ભારત (સંક્ષિપ્ત સમાચાર)

Wednesday 20th November 2019 06:48 EST
 

• જમ્મુ-કાશ્મીરમાં અટકાયતમાં રખાયેલા ૩૪ નેતાઓને ગેસ્ટહાઉસમાં ખસેડાયાઃ જમ્મુ કાશ્મીરમાં બંદી બનાવાયેલા ૩૪ નેતાઓને ભારે ઠંડીને કારણે રવિવારે શ્રીનગરની હોટલમાંથી સરકારી ગેસ્ટ હાઉસમાં ખસેડાયા હતા. મહેબૂબા મુફ્તીની દીકરી ઇલ્તિજા મુફ્તીએ આ અંગે ટ્વિટર પર ૧૮મી નવેમ્બરે આરોપ લગાવ્યો હતો કે, પોલીસે સ્થળાંતર સમયે નેતાઓને માર માર્યો હતો. તેણે કહ્યું કે સજ્જાદ લોન, શાહ ફૈસલ અને વાહીદ પારાની સાથે ગેરવર્તન થયું હતું. જો કે પોલીસે આ આરોપનો ઈનકાર કર્યો હતો.
• કાશ્મીરમાં તોયબાના પાંચ આતંકી ઝડપાયાઃ ઉત્તર કાશ્મીરમાં સૈન્યએ તાજેતરમાં પાંચ ખુંખાર આતંકીઓને પકડી પાડ્યા છે. બારામુલ્લામાંથી ત્રણ આતંકીઓ ઝડપાયા તેના નામ હિલાલ અહેમદ, સાહિલ નાઝિર, પીરઝાદા મોહમ્મદ ઝાહિર છે. આ ત્રણેય કાશ્મીરમાંથી ૩૭૦ કલમ નાબૂદી મુદ્દે લોકોને ધમકાવવા, પૈસા વસૂલી, વેપારીઓને દુકાનો ન ખોલવા જેવી ચીમકીઓ આપવા વગેરે જેવા ગુનામાં સામેલ હતા.
• સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં ૧૩ વર્ષ પછી મહિલા જજ સામેલઃ સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં ૧૩ વર્ષે પછી મહિલા જજને સામેલ કરાયા છે. રવિવારે કોલેજિયમમાં જસ્ટિસ આર. ભાનુમતિનો સમાવેશ કરાયો હતો. જસ્ટિસ ભાનુમતિ ૧૯ જુલાઇ ૨૦૨૦ સુધી પદે રહેશે.
• રાજનાથ સિંહે અરુણાચલની મુલાકાત લેતાં ચીન લાલઘૂમઃ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદની ૧૫મી નવેમ્બરે મુલાકાત લીધી હતી. તેમણે ભારતીય અને ચીની સૈન્ય અંગે નિવેદન આપતા કહ્યું હતું કે બન્ને દેશનું સૈન્ય સરહદના કોઇ પણ વિવાદનો ઉકેલ લાવવા માટે સક્ષમ છે. જોકે બીજી તરફ રાજનાથ સિંહની આ મુલાકાતનો ચીને વિરોધ કર્યો હતો. રાજનાથની આ મુલાકાતથી ચીનના પેટમાં તેલ રેડાયું હતું.
• કર્ણાટકના ૧૭ ગેરલાયક ધારાસભ્યો પૈકી ૧૬ ભાજપમાંઃ કર્ણાટક વિધાનસભામાંથી સ્પીકર દ્વારા ગેરલાકય ઠેરવાયેલા ૧૬ પૈકી ૧૩ જણાને ભાજપે પોતાના પક્ષમાં લઇ તેમને પાંચમી ડિસેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા હતા. તમામ પંદર બેઠકો જીતવાનો ઇરાદો ધરાવતી શાસક પાર્ટી ભાજપે ૧૪ ઉંમેદવારોના નામ જાહેર કર્યા હતા અને માત્ર રાણેબેન્નુરની બેઠકના ઉમેદવારની જાહેરાત કરી નહતી.
• મહાન ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહનું પટનામાં અવસાનઃ બિહારની વિભૂતિ મહાન ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહનું ૧૪મીએ નિધન થયું છે. પટનાના કુલ્હરિયા કોંપ્લેક્સમાં તેઓ પોતાના પરિવારજનો સાથે રહેતા હતા અને સવારે તેમનું નિધન થયું હતું. વહેલી સવારે વશિષ્ઠ નારાયણની તબિયત લથડતાં તેમના પરિવારજનોએ તેમને તાત્કાલિક પીએમસીએચ પહોંચાડયા હતા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યા હતા.
• ચંદ્રયાન-૩ નવેમ્બર-૨૦૨૦ સુધીમાં લોન્ચ થશેઃ ઈસરોએ ચંદ્રયાન-૨ની આંશિક નિષ્ફળતાને ભૂલી જઈને ભવિષ્યના પ્રોજેક્ટ પર ધ્યાન આપ્યું છે. ઈસરોના આગામી પ્રોજેક્ટ્સમાં વિવિધ સેટેલાઈટ લોન્ચિંગ સાથે ચંદ્રયાન-૩ પણ સામેલ છે. ઈસરોએ એ માટે અત્યારે નવેમ્બર ૨૦૨૦ એટલે કે અત્યારથી એક વર્ષની ડેડલાઈન નિર્ધારિત કરી છે. ચંદ્રયાન-૨ સપ્ટેમ્બર ૨૦૧૯માં ચંદ્ર પર પહોંચ્યું હતું. ચંદ્રયાન-૨ના લેન્ડરને ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરવામાં નિષ્ફળતા મળી હતી. ચંદ્રયાન-૨નો એ સિવાયનો ઓર્બિટર ભાગ કાર્યરત જ છે. હવે ચંદ્રયાન-૩ દ્વારા ઈસરો વધુ એક વખત ચંદ્ર પર લેન્ડિંગની તૈયારી કરી રહ્યું છે.
• અગ્નિ-૨ મિસાઇલનું પરીક્ષણઃ ભારતે ૧૭મી નવેમ્બરે અગ્નિ-૨ બેલેસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલની મારક ક્ષમતા ૨૦૦૦ કિ.મી. એટલે કે ચીન સુધીની છે. તે મોંગોલિયા, ઇરાન સુધી પણ હુમલો કરવા સક્ષમ છે. એટલું જ નહીં, રાત્રે પણ અચુક નિશાન સાધી શકે તેવી એક માત્ર મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું છે.
• આરકોમને રૂ. ૩૦૧૪૨ કરોડની જંગી ખોટઃ ટેલિકોમ ક્ષેત્રે હલચલ મચાવનાર રિલાયન્સ કમ્યુનિકેશન નાદારીના પંથે છે. દેવાના ભાર નીચે દટાયેલી અનિલ અંબાણી જૂથની રિલાયન્સ કમ્યુનિકેશન્સના ડિરેક્ટરપદેથી અનિલ અંબાણીએ રાજીનામું આપી દીધું છે. અનિલ અંબાણી ઉપરાંત છાયા વિરાણી, રાયના કરણી, મંજરી કાકેર, સુરેશ રંગચરે પણ કંપનીના ડિરેક્ટરપદેથી રાજીનામા આપી દીધા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter