નવી દિલ્હીઃ દેશમાં નાગરિકતા સુધારા કાયદો કાયદાના કારણે ક્યાંક દેખાવો થઈ રહ્યા છે તો ક્યાંક તેને આવકાર મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં આ કાયદાને વધાવાયો છે તો દિલ્હીના શાહીનબાગમાં આ કાયદા વિરુદ્ધ મહિનાથી વધુ સમયથી દેખાવો થઈ રહ્યા છે. જોકે કેન્દ્ર કાયદાના અમલીકરણ માટે મક્કમ છે. કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘવાલે ૧૬મીએ જણાવ્યું હતું કે, નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહેલા તમામ રાજ્યોએ ફરજિયાત કાયદાને અમલી બનાવવો પડશે. નાગરિકતા સુધારા કાયદા સામે કેરળ અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાનોનાં વિરોધ પર મેઘવાલે જણાવ્યું હતું કે, બંધારણીય રીતે તેઓ કાયદાનો અમલ કરવા માટે બંધાયેલા છે. નાગરિકતા કેન્દ્ર સરકારનો મામલો છે. નાગરિકતા સુધારા કાયદાને સંસદના બંને ગૃહ દ્વારા પસાર કરાયો છે. રાષ્ટ્રપતિ દ્વારા કાયદાને મંજૂરી આપી દેવાઈ છે તેથી તેનો અમલ કર્યા સિવાય રાજ્યો પાસે બીજો કોઈ વિકલ્પ બાકી રહેતો નથી. કેરળના મુખ્ય પ્રધાન એમ કહી રહ્યા છે કે તે નાગરિકતા સુધારા કાયદાનો અમલ નહીં કરે, પરંતુ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. તેમણે નાગરિકતા સુધારા કાયદાનો અમલ કરવો જ પડશે.
કેન્દ્ર ગૃહમંત્રાલયે ૧૦ જાન્યુઆરીએ સીએએ કાયદો લાગુ થયાની અધિસૂચના જાહેર કરી હતી. સંસદના બંને ગૃહોમાં આ ખરડો મંજૂર થયા બાદ ગૃહ મંત્રાલયે નોટિફિકેશન જારી કર્યાની સાથે જ દેશભરમાં આ કાયદો લાગુ થઈ ગયો છે. ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય સરકાર, નાગરિકતા (સુધારા કાયદો ૨૦૧૯) (૨૯૦૧૯ના ૪૭)ની ધારા ૧ની ઉપધારા હેઠળ અપાયેલી શક્તિઓનો ઉપયોગ કરીને ૧૦ જાન્યુઆરી ૨૦૨૦થી લાગુ કરે છે. આ પરિસ્થિતિમાં દેશની સુપ્રીમ કોર્ટના ચિફ જસ્ટિસ બોબડેએ પણ જણાવ્યું છે કે દેશ અત્યારે કટોકટીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. સીએએ મામલે દેશભરમાં ચાલી રહેલા ઘમસાણ મધ્યે સરકાર દ્વારા સંસદમાં પસાર કરાયેલા નાગરિકતા સુધારા કાયદાને બંધારણીય જાહેર કરવાની માગ કરતી અસામાન્ય પિટિશન પરના અવલોકનમાં સીજેઆઈ એસ એ બોબડેએ જણાવ્યું હતું કે, દેશ અત્યારે કટોકટીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને સુપ્રીમ કોર્ટે પરિસ્થિતિને વધુ ખરાબ બનાવવી જોઈએ નહીં. નાગરિકતા સુધારા કાયદા મુદ્દે ચાલતા આંદોલનમાં હિંસા અટકશે પછી જ સુપ્રીમ કોર્ટ કાયદાની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીઓની સુનાવણી હાથ ધરશે. જસ્ટિસ બોબડે, જસ્ટિસ ગવાઈ અને જસ્ટિસ સૂર્યકાન્તની બેન્ચે આ મુદ્દે જણાવ્યું હતું કે, નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં ચાલતા દેખાવોમાં ઘણી હિંસા થઈ રહી છે.
દિલ્હીના શાહીનબાગમાં દેખાવોને એક મહિનો
દિલ્હીના શાહીનબાગમાં આ કાયદા અંગે સ્થાનિકોના દેખાવોને સોમવારે એક મહિનો થઇ ગયો છે. દેખાવોમાં મહિલાઓ અને બાળકો જોડાયાં છે. દેખાવોનું નેતૃત્વ કોઇ મોટો નેતા નથી કરી રહ્યો. દેખાવ કરી રહેલા લોકો કહે છે કે બધા જ નેતા છે અને સીએએ વિરુદ્ધ છે. દેખાવોને લીધે શાહીનબાગ-કાલિન્દી કુંજ રોડ બંધ જ રહે છે. તે ફક્ત અડધા કિમીનો રસ્તો છે. તે નોઇડાના માધ્યમથી ફરિદાબાદને દક્ષિણ દિલ્હી સાથે જોડે છે. આશરે ચાર લાખ લોકો તેનો દરરોજ ઉપયોગ કરે છે. ચક્કાજામને લીધે ૧૦ મિનિટનું અંતર કાપવામાં હવે દોઢ કલાકનો સમય લાગે છે. દિલ્હીમાં દેખાવો થઈ રહ્યાં છે ત્યારે ઉત્તર પ્રદેશમાં ૩૨ હજાર વિદેશીઓને સીએએ દ્વારા નાગરિકતા મળશે.
જોકે પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાએ કાયદાના વિરોધમાં ૯મી જાન્યુઆરીએ જ શાંતિયાત્રા શરૂ કરી દીધી હતી. ગેટવે ઓફ ઇન્ડિયા પર એનસીપીના વડા શરદ પવારે આ યાત્રાને લીલી ઝંડી આપી હતી. આ યાત્રા રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણા થઇને ૩૦ જાન્યુઆરીએ રાજઘાટ પર પૂરી થવાની જાહેરાત કરાઈ છે. યશવંત સિંહાએ કહ્યું કે યાત્રા દરમિયાન અમે લોકો સાથે વાત કરીશું. ડો બાબાસાહેબ આંબેડકરે ઘડેલા બંધારણની રક્ષા કરીશું. દેશનું ફરી વિભાજન અને ગાંધીજીની ફરી હત્યા નહીં થવા દઇએ. યાત્રા દરમિયાન સીએએ - એનઆરસી અને જસ્ટિસ લોયાના શંકાસ્પદ મોતના મુદ્દા ઉઠાવાશે. શરદ પવાર સાથે નવાબ મલિક પ્રકાશ આંબેડકર અને પૃથ્વીરાજ ચવ્હાણ પણ હાજર રહ્યાં હતા. પવારે કહ્યું કે કેન્દ્ર સરકાર તાનાશાહી નીતિઓનો ઉપયોગ કરે છે જેનો જવાબ ગાંધીજીના અહિંસક માર્ગે આપવાની જરૂર છે.
મમતા-માયા-ઉદ્ધવ ન જોડાયા
આશરે ૧૫ જેટલા રાજકીય પક્ષોએ સીએએ અને એનઆરસીને લઇને ૧૩મીએ ચર્ચા કરી હતી. દિલ્હીમાં કોંગ્રેસે બોલાવેલી આ બેઠકમાં ૧૫ જેટલા વિપક્ષ જોડાયા હતા, પણ મોટા પક્ષો દૂર રહ્યા હતા. જે પક્ષો નહોતા જોડાયા તેમાં ડીએમકે, બસપા, શિવસેના, ટીએમસી, સપાનો સમાવેશ થાય છે. બેઠકમાં હાજર રહ્યા એ નેતાઓમાં કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી, એનસીપી વડા શરદ પવાર, શરદ યાદવ, ડાબેરી પક્ષના નેતા સિતારામ યેચુરી, ડી.રાજા, આ ઉપરાંત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, અહેમદ પટેલ, પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહનો સમાવેશ થાય છે. આ બેઠકને સંબોધતી વેળાએ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે આ દેશના યુવાઓને નિશાન બનાવાઇ રહ્યા છે, સરકાર બંધારણનો ભરપુર દુરૂપયોગ કરી રહી છે.
પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતો અત્યાચાર ઉઘાડો પડ્યો
વિપક્ષની બેઠકના આગલા દિવસે સીએએ મુદ્દે વડા પ્રધાન મોદીએ ૧૨મી જાન્યુઆરીએ ભારપૂર્વક કહ્યું કે નાગરિકતા કાયદામાં તેમની સરકારે કરેલા સુધારાથી પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતાં અત્યાચાર વિશ્વ સમક્ષ ઉજાગર થયા છે.
બીજી બાજુ કોલકાતા પોર્ટ ટ્રસ્ટના ૧૫૦મા સ્થાપના દિવસે મોદીએ કહ્યું કે ગરીબોના સતત આશીર્વાદ મળવાના કારણે તેઓ શાંતિથી ઊંઘી શકે છે. દલિતો, વંચિતો, પીડિતોના ઉત્થાન માટે તેમની સરકાર કામ કરતી રહેશે.
મોદીએ દાવો કર્યો કે નાગરિકતા કાયદામાં સુધારો ન કર્યો હોત તો આ વિવાદ ઊભો ન થયો હોત અને વિશ્વ સમક્ષ પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ પર થતાં અત્યાચારને ઊજાગર કરી શકાયો ન હોત.
પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ પર અત્યાચાર થાય છે. આપણી બહેન-બેટીઓના જીવન બરબાદ કરી દેવાય છે. નાગરિકતા કાયદામાં સુધારાના કારણે જ પાકિસ્તાને આજે સમગ્ર વિશ્વને તેના ત્યાં ધાર્મિક લઘુમતીઓ પર થતા અત્યાચારોનો જવાબ આપવો પડી રહ્યો છે.
૩૨૦૦૦ વિદેશીઓની ઓળખ
દેશભરમાં કેન્દ્ર સરકારે સીએએ લાગુ કરી દીધો છે ત્યારે ભાજપશાસિત ઉત્તર પ્રદેશમાં તેનો અમલ શરૂ થઈ ગયો છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સરકાર દ્વારા જારી માહિતી અનુસાર સીએએ અંતર્ગત નાગરિકતા આપવા ૩૨૦૦૦ વિદેશીઓની ઓળખ કરી લેવાઈ છે અને તેમને હવે ભારતની નાગરિકતા અપાશે. ઉ. પ્રદેશના પ્રધાન અને પ્રવક્તા શ્રીકાંત શર્માએ જણાવ્યું હતું કે, અમે હાલ ઓળખ કરી લીધી છે પણ કોઈ ઉતાવળ કરવા નથી માગતા. અમે આંકડાને અપડેટ કરતા રહીશું. હાલ માત્ર શરૂઆત કરી છે અને તેમાં આગળ ફેરફાર થતા રહેશે. બીજી તરફ આ કાયદાનો અમલ થતાં ૩૦ હજાર બ્રૂ શરણાર્થીઓનો ઉદ્ધાર દેખાયાનું ગૃહપ્રધાન દ્વારા કહેવાયું છે.
૩૦ હજાર બ્રૂ શરણાર્થીનો ત્રિપુરામાં કાયમી વસવાટ થશે
મોદી સરકારે બ્રૂ શરણાર્થીઓ માટે એક મોટો નિર્ણય જાહેર કરી દીધો છે. દિલ્હીમાં તાજેતરમાં થયેલી બેઠક દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહ અને બ્રૂ શરણાર્થીઓના પ્રતિનિધિઓની વચ્ચે સમજૂતી થઈ હતી. ગૃહ પ્રધાને પ્રતિનિધિઓને હૈયાધારણા આપી હતી કે ત્રિપુરામાં લગભગ ૩૦,૦૦૦ બ્રૂ શરણાર્થીઓને ઠરીઠામ કરાશે. તેમને માટે રૂ. ૬૦૦ કરોડના પેકેજની જાહેરાત પણ કરાઈ હતી. અમિત શાહે કહ્યું કે, બ્રૂ શરણાર્થીઓ માટે ૪૦ બાય ૩૦ ફૂટનો પ્લોટ આપવામાં આવશે અને સાથે ચાર લાખની ફિક્સ ડિપોઝિટ પણ આપવામાં આવશે. બ્રૂ શરણાર્થીઓને દર મહિને રૂ. ૫૦૦૦ની નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવશે. આ સાથે મફત રેશન પણ આપવામાં આવશે. શાહે કહ્યું કે, તમામ આદિવાસી ભાઈ-બહેનોને અભિનંદન કે ઘણા વર્ષોની તેમની સમસ્યાનું સમાધાન થયું છે. ૧૯૯૭માં મિઝોરમમાં લગભગ ૩૦ હજાર લોકોને હંગામી કેમ્પોમાં રાખવામાં આવ્યા હતા. તેમને સન્માન સાથે રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વડા પ્રધાન મોદીના પ્રયાસોને કારણે એક નવી રીતે મંત્રણા શરૂ થઈ છે. અંતે એવું સમાધાન થયું કે લગભગ ૩૦ હજાર શરણાર્થીઓને ત્રિપુરામાં વસાવવામાં આવશે.
બ્રૂ શરણાર્થીઓએ શા માટે ત્રિપુરામાં આશરો લીધો હતો?
હકીકતમાં ૧૯૯૭માં પડોશી રાજ્યમાં થયેલી હિંસા બાદ બ્રૂ જનજાતિના લોકોએ ભાગીને શિબિરોમાં શરણુ લીધું હતું. તેઓ છેલ્લા ૨૨ વર્ષથી ત્યાં રહે છે. તેઓ ભારત બહારથી આવ્યાં નથી, પરંતુ અહીંની જ એક જનજાતિ છે. આ જનજાતિના લોકો ઘણા લાંબા સમયથી પોતાના અધિકારોની માગ કરી રહ્યાં હતા. ચૂંટણી દરમિયાન તેને માટે અલગથી બૂથ પણ બનાવાયું હતું. બ્રૂ સમુદાય મુખ્યત્વે ત્રિપુરા, મિઝોરમ અને આસામમાં રહે છે. ૧૯૯૫ માં બ્રૂ અને મિઝો જનજાતિઓમાં હિંસક અથડામણ થઈ હતી ત્યારથી તેઓ ત્રિપુરામાં શિબિરોમાં રહેવા લાગ્યા હતા.


