ભારત જ્યારે પણ શક્તિશાળી બન્યું ત્યારે વિશ્વમાં શાંતિ-સમૃદ્ધિ વધ્યાઃ મોદી

Wednesday 02nd November 2022 07:44 EDT
 
 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલમાં ભારતીય સૈન્યના જવાનોની સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેઓએ જવાનોને સંબોધિત કરતા કહ્યું હતું કે આપણે શાંતિમાં વિશ્વાસ રાખીએ છીએ, જોકે શાંતિ સામર્થ્ય વગર શક્ય નથી. મોદીએ કહ્યું હતું કે જ્યારે જ્યારે ભારતની તાકાત વધે છે ત્યારે ત્યારે વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિની શક્યતાઓ પણ વધે છે. રાષ્ટ્રની સુરક્ષા માટે આત્મનિર્ભર ભારત બહુ જ જરૂરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સશસ્ત્ર દળોમાં મહિલાઓને સામેલ કરવાથી દેશની તાકાત વધશે, ભ્રષ્ટાચાર સામે ભારતની લડાઇ જારી છે અને ભ્રષ્ટાચારી ગમે તેટલો તાકતવર હોય તેને છોડવામાં નહીં આવે. સાથે જ મોદીએ કહ્યું હતું કે ભારતની પ્રતિષ્ઠા વિશ્વસ્તર પર વધી છે અને તે હજુ પણ ઝડપથી વધી રહી છે. અને આવું એટલા માટે શક્ય બન્યું છે કેમ કે આપણે બહારના અને અંદરના દુશ્મનોની સામે સફળતાપૂર્વક લડી રહ્યા છીએ. મોદીએ કહ્યું હતું કે એક રાષ્ટ્ર ત્યારે સુરક્ષિત થાય છે જ્યારે સરહદો સુરક્ષિત હોય. અર્થવ્યવસ્થા મજબૂત હોય અને સમાજ વિશ્વાસથી ભરેલો હોય.
લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત એવી કામના કરે છે પ્રકાશનો આ તહેવાર દુનિયા માટે શાંતિનો માર્ગ પ્રશસ્ત કરે. મોદીએ સૈન્યને સંબોધતા કહ્યું હતું કે મારા માટે વર્ષોથી મારો પરિવાર સૈન્ય જ છે. મારી દિવાળીની મિઠાશ જવાનોની વચ્ચે વધી જાય છે. મારી દિવાળીનો પ્રકાશ તમારી વચ્ચે છે. મોદીએ પોતાના હાથે જવાનોને મિઠાઇ પણ ખવડાવી હતી.
મોદીએ કહ્યું હતું કે ભારતે ક્યારેય પણ યુદ્ધને પ્રથમ વિકલ્પ નથી માન્યો, પણ જો કોઇ દેશ પર ખરાબ નજર નાખશે તો સૈન્ય તેનો જડબાતોડ જવાબ આપશે.

કારગિલમાં ગુજરાતી જવાનો સાથે વડાપ્રધાન
દિવાળીના પાવન પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારગિલની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે બોર્ડર ઉપર તૈનાત ગુજરાતના આર્મીના જવાનો સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાન મોદીની હાજરીમાં ગુજરાતના આર્મી જવાનોએ સ્વતંત્રતાના લડવૈયાઓને યાદ કરીને ગુજરાતી ગીતો ગાયા હતા. અંતમાં ‘અમે ગુજરાતી લહેરી લાલા...’ ગીત ગાયું હતું. છેલ્લે આર્મી જવાનો સાથે સંવાદ કરીને તેમના ખબર અંતરપૂછ્યા હતા. પીએમએ જવાનોને પૂછયું કે બધા ગુજરાતના છો, ત્યારે તમામ જવાનોએ હા કહેતા, ક્યાંના છો? પૂછતાની સાથે મહિસાગર, ભાવનગર, મોટેરા, અબડાસાના નામ બોલીને જવાનોએ તેમના વતનની ઓળખ આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter