ઇસ્લામાબાદઃ જાસૂસીના આરોપસર પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને આખરે ત્રણ વર્ષ પછી પહેલીવાર સોમવારે કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં ઇસ્લામાબાદમાં ભારતના ડેપ્યુટી હાઇકમિશનર ગૌરવ અહલુવાલિયા અને જાધવ વચ્ચે ગુપ્ત સ્થળે અઢી કલાક વાતચીત થઈ હતી. આ સ્થળ કોઈ સબ જેલ જેવું હોવાનું જાણવા મળે છે. પહેલાં એવી જાહેરાત કરાઈ હતી કે જાધવ અને અહલુવાલિયા વચ્ચે ઇસ્લામાબાદમાં પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયમાં મુલાકાત યોજાશે, પણ ડિપ્લોમેટિક નિયમોનો ભંગ કરીને છેલ્લી ઘડીએ સ્થળ બદલવામાં આવ્યું હતું. સોમવારે બપોરે ૧૨.૩૦ કલાકે જાધવ અને અહલુવાલિયાની મુલાકાત શરૂ થઈ હતી જે બેથી અઢી કલાક ચાલી હતી. જાધવને મળવા માટે ૨ કલાકનો સમય અપાયો હતો પણ તેમાં જાણી જોઈને એકથી દોઢ કલાકનો વિલંબ કરાયો હતો. આમ જાધવને કોન્સ્યુલર એક્સેસમાં પણ નાપાક ચાલ ચાલી હતી. જાધવ પર પાક.ના ખોટા આરોપો સ્વીકારવા દબાણ કરાયું હતું. જબરદસ્તીથી તેમને ખોટું બોલવા ફરજ પડાઈ હતી.
કહેવાય છે કે બંનેની બેઠક દરમિયાન આસપાસ રેકોર્ડર પણ ગોઠવાયા હતા. જાધવ સાથેની મુલાકાત પછી ભારતે પાક.ની નાપાક ચાલને વિશ્વ સમક્ષ ખુલ્લી પાડી હતી. પાક.ની કેટલીક હરકતોનો ભારતે વિરોધ કર્યો હતો.જાધવ પાક.નાં સખત દબાણ હેઠળ વાતચીત કરી રહ્યા હોય તેવું જણાયું હતું.


