જમ્મુ: જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટ્યા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે તેમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજી વખત મધ્યસ્થીની ટહેલ નાંખી છે તો કાશ્મીરમાં અટકાયતમાં રખાયેલા નેતાઓને છોડવા વિરોધ પક્ષે જંતરમંતર પર દેખાવો કર્યાં હતાં. પાકિસ્તાની વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું કે, ભારત સાથે વાતચીત માટે કાંઈ બચ્યું નથી તો બીજી તરફ જમ્મુ-કાશ્મીર સચિવાલય પર ભારતીય ત્રિરંગો ફરકાવાયો હતો. જોકે અહેવાલો છે કે પાકિસ્તાની સેના પીઓકેમાં ભારત વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરી રહી છે. કલમ ૩૭૦ અને કાશ્મીર મામલે બાંગ્લાદેશ-ફ્રાન્સ ભારતના ટેકામાં છે ત્યારે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને કાશ્મીરપ્રેવશ માટે રોકવામાં આવ્યા હતા.
દરેક મોરચે કાશ્મીર મામલે નિષ્ફળ રહ્યા પછી ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં પોતાની ઓફિસમાંથી ન્યૂ યોર્ક ટાઇમ્સને કહ્યું કે, હવે હું ભારત સાથે કોઈ ચર્ચા નહીં કરું, કારણ કે વાતચીત માટે કાંઈ બચ્યું નથી. વાતચીત માટે હું બધું જ કરી છૂટ્યો છું. જ્યારે હું મંત્રણા અને શાંતિની કોશિશ કરી રહ્યો હતો ત્યારે ભારતે તેને તુષ્ટિકરણની કોશિશ તરીકે જોઈ. હવે વાતચીતનો સવાલ જ ઊઠતો નથી.
કાશ્મીરમાં ખરાબ સ્થિતિનો દાવો કરતા ઇમરાન ખાને કહ્યું કે, ભારત કાશ્મીરમાં એક આખા સમુદાયને ખતમ કરવા માગે છે. કાશ્મીરને સંપૂર્ણપણે આખા વિશ્વથી વિખૂટું પાડી દીધું છે. કાશ્મીરમાં રહેતા આશરે ૮૦ લાખ લોકોનું જીવન જોખમમાં છે. સ્થિતિ એવી છે કે અહીં લોકોને અંતિમ સંસ્કારમાં પણ સામેલ થવા દેવામાં આવતા નથી. મેં બધા પ્રયાસો કર્યાં કે બન્ને દેશોમાં શાંતિ જળવાઈ રહે, પરંતુ મારા પ્રયત્નોનો ઉપયોગ ભારતે કેટલાક લોકોને ખુશ કરવા કર્યો. તેથી બન્ને પરમાણુ સંપન્ન દેશોમાં યુદ્ધનો ખતરો વધી રહ્યો છે. તેમણે વડા પ્રધાન મોદીને ફાસીવાદી અને હિન્દુવાદી ગણાવતા આરોપ મૂક્યો કે તેઓ કાશ્મીરની મુસ્લિમ બહુમતીવાળી વસતીનો સફાયો કરી તેને હિન્દુ વર્ચસ્વવાળી બનાવવા માગે છે.
ઇમરાનની ટીકાને અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે અમારો અનુભવ છે કે જ્યારે જ્યારે અમે શાંતિ માટે પગલું લીધું, અમારા માટે ખરાબ સાબિત થયું. અમે પાકિસ્તાનથી આંતકવાદ વિરુદ્ધ નક્કર કાર્યવાહીની આશા રાખીએ છીએ. ઇમરાને કહ્યું કે ભારત કાશ્મીરમાં નરસંહાર જેવું કાંઈક કરી શકે છે. અહીં એક આખા વંશને બરબાદ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. તેથી ભારત પોતાનાં પગલાંને યોગ્ય ઠેરવવા માટે અહીં કોઈ ઓપરેશન ચલાવી શકે છે. એવી સ્થિતિમાં બન્ને દેશો વચ્ચે યુદ્ધનો ખતરો વધી રહ્યો છે.

