• બિહારને રૂ. ૧૪૨૫૮ કરોડના પ્રોજેક્ટની ભેટઃ બિહાર વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વડા પ્રધાન મોદીએ બિહારમાં રૂ. ૧૪૨૫૮ કરોડના પ્રોજેક્ટની જાહેરાત ૨૧મીએ કરી હતી. તેમણે ફાઈબલ કેબલ નેટવર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટમાં બિહારના તમામ ૪૫૯૪૫ ગામડાંને ઓપ્ટિકલ ફાઈબર ઈન્ટરનેટથી જોડાશે તેવું મોદીએ કહ્યું હતું. મોદીએ હાઈવે સાથે સંકળાયેલી નવ યોજનાઓ પણ ખુલ્લી મૂકી હતી.
• ચાર ધામ રેલવે પ્રોજેક્ટઃ ચાર ધામને રેલવે નેટવર્ક સાથે જોડાવા ૨૮૧ કિમી લાંબી રેલવે લાઇન પાથરવામાં આવશે. તેનો ફાઇનલ લોકેશનનો સરવે પૂર્ણ થઇ ચૂક્યો છે. જેના આધારે રેલવે લાઇનનું એલાઇનમેન્ટ અને સ્ટેશન લગભગ નક્કી થઇ ગયા છે. રેલવે વિકાસ નિગમ લિમિટેડ સરવે રિપોર્ટ જલદી જ રેલવે બોર્ડને સોંપી દેશે. જેના પછી બોર્ડ કામ સોંપવાની પ્રક્રિયા હાથ ધરશે. પ્રોજેક્ટ અનુસાર ૨૮૧ કિમી ક્ષેત્રમાં ૨૨ ટનલ અને એટલાં જ સ્ટેશન બનશે.
• નદીમાં હોડી ડૂબતાં ૧૪નાં મોતઃ રાજસ્થાનના બુંદી જિલ્લા નજીકના ઈન્દરગઢ વિસ્તારમાં આશરે ૪૦ યાત્રાળુઓ ભરેલી એક હોડી નવા ચંબલ નદીમાં ઊંધી વળી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૧૪નાં મૃત્યુ થયાં જ્યારે બાકીનાને બચાવી લેવાયા. તમામ યાત્રાળુઓ કમલેશ્વર મહાદેવના દર્શન માટે નીકળ્યા હતા. આ હોડીની ક્ષમતા ૨૦ લોકોની હતી, પણ તેમાં ૩૨ લોકો અને ૧૪ બાઈક હતી.
• ભિવંડીમાં ઇમારત તૂટી પડતાં ૧૩નાં મોતઃ થાણે જિલ્લાના ભિવંડીમાં સોમવારે સવારે ૩.૪૦ વાગ્યે ૨૧ પરિવારોનો વસવાટ ધરાવતી ઈમારત તૂટી પડી હતી. ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ૩૬ વર્ષ જૂની ઇમારત ધરાશાયી થતાં આ દુર્ઘટનામાં બાળકો અને મહિલાઓ સહિત ૧૩ જણે જીવ ગુમાવ્યો હતો અને ૨૦થી વધુને બચાવી લેવાયા હતા.
• અલકાયદાનું હુમલાનું કાવતરું નિષ્ફળઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ બાતમીના આધારે ૧૯મી સપ્ટેમ્બરે વહેલી સવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળના એર્નાકુલમમાં એકસાથે દરોડા પાડ્યા હતા. દરોડામાં ટેરર મોડયુલના સરગણા સહિત ૯ આતંકવાદીની ધરપકડ કરાઇ હતી. કેરળમાંથી ઝડપાયેલા ૩ આતંકીનાં નામ મુર્શિદ હસન, લ્યાકુબ બિશ્વાસ અને મોસરફ હોસ્સેન છે જ્યારે પશ્ચિમ બંગાળથી નજમુસ સાકિબ, અબુ સુફિયાન, મૈનુલ મોંડલ, લિઉ યીન એહમદ, અલ મામુન કમાલ અને અતિતુર રહેમાનની ધરપકડ કરાઈ છે.
• વીવીઆઈપી હેલિકોપ્ટર કેસઃ સીબીઆઈએ ઓગસ્ટા વેસ્ટેલન્ડ હેલિકોપ્ટર કૌભાંડ કેસમાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલ જેમ્સ, રાજીવ સક્સેના અને કેટલાક સરકારી અધિકારી સહિત કુલ ૧૩ આરોપી સામે પૂરક ચાર્જશીટ ૧૯મીએ રજૂ કરી છે. બ્રિટિશ ઇટ્લાન કંપની ઓગસ્ટા—વેસ્ટલેન્ડ કંપની સાથે થયેલા રૂ. ૩૬૦૦ કરોડના સોદામાં કટકી મુદ્દે આ ચાર્જશીટ રજૂ થઈ હતી.
• લશ્કરે તોયબાના ૩ આતંકીની ધરપકડઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ૧૯મીએ પોલીસે લશ્કરે તોયબાના ૩ આતંકી રાહિલ બશીર, આમાર જાન અને હાફિઝ યુનુસ વાનીની ધરપકડ કરીને તેમની પાસેથી બે એકે-૫૬ રાઈફલ, બે ચીની પિસ્તોલ, ૪ ગ્રેનેડ, ૧૮૦ રાઉન્ડ કારતૂસ સાથેના ૬ એકે મેગ્ઝિન, રૂપિયા એક લાખ રોકડા સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો.
• કાશ્મીરમાં રૂ. ૧૩૫૦ કરોડનું પેકેજઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા જમ્મુ કાશ્મીરનાં ઉદ્યોગો માટે ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ ૧૯મી સપ્ટેમ્બરે રૂ. ૧૩૫૦ કરોડના આર્થિક પેકેજની ઘોખણા કરી હતી.
દિલ્હીમાં ૩ હોટેલ ટાંચમાં લેવાઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ પીએમસી બેંક છેતરપિંડી કેસમાં મની લોન્ડરિંગની તપાસ હેઠળ રૂ. ૧૦૦ કરોડની ફેબ હોટેલ ગ્રુપની દિલ્હીની ૩ હોટેલોને ૧૮મીએ ટાંચમાં લીધી હતી.