નવી દિલ્હીઃ દેશના સંરક્ષણને વધુ મજબૂત કરવાની દિશામાં પગલાં ભરતાં રક્ષા મંત્રાલયે ૨૫મી જૂને અમેરિકા પાસેથી ૭૫ કરોડ અમેરિકન ડોલરના '૧૪૫ M૭૭૭ અલ્ટ્રા લાઇટવેટ હોવિત્ઝર્સ' આર્ટિલરી ગનની ખરીદીને મંજૂરી આપી દીધી છે. ૧૪૫ ટેન્કની ડિલિવરી અમેરિકા ભારતમાં જ આપશે. જેથી મોટા પાયે પરિવહનખર્ચ બચી જશે.
છેલ્લા ૩ દસકામાં બોફોર્સ કૌભાંડ પછી આ પ્રકારના હથિયારોની પહેલી ખરીદી થઇ રહી છે. સાથોસાથ દેશમાં ધનુષ આર્ટિલરી ગનોના ઉત્પાદન માટે પણ પરવાનગી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત દેશના સંરક્ષણને વધુ કારગર બનાવવા માટે ૧૩,૬૦૦ કરોડ રૂપિયાની પરિયોજનાને પણ મંજૂરી અપાઈ છે. જેમાં ભારત ૬ મિસાઇલ જહાજોનું નિર્માણ કરશે. જેના માટે નૌસેનાને પણ જાણકારી આપવામાં આવી છે.
સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકરના અધ્યક્ષપદે મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં ૧૮ દરખાસ્તો પર વિચારણા કરવામાં આવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છે છે કે ઘણાં વર્ષોથી ના થઇ શકેલી ટેન્ક ખરીદી કરીને ભારતીય સૈન્યને સજ્જ કરવામાં આવે, પરંતુ તેઓ એમ પણ ઇચ્છે છે કે સ્થાનિક રોજગારીને વેગ મળે તે હેતુસર ભારતમાં લશ્કરી સરંજામનાં ઉત્પાદન માટે એકમો ઊભા થાય.
છેલ્લા ઘણાં સમયથી ભારતીય ભૂમિદળ સેનામાં કોઇ પણ નવા હથિયારોનો ઉમેરો કરવામાં આવ્યો ન હતો. તેમજ બોફોર્સ કૌભાંડ પછી આ પ્રકારના કોઇ પણ હથિયારો ખરીદવામાં આવ્યા ન હતા. જે પછી ૨૫મીએ મનોહર પર્રિકરના અધ્યક્ષતામાં મેળલી રક્ષા હસ્તાંતરણ પરિષદ (DAC)ની બેઠકમાં ૨૮,૦૦૦ કરોડ રૂપિયાની નવી યોજનાઓ સહિત કુલ ૧૮ પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવી હતી.