નવી દિલ્હીઃ કોરોનાકાળના સંઘર્ષ બાદ ફરી આર્થિક બાબતો તેજી પકડી રહી છે. ૨૦૨૧માં આઇપીઓ માર્કેટ ધૂમ મચાવી રહ્યું છે. ચાલુ વર્ષે ૧૦ મહિનામાં જ કંપનીઓએ આઇપીઓ દ્વારા અંદાજે રૂ. ૭૨ હજાર કરોડનું ફંડ એકત્ર કરી નાખ્યું છે. અંદાજ મુજબ, આ વર્ષના અંત સુધીમાં આઇપીઓ દ્વારા એક લાખ કરોડથી વધારે ફંડ એકત્રિત થઇ જશે. કોઇ એક વર્ષમાં આ રકમ સૌથી વધારે છે. અગાઉ ૨૦૧૭માં આઇપીઓ દ્વારા રૂ. ૬૭ હજાર કરોડનું ફંડ કંપનીઓએ ભેગું કર્યું હતું. ૨૦૨૦માં આઇપીઓ દ્વારા રૂ. ૨૬,૬૦૦ કરોડનું ફંડ એકત્રિત થયું હતું. દેશમાં આ વર્ષે ૪૨ આઇપીઓ માર્કેટમાં આવી ચૂક્યા છે.
૨૦૨૦માં ૧૭ જ્યારે ૨૦૧૭માં ૩૬ આઇપીઓ આવ્યા હતા. સૌથી વધારે ૯ આઇપીઓ માર્ચમાં જ્યારે ઓગસ્ટમાં ૮ આઇપીઓ માર્કેટમાં આવ્યા હતા. દુનિયામાં ગત વર્ષ કરતાં આ વર્ષે આઇપીઓ માર્કેટમાં ૯૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. ૨૦૨૦માં સમગ્ર વિશ્વમાં ૧૩૬૩ આઇપીઓ આવ્યા હતા જેની સામે ૨૦૨૧માં ૧૬૫૦ જેટલા આઇપીઓ માર્કેટમાં આવ્યા છે. આઇપીઓની સંખ્યાની દૃષ્ટિએ ભારત દુનિયામાં ૧૨મા ક્રમે છે. ૨૦૨૧નું વર્ષ આઇપીઓ માટે ભારતને નામે રહેશે. છેલ્લા ૧૦ વર્ષમાં દેશમાં ૨૫૦થી વધારે આઇપીઓ આવ્યા છે જ્યારે ૩.૫૦ લાખ કરોડથી વધુ ફંડ ભેગું થયું છે. ૨૦૨૧માં આવેલા આઇપીઓમાં નવ આઇપીઓ સાથે દેશમાં ગુજરાત બીજા ક્રમે છે. ૧૫ આઇપીઓ સાથે મહારાષ્ટ્ર પહેલા ક્રમે છે.
કયા સેક્ટરમાંથી કેટલા આઇપીઓ?
આ વર્ષે આવેલા આઇપીઓમાંથી ૫ સ્પેશિયાલિટી કેમિકલ, એગ્રોકેમિકલ - ઓટો પાર્ટસ - કન્ટ્રક્શન - હેલ્થકેર સર્વિસીસ - ફાર્માસ્યુટિકલ સેક્ટરમાંથી ૩ - ૩ આવ્યા છે. કન્સલટિંગ સર્વિસ, હેલ્થકેર ફેસિલિટીઝ, હાઉસિંગ ફાઇનાન્સ, ઇન્ટરનેટ અને કેટલોગ, આઇટી કન્સલ્ટિંગ, એપરલ અને એસેસરીઝ વગેરે જેવા વૈવિધ્યસભર ક્ષેત્રના આઈપીઓ આવ્યા છે. આ સિવાય બેન્કિંગ, સિમેન્ટ પ્રોડક્ટ્સ, પેકેજિંગ, ફાઇનાન્સ, હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ, ફૂ પ્રોડક્ટ્સ, શિપિંગ, રેસ્ટોરન્ટ્સ જેવા ક્ષેત્રોના આઈપીઓ બજારમાં આવ્યા છે.