ભારત - નેપાળ વચ્ચે સંરક્ષણ - સુરક્ષા સહિત મહત્ત્વના આઠ કરાર

Friday 25th August 2017 05:31 EDT
 
 

નવી દિલ્હીઃ નેપાળના વડા પ્રધાન શેર બહાદુરની ભારતયાત્રા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમણે દ્વિપક્ષીય બેઠક કરી હતી. એમાં સંરક્ષણ ક્ષેત્રે સહકાર, સરહદી સુરક્ષા, ડ્રગ્સના નેટવર્ક સામેની લડાઈ વગેરે મળીને આઠ મહત્ત્વના કરારો થયા હતા. નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબા ચાર દિવસ માટે ભારતની યાત્રાએ હતા. ભારતની મુલાકાત દરમિયાન તેમની બેઠક ૨૪મી ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે થઈ હતી. એ બેઠકમાં ભારત-નેપાળ વચ્ચે આઠ મહત્ત્વના કરારો થયા હતા. જેમાં સંરક્ષણ ક્ષેત્રે સહકારથી લઈને સરહદી સુરક્ષા અને બંને દેશોની સરહદે ધમધમી રહેલા ડ્રગ્સના નેટવર્કને ખતમ કરવાના કરારો અને વીજળીની અછતથી ઝઝૂમી રહેલા નેપાળને વીજળી આપવાના કરારનો સમાવેશ થતો હતો. ભારત નેપાળને આર્થિક સહાય કરશે અને નેપાળમાં ૫૦ આવાસો બનાવશે એવીય જાહેરાત થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-નેપાળના સંબંધોને હિમાયલ જેટલાં જૂના અને વિશ્વસનીય ગણાવ્યાં હતા. વડા પ્રધાને કહ્યું કે નેપાળના આર્થિક વિકાસમાં ભારત હંમેશા મદદરૂપ બનશે. નેપાળમાં આવેલા ભયાનક પૂરના કારણે તારાજી થઈ છે એ બાબતે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારત બનતી બધી જ આર્થિક મદદ કરશે. નેપાળ અને ભારત વચ્ચે વ્યાપારી સંબંધો વધુ મજબૂત બનાવવા માગે છે.

પ્રોટોકોલ તોડીને સુષ્માએ શેર બહાદુરને પાણી આપ્યું

સંયુક્ત નિવેદન દરમિયાન નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબાને ખાંસી આવી. મદદનીશો થોડા દૂર ઊભા હતા અને વડા પ્રધાન શેર બહાદુરના ગ્લાસમાં પાણી પૂરું થઈ ગયું હતું. બંને વડા પ્રધાનોની સામે બેઠેલા સુષ્મા સ્વરાજ તુરંત તેમની જગ્યાએથી ઊઠ્યા અને એક ગ્લાસમાં પાણી ભરી રહ્યા હતા ત્યારે વડા પ્રધાન મોદીએ પણ હાથ લાંબો કરી તેમને મદદ કરી. ગ્લાસમાં પાણી ભરાઈ ગયું એટલે સુષ્મા સ્વરાજે પ્રવચન કરી રહેલા શેર બહાદુરને આપ્યું.

કરારોથી ચીન પરેશાન

ભારત-નેપાળ વચ્ચે થયેલા આઠ કરારો પછી ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના એક અહેવાલમાં આ અંગે મશ્કરીના અંદાજમાં લખાયું હતું કે નેપાળમાં ચીનનો પ્રભાવ વધી રહ્યો હોવાથી ભારત એને રોકવા માટે નેપાળને મદદ કરે છે. જો ભારતને ખરેખર સંબંધો સુધારવા જ હોય તો ભારત-ચીન-નેપાળ સાથે મળીને આર્થિક વિકાસ કરે એવા પ્રયાસો ભારતે કરવા જોઈએ. ચીનના સરકારી અખબારે તો ત્યાં સુધી લખ્યું કે ભારત ખુદ આર્થિક રીતે નબળું છે છતાં નેપાળ-બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન જેવા દેશોને આર્થિક મદદ કરવાના કરારો કરે છે. એના બદલે ભારતે પોતાની આર્થિક શક્તિ વધારવા અને સરહદી સમસ્યાઓ ઉકેલવામાં ધ્યાન આપવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter