ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવના મોહાલમાં હજારો હવાઈ મુસાફરો અટવાયા

Friday 01st March 2019 07:33 EST
 
 

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલીનો માહોલ સર્જાતા હજારો હવાઈ મુસાફરો અટકવાઈ ગયા હતા. વિવિધ એરલાઈન્સે ફ્લાઈટ રદ્ કરવી પડી હતી. કેટલીક એરલાઈન્સે ફ્લાઈટ અટકાવી રાખી હતી. તો કેટલીય એરલાઈન્સે વિમાનોને ડાઈવર્ટ કર્યા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે ભારે તંગદિલી સર્જાઈ છે. તેની અસર હવાઈ મુસાફરો ઉપર પણ પડી હતી. બંને દેશો વચ્ચે વધતી તંગદિલીના કારણે વિશ્વભરના હજારો મુસાફરો અટવાઈ પડયા હતા. અમુક મુસાફરોએ મુસાફરી રદ્ કરવી પડી હતી. તો અમુક મુસાફરોએ એક-બે દિવસ સુધી પ્રવાસ રોકી રાખવાની ફરજ પડી હતી.

પાકિસ્તાને તેનું હવાઈ ક્ષેત્ર બંધ રાખવાનો નિર્ણય કરતા યુરોપ અને દક્ષિણ એશિયા વચ્ચેનો મુખ્ય હવાઈ માર્ગ બંધ રહ્યો હતો. થાઈ એરવેઝે તેની ૩૦ ફ્લાઈટ્સ રદ કરી હતી. તો સિંગાપુર એરલાઈન્સે યુરોપની સીધી ફ્લાઈટ્સ રોકી રાખી હતી. એમિરેટ્સ એરલાઈન્સે પાકિસ્તાન જતી ૧૦ ફ્લાઈટ રદ્ કરી હતી.

કતાર એરલાઈન્સે સુરક્ષાનું કારણ આગળ ધરીને પેશાવર, ફેસલાબાદ, ઈસ્લામાબાદ, કરાચી, લાહોર, મુલતાનની ફ્લાઈટ્સને અધવચ્ચેથી પાછી બોલાવી લીધી હતી. એ જ રીતે સાઉદી એરલાઈન્સે નવા આદેશ સુધી પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રની તમામ અવરજવર બંધ કરી હતી.

કેનેડાથી ભારત આવતી ફ્લાઈટ કેનેડા પાછી બોલાવી લેવામાં આવી હતી. ઈસ્તામ્બુલથી પાકિસ્તાન જતી ફ્લાઈટ રદ થઈ હતી. ભારતનો સીમાવર્તી વિસ્તારનો એરસ્પેસ આંશિક બંધ રહ્યો હતો. તે સિવાય ફ્લાઈટ્સ યથાવત રહી હતી, પરંતુ પાકિસ્તાને ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક પછી ડરમાં તેના એરક્ષેત્રને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. તે કારણે દક્ષિણ એશિયાથી યુરોપ વચ્ચેનો ઘણો ખરો વ્યવહાર અટકી પડયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter