નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાની રસીનું રસીકરણ ૧૬ જાન્યુઆરીથી શરૂ થવાનું છે ત્યાં કેન્દ્ર સરકારે સીરમને રસીનો ઓર્ડર આપી દીધો છે. કંપનીએ ૧૧મીએ જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકારે ૧.૧૦ કરોડ ડોઝ માટેનો ઓર્ડર આપ્યો છે. કંપની દ્વારા ૨૦૦ રૂપિયા પ્રતિ ડોઝના દરે આ રસી સરકારને મળશે અને તેના ઉપર ૧૦ રૂપિયા જીએસટી લાગતાં એક ડોઝની કિંમત ૨૧૦ રહેશે.
દેશભરમાં વિતરણની વ્યવસ્થા
સરકારે જણાવ્યા પ્રમાણે રસીની ખરીદીના ઓર્ડર મોકલી દેવાયા છે અને દેશભરમાં રસીના વિતરણની વ્યવસ્થા પણ કરી દેવાઈ છે. ૧૪મી જાન્યુઆરીની સાંજ સુધીમાં તમામ રાજ્યોમાં રસીના ડોઝ પહોંચી જશે. આ દિશામાં જ વડા પ્રધાન મોદી દ્વારા સોમવારે રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે બેઠક હતી. બેઠકમાં તેમણે જણાવ્યું કે, આપણા સ્વદેશી માહોલને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી રસી વિશ્વમાં સૌથી વ્યાજબી કિંમતે મળશે. રાજ્યોના મુખ્ય પ્રધાન લોકોને અફવાથી સાવધ કરે.
૧૬મીથી વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રસીકરણના અભિયાન પહેલાં સોમવારે તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, આપણે ૧૬મીથી વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રથમ તબક્કામાં ૩ કરોડ લોકોને રસી આપવાનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ઉપાડવામાં આવશે. કોરોના વોરિયર્સ જેવા કે, મેડિકલ સ્ટાફ, મેડિકલ સપોર્ટ સ્ટાફ, ફ્રન્ટ લાઈન વર્કર્સ, સેનિટરી વર્કર્સ, પોલીસ કર્મીઓ અને સુરક્ષા જવાનોને પહેલાં રસી અપાશે. ત્યારબાદ બીજા ભાગમાં ૫૦ વર્ષથી ઉપરના અને તેનાથી નાના અથવા અતિ જરૂરિયાત ધરાવતા લોકોને રસી આપવામાં આવશે. વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, રાજકીય નેતાઓ પહેલા તબક્કાના રસીકરણનો ભાગ નથી. તેઓ હાલ રસી ના લે. સરકારે જણાવ્યું હતું કે, સ્થિતિ અને વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા અને આગામી લોહરી, મકરસંક્રાંતિ, પોંગલ, માઘ, બિહુ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને દેશમાં ૧૬મી જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
આઈએમએ દ્વારા આહવાન
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જણાવાયું કે, તેમની સાથે જોડાયેલા તમામ સભ્યો સરકારને રસીકરણની કામગીરીમાં સ્વૈચ્છિક રીતે મદદ કરશે. તે ઉપરાંત તમામ સભ્યો સ્વૈચ્છિક રીતે રસી લઈને લોકોને ઉદાહરણ પૂરું પાડશે.
પંજાબ, છત્તીસગઢનો ઈનકાર
પંજાબ અને છત્તીસગઢ દ્વારા કોવિશિલ્ડ રસી માટે હા પાડવામાં આવી છે, પણ કોવેક્સિનના ડોઝ લેવાની મનાઈ કરવામાં આવી છે. બીજી બાજુ, સીરમે જણાવ્યું છે કે, પ્રારંભિક ૬૦ કન્સાઈન્મેન્ટ પોઈન્ટ ઉપર રસી પહોંચાડાશે, ત્યાંથી આગળના સેન્ટર પર મોકલાશે.
ભારતભરમાં ટૂંક સમયમાં રસીકરણ શરૂ થવાનું છે ત્યારે મંગળવારે કોરોનાના કુલ કેસની સંખ્યા દેશમાં ૧૦૪૯૩૪૫૭, કુલ મૃતકાંકની સંખ્યા ૧૫૧૫૨૨ અને કોરોનામાંથી રિકવર થયેલા લોકોની સંખ્યા ૧૦૧૨૫૧૩૨ પહોંચી હતી.
મુંબઇમાં કોરોના વાઇરસનો નવો ચિંતાજનક સ્ટ્રેન E484K મળી આવ્યો
મુંબઇના ખારઘરમાં આવેલા તાતા મેમોરિયલ સેન્ટરના સંશોધકોએ દાવો કર્યો છે કે મુંબઇ મેટ્રોપોલિટન રિજિયનના ૩ દર્દીઓના સેમ્પલમાં તેમને કોરોના વાઇરસનો નવો ચિંતાજનક સ્ટ્રેન મળી આવ્યો છે. સંશોધકોએ તેને E484K નામ આપ્યું છે. આ નવો સ્ટ્રેન દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેન સાથે સંકળાયેલો છે. ડો. નિખિલ પાટકરે જણાવ્યું હતું કે, આ સ્ટ્રેન દક્ષિણ આફ્રિકામાં ઉદ્દભવેલા કોરોના વાઇરસના K417N, E484K અને N501Y મ્યુટેશન પૈકીનો એક છે. તે ૩ એન્ટિબોડીને મૂર્ખ બનાવી શકે છે.














