકિસ્તાન આતંક ફેલાવવા માટે કુખ્યાત છે. આ અંગેના કેટલાક અન્ય પુરાવા પણ સામે આવ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર મુંબઇ તેમજ અમેરિકામાં થયેલા આતંકી હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનની બેંકોએ આ બન્ને હુમલા માટે આતંકીઓને ફંડ પૂરું પાડયું હતું.
પાકિસ્તાની બેંકોએ મુંબઇના ૨૬/૧૧ અને અમેરિકાના ૯/૧૧ હુમલા માટે આતંકીઓને ફંડ પૂરું પાડયું હતું. ગ્લોબલ લિક્સ નામના ગ્રુપે આ ખુલાસો કર્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાને આ હુમલા માટે પોતાના દેશની અને સાઉદી અરબ અમીરાત (યુએઇ)ના શાહી પરિવારની માલિકીની બેંકોના ફંડનો ભરપુર ઉપયોગ કર્યો હતો.
ગ્લોબલ લિક્સના રિપોર્ટ અનુસાર પાકિસ્તાન સ્થિત બેંક અલ ફલહ તેમજ યુનાઇટેડ બેંક લિમિટેડ અને યૂએઇ સ્થિત દુબઇ ઇસ્લામિક બેંકે ભારત અને અમેરિકા પર હુમલા કરવા માટે લશ્કરે તોયબા અને જમાત ઉદ દાવાના આતંકીઓને મોટા પાયે નાણા પૂરા પાડયા હતા. આ બન્ને હુમલા અલકાયદા અને હાફિઝ સઇદના સંગઠન જમાત ઉદ દાવાએ અંજામ આપ્યો હતો.