ભારત-પાકિસ્તાન સરહદે ગોળીબારમાં ૮નાં મોત

Friday 04th November 2016 08:58 EDT
 
 

જમ્મુ: પાકિસ્તાને દિવાળીના સપરમા દિવસોમાં પણ સરહદ પર વસતા ભારતીયો પર ગોળીબાર અને તોપમારો ચાલુ રાખતાં યુદ્ધ જેવી સ્થિતિનું સર્જન થયું છે. સરહદ પર મંગળવારથી પાકિસ્તાની લશ્કર દ્વારા કરવામાં આવેલા આડેધડ ફાયરિંગમાં બે બાળક અને ચાર મહિલા સહિત આઠ લોકો માર્યા ગયા છે જ્યારે ૨૨થી વધુને ઈજાઓ પહોંચી છે. ઘવાયેલાઓમાં એક ૧૮ મહિનાની બાળકી પણ છે. ભારતીય સેનાએ પાકિસ્તાનની આ બુરી હરકતનો જવાબ આપતાં બે રેન્જર્સ માર્યા ગયા છે જ્યારે તેમની ૧૪ ચોકીઓનો ખાતમો બોલાવી નાંખ્યો છે. પાકિસ્તાનમાંથી એટલી ખરાબ રીતે ફાયરિંગ થઈ રહ્યું છે કે તેના કારણે આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા હરોળ પાસે આવેલાં ગામો અને ટાઉનની ૪૦૦ સ્કૂલો બંધ કરી દેવી પડી છે. હજારો લોકો તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળે જઈ રહ્યાં છે. તેમને નજીકની સરકારી ઈમારતો અને સ્કૂલોમાં આશરો અપાયો છે. બીજીએ કરેલા ભારે તોપમારા પછી પણ પાકિસ્તાની સૈનિકોએ તેમની નાપાક હરકતો જારી રાખી હતી.

રાજૌરીમાં ભીમબેડ ગલી સેક્ટરમાં આડેધડ ગોળીબારો કર્યા હતા. પાકિસ્તાની રેન્જર્સને સેનાનો સાથ મળી રહ્યો છે અને તેને કારણે તેઓ ભારે હથિયારોથી પ્રહારો કરી રહ્યા છે. પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ૮૨ એમએમના મોર્ટાર શેલ છોડવામાં આવી રહ્યા છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, જમ્મુમાં લગભગ ૧૭૪ સ્કૂલ અને સાંબામાં ૪૫ સ્કૂલો આગામી આદેશ ન મળે ત્યાં સુધી બંધ કરી દેવાઈ છે. આ આદેશ પ્રાઈવેટ સ્કૂલો માટે પણ લાગુ કરાયો છે. હાલ સરહદી વિસ્તારની સાથે ખૌરમાં એલઓસી, જૌરિયન, આરએસપુરા સેક્ટર, અરનિયા, સતવતી, અખનૂર સહિત અનેક વિસ્તારોની સ્કૂલો બંધ કરાવી દેવાઈ છે. રાજધાની દિલ્હીમાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સરહદ પરની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ, આર્મી ચીફ જનરલ દલબીરસિંહ સુહાગ અને અન્ય ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. સાંબાના ડેપ્યુટી કમિશનર શીતલ નેદાએ કહ્યું હતું કે, સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં પાંચ લોકો માર્યા ગયા હતા જ્યારે આઠને ઈજા પહોંચી હતી. આ જ એરિયામાં મોર્ટાર શેલના પ્રહારથી એક નાગરિક માર્યો ગયો હતો. ભારતીયે સેનાએ પણ રાજૌરીમાં નૌશેરા સેક્ટરમાં વળતો પ્રહાર કરીને પાકિસ્તાની સૈનિકોને મારી નાંખ્યા છે તેમજ તેમની ૧૪ ચોકીઓ ફૂંકી મારી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter