નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં કેસરિયા લહેરમાં ભલે કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા હોય, પરંતુ દક્ષિણમાં તેનો દેખાવ સુધર્યો છે. કોંગ્રેસે અહીં ૩૪ બેઠકો પર વિજય મેળવ્યો છે, તો ભાજપનો અહીં દેખાવ ખરાબ રહ્યો છે. દક્ષિણનું સર્વગ્રાહી ચિત્ર જોઇએ તો જણાશે કે ૫ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનું પ્રભુત્વ ઘટ્યું હોવા છતાં પ્રાદેશિક પક્ષો સૌથી વધુ બેઠક જીતવામાં સફળ રહ્યા. આ પ્રદેશની ૧૩૨માંથી ૭૨ બેઠકો પ્રાદેશિક પક્ષો જીત્યા છે. તમિલનાડુમાં ૩૯માંથી ૨૩ બેઠકો જીતીને ડીએમકે સૌથી મોટો પક્ષ બન્યો છે. ભાજપનો દેખાવ દક્ષિણમાં સૌથી નબળો રહ્યો એમ કહી શકાય. અહીંના તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરળમાં પક્ષ ખાતું પણ ખોલી શક્યો નથી. જોકે, ભાજપ ઓડિશા અને બંગાળમાં ચોથા સ્થાનેથી બીજા સ્થાને પહોંચવામાં સફળ રહ્યો. આ રાજ્યોમાં ભાજપને ૨૪ બેઠક મળી. કોંગ્રેસ માટે એમ કહી શકાય કે તે માત્ર દક્ષિણ ભારતનો પક્ષ બનીને રહી ગઇ છે. ઉત્તર, પૂર્વ અને પશ્ચિમમાં તેનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. કોંગ્રેસને સૌથી વધુ ૩૪ બેઠકો દક્ષિણમાં મળી છે.
ઉત્તરઃ ઉત્તર પ્રદેશનું નુકસાન અન્ય રાજ્યોમાં સરભર
ઉત્તર ભારતમાં ૮ રાજ્યોની કુલ ૧૨૬ બેઠકનો સમાવેશ થાય છે. ભાજપે તેમાંથી ૯૬ બેઠક કબજે કરી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને ૧૧ બેઠકોનું નુકસાન થયું. તેની ભરપાઈ ઉત્તર ભારતનાં જ ૭ અન્ય રાજ્યોમાંથી થઇ છે. પાંચ રાજ્યોમાં ક્લીન સ્વીપ કર્યું. ૬ રાજ્યોમાં કોંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું નહીં.
• ભાજપ+ ૯૬ • કોંગ્રેસ+ ૦૬ • અન્ય ૨૮
••••••••
દક્ષિણઃ આંધ્ર, કેરળ, તમિલનાડુમાં ભાજપનું ખાતું ન ખૂલ્યું
દક્ષિણમાં પ્રાદેશિક પક્ષોનું પ્રભુત્વ રહ્યું છે. અહીં ભાજપ આંધ્ર, તમિલનાડુ અને કેરળમાં ખાતું પણ ખોલી શક્યો નહીં. કોંગ્રેસે આ ક્ષેત્રમાં ૩૪ બેઠકો જીતી. આ ક્ષેત્રમાં કોંગ્રેસનો સૌથી સારો સ્કોર છે. અહીં પ્રાદેશિક પક્ષોનો દેખાવ ૨૦૧૪ની સરખામણીમાં ઘટ્યો છે.
• ભાજપ+ ૨૯ • કોંગ્રેસ+ ૩૪ • અન્ય ૭૨
••••••••
પૂર્વઃ ભાજપને પૂર્વમાં સૌથી મોટી લીડ, ૪૪ બેઠકો વધી
પૂર્વમાં ‘કમળ’ પૂરબહાર ખીલ્યું. અહીં પશ્ચિમ બંગાળ, આસામ સહિત ૧૨ રાજ્યોની ૧૪૨ બેઠકો છે. તેમાંથી ૮૯ બેઠકો ભાજપને મળી. ભાજપને આ પ્રદેશમાં સૌથી વધુ ૪૪ બેઠકોનો ફાયદો થયો. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ ૨૩ જ બેઠક જીતી શકી.
• ભાજપ+ ૮૯ • કોંગ્રેસ+ ૧૦ • અન્ય ૪૩
••••••••
પશ્ચિમઃ કોંગ્રેસ-NCP યુતિની એક પણ બેઠક વધી નહીં
પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ગોવા અને બે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલી આવે છે. આ ક્ષેત્રની ૧૦૩ બેઠકોમાંથી ભાજપ તથા સાથી પક્ષોને કુલ ૯૫ બેઠકો મળી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને કોઈ લાભ થયો નહીં. એક પણ બેઠક વધારી શક્યા નહીં.
• ભાજપ+ ૯૫ • કોંગ્રેસ+ ૦૬ • અન્ય ૦૨
••••••••
મધ્યઃ ૬ મહિના પહેલાં સત્તા મેળવનાર કોંગ્રેસને ૩ બેઠક
જ્યાં કોંગ્રેસે છ મહિના પહેલાં સત્તાના સૂત્રો સંભાળ્યા છે તેવા મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પક્ષને માત્ર ત્રણ બેઠક જીતી છે. મધ્ય પ્રદેશમાં માત્ર છીંદવાડાની બેઠક પક્ષે જીતી. આ પરંપરાગત બેઠક પર રાજ્યના મુખ્ય પ્રધાન કમલ નાથના પુત્ર નકુલ જીત્યા. બીજી બાજુ છત્તીસગઢમાં કોંગ્રેસ માત્ર બે બેઠક જ જીતી શકી. મધ્ય પ્રદેશમાં છેલ્લી ત્રણ ચૂંટણીથી ચાલતો ટ્રેન્ડ પણ તૂટ્યો. અહીં રાજ્યના શાસક પક્ષને લોકસભા ચૂંટણીની ૭૦ ટકાથી વધુ બેઠકો મળતી રહી છે, પરંતુ આ વખતે શાસક કોંગ્રેસ ૧ બેઠક પર જ સમેટાઈ ગઈ. છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં બે-તૃતિયાંશ બેઠક જીતનારી કોંગ્રેસ ૧૧માંથી માત્ર બે બેઠક જીતી છે.
• ભાજપ+ ૩૭ • કોંગ્રેસ+ ૦૩ • અન્ય ૦૦
••••••••


