નવી દિલ્હી: ભારત અને યુરોપિય યુનિયન (ઇયુ) વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (એફટીએ)નો મુસદ્દો તૈયાર થઈ ગયો છે. આ કરાર અમલમાં આવતા જ બંને દેશની ઈકોનોમી એકબીજાને મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો આપશે. જેના કારણે બંને દેશો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ)નાં નિયમોનું પાલન કરશે અને વૈશ્વિક નિયમો સિવાય કોઈ નવા આયાત-નિકાસ પ્રતિબંધો લગાવશે નહીં. બંને દેશોએ 20 વર્ષ લાંબી મંત્રણા પછી એક કરાર કર્યો છે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહિયારી સમૃદ્ધિની બ્લ્યૂપ્રિન્ટ ગણાવી છે. યુરોપિયન કમિશન (ઇસી)નાં ચેરમેન ઉસુંલા વાન ડેર લેયન દ્વારા આને 2 બિલિયન લોકોના હિતનો કરાર ગણાવ્યો છે.
ટેરિફમાં ભારે ઘટાડાથી કોને કેટલો લાભ?
આ સમજૂતી વેપારી મૂલ્યને આધારે 96.6 ટકા ઉત્પાદનો પરની ટેરિફને તબક્કાવાર ખતમ કરશે કે ઘટાડશે. ઇયુ ભારત માટે તેનાં બજારનો 99.5 ટકા હિસ્સો ખુલ્લો મુકશે. મોટાભાગનાં ઉત્પાદનો પરનો ટેરિફ તરત જ કે વધુમાં વધુ સાત વર્ષમાં શૂન્ય કરવામાં આવશે. ભારત દ્વારા વેપારી મૂલ્યના ધોરણે 96 ટકા ચીજવસ્તુઓ પર ડ્યુટી હટાવવામાં આવશે. આ પ્રોસેસ આગામી 10 વર્ષમાં તબક્કાવાર પૂરી કરાશે.
આ મુક્ત વેપાર કરારથી બંને દેશને આર્થિક ફાયદો થશે. ભારતનાં નિકાસકારોને કપડા, ચામડું, રત્ન અને આભુષણો તેમજ દરિયાઈ પેદાશોને યુરોપિયન માર્કેટમાં તરત શૂન્ય ડ્યુટીનાં લાભ મળતા થશે. બીજી તરફ, યુરોપનાં કાર નિર્માતા અને શરાબ ઉત્પાદકોને ભારતનાં બજારમાં મોટા ડયુટી ઘટાડાનો લાભ મળશે. 2032 સુધીમાં યુરોપનાં દેશોમાંથી ભારતને થનાર નિકાસ બે ગણી થશે. યુરોપની કંપનીઓની વાર્ષિક બચત 4 બિલિયન યુરો થશે.


