કપિલ મિશ્રા ઉપવાસ છોડીને કેજરી સામે કેસ કરશેઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી અનશન ઉપર બેઠેલા પક્ષના સસ્પેન્ડેડ ધારાસભ્ય કપિલ મિશ્રા ઉપવાસના છઠ્ઠા દિવસે ૧૫મીએ બેભાન થઈ ગયા હતા અને હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમણે ૧૫મીએ પારણાં કરવાનું નક્કી કર્યું હતું અને પ્રવાહી ખોરાક લેવાનું શરૂ કર્યું હતું. કપિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, ડોક્ટરની સલાહ મુજબ તેમણે પ્રવાહી ખોરાક લેવાનું નક્કી કર્યું હતું અને પારણાં કરીને તે સીબીઆઈ તેમજ સીબીડીટી સમક્ષ જશે અને કેજરીવાલ સામે હવાલા, કાળા નાણાં, મની લોન્ડરિંગ અને શેલ કંપનીઓ સ્થાપવા અંગે કેસ દાખલ કરશે.
જસ્ટિસ કર્ણન હજી ફરારઃ બેફામ નિવેદનો અને સુપ્રીમ કોર્ટનો અનાદર કરનારા કોલકાત્તા હાઈ કોર્ટના જસ્ટિસ સી એસ કર્ણનને સુપ્રીમ કોર્ટે ૬ માસની જેલ ફટકારી છે અને તેમને તુરંત પકડી દેવાની પોલીસને તાકીદ કરી છે, પણ દેશની સર્વોચ્ચ અદાલતના આદેશના ૬ દિવસ પછી ૧૫મી મેએ પણ પોલીસને તેમની કોઈ જ ભાળ મળી નથી.
યુપી વિધાનસભાના પ્રથમ સત્રમાં રાજ્યપાલ પર કાગળના ડૂચા ફેંકાયાઃ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના આક્ષેપ સાથે સમાજવાદી અને બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યોએ ઉત્તર પ્રદેશની ૧૭મી વિધાનસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે જ હોબાળો કર્યો હતો. વિપક્ષી ધારાસભ્યોએ રાજ્યપાલ રામ નાયક તરફ કાગળના ડૂચા ફેંક્યા હતાં.
બીએસએફ પાકિસ્તાનના શસ્ત્રવિરામ ભંગનો જડબાતોડ જવાબ આપે છેઃ જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્ય પ્રધાન નિર્મલ સિંહે ૧૫મીએ અંકુશરેખા પાસે રાજૌરીમાં પાકિસ્તાનના ગોળીબારથી પીડિત લોકોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સિંહે પીડિતોને જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ગોળીબારને ધ્યાનમાં રાખીને અંકુશ રેખા પાસેના ગામોના રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવા માટે રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. આ દરમિયાન કેન્દ્રિય પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કાશ્મીરના યુવાનોએ તેમને ઉશ્કેરનારા લોકોને પ્રશ્ન કરવો જોઈએ કે જો પથ્થરમારો કરવો પવિત્ર કૃત્ય હોય તો તેઓ પોતાના બાળકોને કેમ પથ્થર ફેંકવાનું કહેતા નથી અને તેમના જીવ જોખમમાં મૂકતા નથી? બીજી તરફ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા શસ્ત્રવિરામ ભંગ અંગે વડા પ્રધાન કાર્યાલય રાજ્ય કક્ષાના પ્રધાન જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે બીએસએફ પાકિસ્તાનના ગોળીબારનો જોરદાર જવાબ આપી રહી છે. સિંહના જણાવ્યા અનુસાર ભારતીય સરહદે વસતા ગ્રામીણો પણ બીએસએફની કાર્યવાહીની પ્રશંસા કરી રહ્યા છે.
હું એટલો મૂર્ખ નથી કે વડા પ્રધાનપદનો દાવેદાર બનુંઃ બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે સ્પષ્ટ કરી દીધું છે કે તે ૨૦૧૯માં થનારી લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન પદના ઉમેદવાર નહીં બને. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું એટલો મૂર્ખ નથી કે ૨૦૧૯માં વડા પ્રધાન પદનો દાવેદાર બનું. નરેન્દ્ર મોદીમાં લોકોએ ક્ષમતા જોઇ છે એટલા જ માટે તેઓ વડા પ્રધાન છે. મારો પક્ષ નાનો છે, મને ફક્ત બિહારમાં જ શાસન કરવાનો જનાધાર મળ્યો છે.
રૂ. ૨,૨૫૩ કરોડ વિદેશ મોકલવાનો કાંડઃ સીબીઆઇએ ૨,૨૫૨.૮૨ કરોડ રૂ.ના કૌભાંડનો પર્દાફાશ કર્યાનો દાવો કર્યો છે. આ કૌભાંડમાં ૧૩ કંપની સામેલ છે. તેમણે બનાવટી બિલોના આધારે આ રકમ વિદેશ મોકલી દીધી જ્યારે હકીકતમાં આયાત માત્ર રૂ. ૨૪.૬૪ કરોડની કરાઈ હતી. સીબીઆઇએ આ મામલે સ્ટેલકોન ઇન્ફ્રાટેલ પ્રા. લિ. તથા અન્ય ૧૨ કંપની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. જુલાઈ ૨૦૧૬માં ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સે રૂ. ૨,૨૪૦ કરોડના બેન્કિંગ હવાલા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તેમાં પણ સ્ટેલકોન ઇન્ફ્રાટેલનું નામ સામે આવ્યું હતું.
આંદામાનમાં ચોમાસુ બેઠુંઃ આંદામાનના અલગ અલગ ભાગોમાં વરસાદ થતાં ચોમાસાએ પોતાની હાજરી નોંધાવી છે હવામાન શાસ્ત્રીઓએ કહ્યું છે કે, રવિવારે આંદામાનમાં ચોમાસુ બેસી ગયું છે. દક્ષિણ આંદામાન કિનારો અને નિકોબાર ટાપુ વિસ્તારમાં ક્યાંક ક્યાંક વરસાદ નોંધાયો છે. એમ પૂણે હવામાન વિભાગે ૧૪મીએ જણાવ્યું હતું. ગયા વર્ષે ૧૮ મેના રોજ ચોમાસુ આંદામાનમાં દાખલ થયું હતું. આ વખતે દર વર્ષની જેમ બે દિવસ અગાઉથી ચોમાસુ દાખલ થવાનાં ચિહનો છે. દર વર્ષે ચોમાસુ સામાન્ય રીતે ૧ જૂને કેરળમાં આવે છે, જે પછી તેનો આગળનો પ્રવાસ શરૂ થાય છે અને સપ્ટેમ્બરમાં રાજસ્થાનમાંથી તેનો વળતો પ્રવાસ શરૂ થાય છે.
કોલકાતામાંથી રૂ. ૬૮૦ કરોડનું હવાલા કૌભાંડ પકડાયુંઃ આંધ્ર પ્રદેશ પોલીસે ૧૩મીએ માહિતી આપી હતી કે હવાલા કૌભાંડ મારફતે રૂ. ૬૮૦ કરોડ જેટલી વિદેશી રકમ દેશમાં આવી હતી તે પૈકી રૂ. ૫૬૯ કરોડ નકલી દસ્તાવેજોની મદદથી વિદેશ મોકલી અપાયા હતા. આ તમામ કાળા નાણાં હતા અમે એ બાબતે પણ જાણકારી મેળવી છે કે ૩૦ નકલી કંપનીઓ ઊભી કરવામાં આવી હતી અને આ વ્યવહારો માટે ઘણા શહેરોમાં બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા હતા.
માર્ગ અકસ્માતમાં કચ્છી પરિવારનાં ચારનાં મોતઃ ગોરેગામમાં રહેતા કચ્છ ગામ નાના ભાડીયાના ભારતીબેન તરુણ સાવલા તથા પુત્ર મયુર સાવલા અને પુત્રવધુ જીનલ સાવલા તથા પુત્ર કયાન મયુર સાવલા અને ઘરનોકર સુનિલ તથા નાની બેબી ત્વીસા મુંબઈ ગોરેગામથી હૈદ્રાબાદ લગ્નમાં જઈ રહ્યા હતા ત્યારે મુંબઈથી આશરે ૬૫૦ કિલોમીટર દૂર માર્ગ અકસ્માત થતાં માત્ર ત્વીસાનો ચમત્કારિક બચાવ થયો હતો. બાકીનાં નોકર સુનિલ સહિત કુટુંબના સભ્યો મૃત્યુ પામ્યા હતા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સ્ટે આપવા હાઈ કોર્ટનો ઈનકારઃ નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હી હાઇ કોર્ટે ૧૨મીએ યંગ ઇન્ડિયા લિમિટેડ સામે આવકવેરા તપાસ પર સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો કંપનીમાં મોટો હિસ્સો છે. આવકવેરા વિભાગ તેમની પણ પૂછપરછ કરી શકે છે. કોંગ્રેસના પ્રવક્તા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યુ કે ચુકાદા સામે તેઓ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. હાઇ કોર્ટના આદેશ પછી હવે આવકવેરા વિભાગ કેસમાં તપાસ કરશે. હાઇ કોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આવકવેરા સત્તાવાળાઓનો સંપર્ક કરવાનો આદેશ આપ્યો છે.