ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા લોકો આપણા માટે પ્રેરણારૂપઃ મોદી

Tuesday 11th August 2026 12:54 EDT
 
 

નવી દિલ્હીઃ ‘ભારત છોડો’ આંદોલનની 84મી વર્ષગાંઠે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંદોલનના રાષ્ટ્રનાયકો અને અમર સેનાનીઓને યાદ કર્યા હતા. આંદોલનમાં ભાગ લેનારાઓનું સાહસ આપણા સૌના માટે પ્રેરણા બની રહેશે એમ જણાવતા મોદીએ એક્સ પર લખ્યું હતું કે ઐતિહાસિક ભારત છોડો આંદોલનમાં ભાગ લેનાર તમામ લોકોને આપણે યાદ કરીએ છીએ. તેમનું સાહસ દરેક ભારતીય માટે હંમેશા પ્રેરણા બની રહેશે. 8મી ઓગસ્ટ 1942નાં રોજ મુંબઈનાં ગ્વાલિયા ટેક મેદાનમાં લોકોની ખીચોખીચ હાજરી વખતે મહાત્મા ગાંધીએ અંગ્રેજોને ભારત છોડોની હાકલ કરી દેશ છોડીને ચાલ્યા જવા ફરમાન કર્યું હતું. આ વખતે કરો યા મરોનો નાદ આખા દેશમાં ગુંજી ઉઠયો હતો અને અંગ્રેજોની હકુમત હલબલી ગઈ હતી.

ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ રાષ્ટ્ર નાયકો અને અમર સેનાનીઓને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ અમર સેનાનીઓએ સ્વતંત્ર ભારતનાં સપનાને સાકાર કરવા તેમનું સર્વસ્વ અર્પણ કર્યું હતું. મહાત્મા ગાંધીએ કરો યા મરોની હાકલ કરી હતી જે પછીથી કરોડો ભારતીયો માટે સાહસ અને સંકલ્પનો અવાજ બન્યું હતું. આંદોલનમાં અસંખ્ય લોકોએ જેલની યાતનાઓ સહન કરી હતી અને સંઘર્ષ કરીને પ્રાણોનું બલિદાન આપ્યું હતું.
કેન્દ્રનાં આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડાએ લખ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નેતૃત્વમાં 8 ઓગસ્ટ 1942નાં રોજ ભારત છોડો આંદોલન શરૂ થયું હતું, જે દેશ માટે સ્વતંત્રતા સંગ્રામનો નિર્ણાયક અધ્યાય બન્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter