નવી દિલ્હી: વડા પ્રધાન મોદી દ્વારા શનિવારે ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (આઇએમસી)માં 5G સર્વિસ લોન્ચ કરવામાં આવી હતી. આ સાથે ઓક્ટોબરના આરંભથી દેશભરમાં ટેલિકોમ અને ઇન્ટરનેટ ક્ષેત્રે નવી ક્રાંતિનાં મંડાણ થયા છે. હવે દેશના 13 શહેરોમાં દિવાળી સુધીમાં સુપર ફાસ્ટ ઇન્ટરનેટ સેવાઓ મળતી થશે. ડિસેમ્બર 2023 સુધીમાં દેશભરમાં યૂઝર્સને 5જી સેવાઓ હેઠળ આવરી લેવામાં આવશે.
ટેલિકોમ ક્ષેત્રની તમામ કંપનીઓ દ્વારા 5G સર્વિસ શરૂ કરવા તૈયારી કરી લેવામાં આવી છે. મોદીએ ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ પ્રદર્શનમાં 5G સેવાઓનાં ઉપયોગ, સોલ્યુશન્સ તેમજ ભાવિ સંભાવનાઓને લગતી માહિતી મેળવી હતી.
વડા પ્રધાને કહ્યું હતું ભારત ટેકનોલોજીનું માત્ર ગ્રાહક નથી પણ ડેવલોપર અને તેના પર અમલ કરનાર પણ છે. અગાઉ લોકો આત્મનિર્ભરના વિચાર પર હસતા હતા. તેમણે કહ્યું કે સુવિધા મળતી હોય તો વિચાર બદલવામાં વિલંબ થતો નથી. અગાઉની યુપીએ સરકારનું નામ લીધા વિના કહ્યું કે 2Gનો ઈરાદો અને 5Gના ઈરાદામાં આ જ ફરક છે. આજે ભારતમાં સૌથી સસ્તો ડેટા ઉપલબ્ધ છે.
5Gમાં 10 ગણી વધુ સ્પીડ
ભારતમાં યુઝર્સને 4Gની સરખામણીએ 5G સર્વિસ હેઠળ ઇન્ટરનેટની 10 ગણી વધુ સ્પીડ મળશે. 20 જીબી પ્રતિ સેકન્ડ સુધીની સ્પીડનો અનુભવ કરી શકશે. યુઝર્સ 5G માટે 45 ટકા સુધી પ્રીમિયમ આપવા તૈયાર છે. હાલ દેશમાં 5G નેટવર્ક સુસંગત સ્માર્ટફોન ધરાવતા 10 કરોડથી વધુ યૂઝર્સ છે.
કયા 13 શહેરોમાં 5G સર્વિસ શરૂ થશે?
અમદાવાદ, ગાંધીનગર, જામનગર, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, ચંડીગઢ, બેંગ્લુરુ, ગુરુગ્રામ, હૈદરાબાદ, લખનઉ, પૂણે. આ વર્ષનાં અંત સુધીમાં દેશના અન્ય મોટા શહેરોમાં અને આવતા વર્ષે અન્ય સર્કલ્સમાં 5G નેટવર્ક કાર્યરત થઈ જશે.
વડા પ્રધાને યુરોપમાં કાર ડ્રાઈવ કરી
વડા પ્રધાને નરેન્દ્ર મોદીએ નવી દલ્હીના પ્રગતિ મેદાનમાં બેઠાં બેઠાં જ 5G ટેકનોલોજી વડે યુરોપમાં કાર ચલાવી હતી. જીઓ ગ્લાસ પહેરીને તેમણે નવો અનુભવ પણ મેળવ્યો હતો. રિલાયન્સ જીયોના ચેરમેન આકાશ અંબાણીએ મોદીને 5G સેવા અંગેનો સંપૂર્ણ ડેમો દર્શાવ્યો હતો.
અમદાવાદ નજીક રોપડા ગામની શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ
અમદાવાદ નજીક રોપડા શાળા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે 5G થી માનવજીવનના દરેક ક્ષેત્રે મોટા પરિવર્તન આવશે. ડિજિટલ ક્રાંતિનો એક નવો યુગ શરૂ થયો છે. શાળાના વિદ્યાર્થીઓ જૈમીની ઠાકોર અને હાર્દિક ઠાકોર સાથે વડા પ્રધાને વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો.


