અબુ ધાબીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજીને કુલ પાંચ કરાર કર્યા હતા. આ કરારોમાં ભારતીય ઓઇલ કંપનીઓના કોન્સોર્ટિયમને ઓફશોર ઓઇલની કિંમતોમાં દસ ટકા સ્ટેક આપવાના ઐતિહાસિક કરારનો પણ સમાવેશ થાય છે.
વડા પ્રધાન મોદીનું અબુ ધાબી એરપોર્ટ પર ક્રાઉન પ્રિન્સ સહિત રાજવી પરિવારના અન્ય સભ્યોએ શાનદાર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ ઓવીએલ, બીપીઆરએલ અને આઇઓસીએલ એમ ત્રણ ભારતીય ઓઇલ કંપનીઓના કોન્સોર્ટિયમ વતી અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની સાથે એમઓયુ કર્યા હતા.
ભારતીય કંપનીઓને ૨૦૧૮થી ૨૦૫૭ સુધી કુલ ૪૦ વર્ષ આ કરારનો લાભ મળતો રહેશે. આ ઉપરાંત ભારત અને યુએઇએ મજૂરો સાથે સંકળાયેલા ઇ-પ્લેટફોર્મના સુધારા અંગે પણ સહમતિ દાખવી હતી. હાલ આ પ્રકારની નોંધણી નહીં હોવાથી ગેરકાયદે પ્રવૃત્તિને વેગ મળ્યો છે.
આ દરમિયાન રેલવે ક્ષેત્રે ટેક્નોલોજીની આપ-લેને લગતા પણ કરારો કરવામાં આવ્યા હતા. બંને દેશો એકબીજાના ફાઇનાન્સિયલ માર્કેટમાં પણ રોકાણકારોને વધુ રોકાણ કરવાનું પ્રોત્સાહન આપશે. આ દ્વિપક્ષીય બેઠકમાં જમ્મુમાં સ્ટોરેજને લગતા પ્રશ્નો ઉકેલવા એક મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક અને હબ બનાવવા પણ સમજૂતી કરાઇ છે.