નવી દિલ્હી: દુનિયાભરના દેશોથી લઇને રાજદ્વારી વિશ્લેષકો જેના પર ચાંપતી નજર માંડીને બેઠા હતા તેવી રશિયન પ્રમુખની બે દિવસની ભારત યાત્રા અનેક મોરચે ફળદાયી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ બન્ને નેતાઓએ સંયુક્ત નિવેદનમાં પરસ્પર સંબંધોને મજબૂત કરવા અને સાથે મળીને આતંકવાદ પર પ્રહાર કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા ધ્રુવ તારા જેવી છે અને ઉમેર્યું હતું કે પાછલા આઠ દાયકામાં વિશ્વમાં અનેક ચડાવ ઊતાર આવ્યા છે. માનવતાને અનેક પડકારો અને સંકટોનો સામનો કરવો પડ્યો છે અને આ બધા વચ્ચે ભારત-રશિયા મિત્રતા ધ્રુવ તારાની માફક હંમેશા અટલ અને સ્થિર જળવાઈ રહી છે. પરસ્પર સમ્માન અને ગાઢ વિશ્વાસ પર ટકેલા આ સંબંધો સમયની કસોટી પર હંમેશા ખરા ઊતર્યા છે.
પ્રમુખ પુતિને કહ્યું હતું કે અમે બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વ્યાપારને વાર્ષિક 100 બિલિયન યુએસ ડોલર પર લઇ જવાની સંભાવના પર વિચારણા કરી રહ્યા છીએ. સાથે સાથે જ તેમણે કહ્યું હતું કે ભારતને કોઈપણ રોકટોક વગર ક્રૂડ ઓઇલનો પુરવઠો મળી રહે તે માટે અમે પ્રતિબદ્ધ છીએ.
હૈદરાબાદ હાઉસમાં ભારત-રશિયા વચ્ચે શુક્રવારે યોજાયેલી 23મી શિખર મંત્રણામાં બન્ને નેતાઓએ આઠ દાયકાથી પણ વધુ જૂની ભાગીદારીને નવેસરથી ગતિ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં 2030 સુધીના આર્થિક કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવાની સાથે બન્નેએ આરોગ્ય, મોબિલિટી અને લોકોના પરસ્પર સંપર્ક વધારવા સહિતના સહયોગ વિસ્તારવા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેનો ઉદ્દેશ દ્વિપક્ષીય વેપાર વધારવાનો છે. જોકે અપેક્ષા મુજબ બન્ને દેશો વચ્ચે કોઈ ફાઇટર જેટ કે મોટા સંરક્ષણ સોદાની જાહેરાત થઈ નથી.
આતંકવાદના મુદ્દે મોદીએ કહ્યું હતું કે ભારત-રશિયા આતંકવાદ સામેની લડાઈમાં અનેક વર્ષોથી ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે. પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો હોય કે રશિયાના ક્રોકસ સિટી હોલ ખાતે થયેલો કાયરતાપૂર્વકનો હુમલો હોય તમામ ઘટનાઓના મૂળ એક જ છે. ભારત દૃઢપણે માને છે કે આતંકવાદ માનવીય મૂલ્યો પર સીધો હુમલો છે.
આર્થિક ભાગીદારીને પ્રાથમિક્તા
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત-રશિયા આર્થિક ભાગીદારી નવી ઊંચાઈ પર લઈ જવાની બન્ને દેશોની સમાન પ્રાથમિકતા છે. ભારત અને રશિયા યુરેશિયન ઈકોનોમિક યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને અંતિમ રૂપ આપવા કાર્યરત છે.
યુક્રેન યુદ્ધમાં શાંતિની તરફેણ
યુક્રેન યુદ્ધનો પણ દ્વિપક્ષીય મંત્રણામાં નોંધપાત્ર ઉલ્લેખ થયો હતો. જેમાં મોદીએ કહ્યું હતું કે ભારતે હંમેશા યુક્રેન યુદ્ધના મામલે શાંતિની તરફેણ કરી છે. શાંતિપૂર્ણ અને કાયમી ઉકેલના તમામ પ્રયાસને ભારત આવકારે છે અને ભારત તેમાં યોગદાન આપવા હંમેશા તૈયાર છે અને ભવિષ્યમાં પણ રહેશે. જવાબમાં પુતિને કહ્યું હતું કે રશિયા પણ સંઘર્ષના શાંતિપૂર્ણ અંત માટે કાર્યરત છે. તેમણે જણાવ્યું હતું કે વિશ્વનું કલ્યાણ શાંતિના માર્ગ પર જ છે. મને વિશ્વાસ છે કે વિશ્વ ફરી શાંતિના માર્ગ પર પરત જશે. આજે વિશ્વના કોઈ દેશને આ રીતનો સંઘર્ષ પાલવે તેમ નથી.
મોદી સાથે નિયમિત વાત થાય છે: પુતિન
રશિયન પ્રમુખ પુતિને કહ્યું કે તેમની અને વડાપ્રધાન મોદી વચ્ચે નિયમિત રીતે ફોન પર વાત થાય છે. ભારતીય અર્થતંત્રને વેગ આપવા તેઓ જરૂરી ઇંધણ પુરું પાડતા રહેશે. વડાપ્રધાન મોદી સાથે એક વર્કિંગ ડાયલોગ પર પણ હંમેશા કામ ચાલતું હોય છે. ગઇકાલે ડિનર પર પણ સુખદ વાતો થઈ હતી.
ક્યા ક્ષેત્રે સહયોગ કરાર?
• રૂપિયા-રૂબલમાં વેપાર વૃદ્ધિ • ઉર્જા ક્ષેત્રે અવિરત ફ્યુલ સપ્લાય • ટુરિઝમ ક્ષેત્રે રશિયન નાગરિકો ભારતમાં ૩૦ દિવસના ફ્રી વિઝા • હેલ્થકેર અને મેડિકલ એજ્યુકેશન • ફૂડ સેફ્ટી • પોર્ટ-શિપિંગમાં સહયોગ થકી મેઇડ ઇન ઇંડિયા જહાજ નિર્માણ • કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ • કૃષિ અને ફર્ટિલાઇઝર ક્ષેત્રે સહયોગ • ભારતીય શ્રમિકો માટે ટેમ્પરરી લેબર એક્ટિવિટી


