નવી દિલ્હીઃ ભારતના નાણા પ્રધાન અરુણ જેટલીએ ૩૧મી ઓગસ્ટે કહ્યું હતું કે, ભારત આવતા વર્ષે બ્રિટનને પાછળ રાખી દેશે અને વિશ્વનું પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે તેવી શક્યતા છે. દેશમાં આર્થિક પ્રવૃત્તિએ વેગ પકડ્યો હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ૧૦-૨૦ વર્ષમાં ભારત ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.
કોમ્પીટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)ના ઓફિસ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરતા જેટલીએ કહ્યું હતું કે, આ વર્ષે કદની કદની દૃષ્ટિથી ભારતે ફ્રાન્સને ઓવરટેક કરી લીધું છે. આવતા વર્ષે આપણે બ્રિટનને ઓવરટેક કરી દઈશું. આથી આપણે વિશ્વનું પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની જઈશું. ભારતનો જીડીપી વૃદ્ધિદર ગયા વર્ષે ૬.૭ ટકા રહ્યો હતો. જે ચાલુ વર્ષે વધીને ૭.૪ ટકા થવાનો અંદાજ છે.
ભારતનો જીડીપી ૨૦૧૭ના અંતે ૨.૫૯૭ કરોડ ડોલર થઈ ગયો હતો. જ્યારે ફ્રાન્સનો જીડીપી ૨.૫૮૨ લાખ કરોડ ડોલર હતો. આમ ભારતે ફ્રાન્સને પાછળ રાખી દીધું હતું. જોકે માથાદીઠ જીડીપી મામલે ભારત હજી ફ્રાન્સ કરતાં પાછળ છે. ફ્રાન્સનો માથાદીઠ જીડીપી ભારત કરતાં ૨૦ ગણો છે. તેનું મુખ્ય કારણ એ છે કે ભારતની વસતી ઘણી વધારે છે. ભારતની વસતી ૧૩૪ કરોડ છે જ્યારે ફ્રાન્સની માત્ર ૬.૭ કરોડ છે. બ્રિટનનો જીડીપી ૨૦૧૭માં ૨.૯૪ લાખ કરોડ ડોલર હતો.