ભારત સરકારને ટાટા, તાતાને નમસ્તે

Wednesday 13th October 2021 02:18 EDT
 

નવી દિલ્હીઃ સોફ્ટવેરથી માંડીને સ્ટીલ અને મોટરકારથી લઇને નમકના ઉત્પાદન સાથે સંકળાયેલું તાતા ગ્રૂપ ફરી એક વખત એર ઇંડિયાનું સુકાન સંભાળશે. તાતા જૂથે દેવાના ડુંગરો તળે દટાયેલી ભારત સરકારની માલિકીની એરલાઇન્સ એર ઇન્ડિયાની બિડમાં સૌથી ઊંચી બોલી લગાવીને એર ઇન્ડિયાની માલિકી હાંસલ કરી છે. ૧૯૫૩માં સરકારે એર ઇંડિયાનું રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે તેની માલિકી તાતા ગ્રૂપની હતી. આમ ૬૮ વર્ષના લાંબા અરસા બાદ ફરી એક વખત તાતા ગ્રૂપના હાથમાં એર ઇંડિયાનું પુનરાગમન થયું છે. સરકારની જાહેરાત સાથે જ તાતા ગ્રૂપના ચેરમેન એમિરેટ્સ રતન તાતાએ ટ્વિટ કર્યું હતુંઃ વેલકમ બેક, એર ઇંડિયા...
ભારત સરકારે આઠમી ઓક્ટોબરે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, તાતા સન્સે રૂપિયા ૧૮,૦૦૦ કરોડની બોલી લગાવીને એર ઇન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો ખરીદવાની નિવિદા પ્રક્રિયા જીતી લીધી છે. ભારત સરકારના વિનિવેશ વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડીઆઇપીએ-એમઆઇ)ના સેક્રેટરી તુહિન કાન્તા પાંડેએ આ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, એર ઇન્ડિયાની વિનિવેશ પ્રક્રિયામાં તાતા સન્સ રૂપિયા ૧૮ હજાર કરોડની સૌથી ઊંચી બોલી લગાવીને સફળ નિવિદાકાર કંપની તરીકે સામે આવી છે. એર ઇન્ડિયા ખરીદવા માટે સ્પાઇસ જેટના પ્રમોટર્સ પણ નિવિદા પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

પાંડેએ જણાવ્યું હતું કે, તાતા સન્સ એર ઇન્ડિયામાં સરકારના માથે રહેલું રૂપિયા ૧૫,૩૦૦ કરોડનું દેવું પોતાના માથે લઈ ચૂકવશે અને બાકીની ૨૭૦૦ કરોડની રકમ કેન્દ્ર સરકારને રોકડમાં ચૂકવશે.
બે દાવેદારઃ તાતા અને સ્પાઇસ જેટ
ભારત સરકાર દ્વારા એર ઇન્ડિયાને વેચવા શરૂ થયેલી પ્રક્રિયામાં તાતા સન્સ અને સ્પાઇસ જેટે ભાગ લીધો હતો. ડિસેમ્બરન અંત સુધીમાં તાતા સન્સને એર ઇન્ડિયાનો સંપૂર્ણ કબજો સોંપી દેવાશે. પાંડેએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારામન્, વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ અને નાગરિક ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની બનેલી સમિતિએ ચોથી ઓક્ટોબરના રોજ મળલી બેઠકમાં એર ઇન્ડિયા ખરીદવા માટેની તાતા સન્સની અરજીને મંજૂર કરી હતી. સ્પાઇસ જેટનાં અજય સિંહે રૂ. ૧૫,૧૦૦ કરોડની બોલી લગાવી હતી. સરકારે રિઝર્વ પ્રાઇસ ૧૨,૯૦૬ કરોડ રૂપિયા નક્કી કરી હતી. એર ઇન્ડિયાનું કુલ દેવું ૬૧,૫૬૨ કરોડ રૂપિયા છે.
વેલકમ બેક, એર ઇન્ડિયા: રતન તાતા
એર ઇંડિયાની બીડ જીત્યા પછી રતન તાતાએ ટ્વિટ કરી કહ્યું હતુંઃ આ એક મોટા સમાચાર છે. એર ઇન્ડિયાના નવા રંગરૂપ માટે ગંભીર પ્રયાસ કરશે. જેઆરડી તાતાના વડપણ હેઠળ એક સમયે એર ઇન્ડિયા અત્યંત પ્રતિષ્ઠિત એરલાઇન્સ હતી. એ પ્રતિષ્ઠા ફરી ઊભી કરવાની તાતા જૂથને તક મળી છે. અમે એરલાઇન્સ દ્વારા માર્કેટમાં ફરી પ્રતિષ્ઠા જમાવીશું. જેઆરડી આજે હોત તો તેઓ ખૂબ ખુશ થયા હોત. સરકારના પણ અમે આભારી છીએ. વેલકમ બેક, એર ઇન્ડિયા. તાતા સન્સનાં વડા એન. ચન્દ્રશેખરને પણ આને ઐતિહાસિક પળ ગણાવી હતી.
તાતા ગ્રૂપ હસ્તક બે એરલાઇન્સ
તાતા ગ્રૂપ દ્વારા હાલ ભારતમાં બે એરલાઇન્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેમાં તાતા ગ્રૂપ અને સિંગાપુર એરલાઇન્સના સંયુક્ત ઉપક્રમ ‘વિસ્તારા’ તથા ‘એર એશિયા’નો સમાવેશ થાય છે. એર એશિયામાં તાતા ગ્રૂપ ૮૩ ટકા કરતાં વધુ હિસ્સો ધરાવે છે.
૨૦૦૬થી પડતીનો પ્રારંભ
૨૦૦૬ સુધી તો એર ઈન્ડિયા નફો કરી રહી હતી, કારણ કે ખાનગી વિમાની સેવા કંપનીઓ જોરમાં નહોતી આવી. આ પછી વધતી હરીફાઈ અને વધતા જતી ફ્યુલ પ્રાઇસના કારણે એર ઈન્ડિયા ખોટમાં જવા લાગી. ૨૦૦૭માં સરકારે ખર્ચ ઓછો કરવા એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સને મર્જ કરી દીધી. ૨૦૧૨માં એર ઈન્ડિયા સતત ખોટ ખાઈને ભારતના એવિયેશન માર્કેટમાં ટોચના સ્થાનેથી ચોથા નંબરે ઊતરી ગઈ. એ જ વર્ષે યુપીએ સરકારે કંપનીને ઉગારવા માટે બેઈલઆઉટ પેકેજ પણ જાહેર કર્યું. છતાં કંપનીની સ્થિતિ સુધરતી જ નહોતી. આખરે ૨૦૧૭માં એર ઈન્ડિયા ખાનગી કંપનીને વેચી દેવાની યોજના બનાવાઇ. ૨૦૧૮માં એર ઈન્ડિયાનો ૭૬ ટકા હિસ્સો વેચવા કાઢયો હતો. તેના કોઈ જ ગ્રાહક આગળ ન આવ્યા. આખરે જાન્યુઆરી ૨૦૨૦માં ૧૦૦ ટકા શેર વેચવાનું નક્કી કરવામાં આવ્યું. ૧૭ માર્ચ ૨૦૨૦ના રોજ એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મોકલવાની આખરી તારીખ હતી. ત્યારે જ કોરોના ત્રાટકતાં આખી વાત થંભી ગઈ હતી. કોરોનાની બીજી લહેર ધીમી પડતાં ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૧ની નવી તારીખ જાહેર કરવામાં આવી હતી. તેમાં તાતા ગ્રૂપ અને સ્પાઈસ જેટ બંનેએ ઓફર આપી હતી.
હવે એલાયન્સ એશિયાનો વારો
એરઇન્ડિયાના ઐતિહાસિક ખાનગીકરણ બાદ સરકાર હવે એલાયન્સ એર સહિત એર ઇન્ડિયાની અન્ય ચાર પેટા કંપનીના ખાનગીકરણ પર કામ કરશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સેક્રેટરી તુહિન કાન્તા પાંડેએ જણાવ્યું હતુ કે, એર ઇન્ડિયાના ખાનગીરકરણ બાદ હવે એલાયન્સ એર સહિતની ચાર પેટા કંપનીઓની રૂપિયા ૧૪,૭૦૦ કરોડની જમીન અને ઇમારતો જેવી સંપત્તિનું વેચાણ કરવા માટે પ્રક્રિયા શરૂ કરાશે. આ ઉપરાંત સરકાર પર રહેલી જવાબદારીઓનો પણ નિકાલ કરાશે.

એર ઇન્ડિયાનો સોદો ઉડતી નજરે

• તાતા સન્સની રૂ. ૧૮,૦૦૦ કરોડની બિડ સરકાર દ્વારા મંજૂર
• તાતા સન્સ રૂ. ૧૫,૩૦૦ કરોડનું સરકારી ચૂકવશે
• તાતા સન્સ ભારત સરકારને રૂ. ૨,૭૦૦ કરોડ રોકડા ચૂકવશે
• એર ઇન્ડિયાનું કુલ દેવું રૂ. ૬૧,૫૬૨ કરોડ
• સરકારી માલિકીની AIAHLને ૪૬,૨૬૨ કરોડનું દેવું ટ્રાન્સફર કરાશે
• રૂ. ૧૪,૭૧૮ કરોડની જમીન અને સંપત્તિ સરકારની AIAHLને ટ્રાન્સફર કરાશે
• પાંચ વર્ષ સુધી એર ઇન્ડિયાનું નામ કે લોગો બદલી શકાશે નહીં
• એર ઇંડિયાના કુલ ૧૨,૦૮૫ કર્મચારી, જેમાંથી ૮,૦૮૪ કાયમી અને ૪,૦૦૧ કોન્ટ્રેક્ટ કર્મચારી છે.
• પ્રથમ વર્ષમાં કોઇ કર્મચારીની છટણી થઇ શકશે નહીં.
• બીજા વર્ષમાં કર્મચારીઓને વીઆરએસ ઓફર કરાશે
તાતા સન્સને શું મળશે?
• એર ઇન્ડિયામાં ૧૦૦ ટકા હિસ્સો
• એર ઇન્ડિયા એક્સપ્રેસમાં ૧૦૦ ટકા હિસ્સો
• એર ઇન્ડિયા SATSમાં ૫૦ ટકા હિસ્સો
• ૧૮૦૦ ડોમેસ્ટિક એરપોર્ટ પર લેન્ડિંગ, પાર્કિંગ સ્લોટ
• ૯૦૦ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્લોટ
• ૪,૪૦૦ ડોમેસ્ટિક એરપોર્ટ પર સ્લોટ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter