ભારતના વૈજ્ઞાનિકોની ભવ્ય સિદ્ધિ: હાઇપરસોનિક વ્હિકલનું સફળ પરીક્ષણ

Friday 11th September 2020 14:47 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતે સોમવારે સ્ક્રેમજેટ એન્જિનમાંથી શક્તિ પ્રાપ્ત કરતા દેશમાં જ વિકસાવાયેલા હાઇપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હિકલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ભારતના વૈજ્ઞાનિકોની આ સફળતાએ નવી પેઢીના હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલના નિર્માણનો માર્ગ મોકળો કરી નાખ્યો છે. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત આ ટેકનોલોજી વિકસાવનારો વિશ્વનો ચોથો દેશ બની ગયો છે.

સોમવારે સવારે ૧૧.૦૩ કલાકે ઓડિશાના બાલાસોરમાં આવેલા વ્હીલર આઇલેન્ડ પરની એપીજે અબ્દુલકલામ ટેસ્ટિંગ રેન્જથી ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ અગ્નિ મિસાઇલ બુસ્ટરનો ઉપયોગ કરી સ્ક્રેમજેટ એન્જિનમાંથી શક્તિ પ્રાપ્ત કરતા દેશમાં જ વિકસાવાયેલા હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હિકલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ પાંચ મિનિટ ચાલ્યું હતું. આ સફળતા બાદ હવે ડીઆરડીઓના વૈજ્ઞાનિકો મેક સિક્સની ઝડપથી એટલે કે અવાજ કરતાં ૬ ગણી વધુ ઝડપથી પ્રવાસ કરતા મિસાઇલનું નિર્માણ કરી શકશે.

પરીક્ષણ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, આ સફળતાનો અર્થ એ છે કે ડીઆરડીઓ આગામી પાંચ વર્ષમાં સ્ક્રેમજેટ એન્જિન સાથેના હાઇપરસોનિક મિસાઇલનું નિર્માણ કરી શકશે. હાઇપરસોનિક મિસાઇલ સેકન્ડના બે કિલોમીટરની ઝડપથી પ્રવાસ કરે છે. ડીઆરડીઓના વડા સતીશ રેડ્ડી અને તેમની હાઇપરસોનિક મિસાઇલ ટીમ દ્વારા આ પરીક્ષણ કરાયું હતું. હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હિકલ કમ્બશન ચેમ્બર પ્રેશર, એર ઇનટેક, કન્ટ્રોલ ગાઇડ સહિતના તમામ માપદંડો પર ખરું ઊતર્યું હતું. સતીશ રેડ્ડીએ જણાવ્યું હતું કે, દેશને સંરક્ષણ ટેકનોલોજીમાં મોટી સફળતા હાંસલ થઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter