નવી દિલ્હી : ઇન્ડિયન એકસ્પ્રેસ જૂથ દ્વારા વિશ્વના ૧૦૦ સૌથી શક્તિશાળી લોકોની યાદી-૨૦૨૧ બહાર પડી ચૂકી છે. યાદીમાં દેશના વડા પ્રધાન અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા નરેન્દ્ર મોદી પ્રથમ ક્રમે છે. વર્ષ ૨૦૧૯માં પણ તેઓ યાદીમાં પ્રથમ ક્રમે હતા. આ યાદીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બીજા સ્થાને તો ૭૦ વર્ષના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત ત્રીજા સ્થાને (૨૦૧૯માં ચોથા સ્થાને હતા) છે.
ભારતના શક્તિશાળી લોકોની આ યાદીમાં ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા ચોથા સ્થાને (૨૦૧૯માં ૧૦મા સ્થાને હતા), તો પાંચમા સ્થાને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી છે. યાદીમાં છઠ્ઠા સ્થાને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ છે. તેઓ વર્ષ ૨૦૧૯માં પણ આ સ્થાને હતા.
સાતમા સ્થાને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, આઠમા સ્થાને કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નવમા સ્થાને નાણા પ્રધાન નિર્મલા સીતારામન તો ૧૦ સ્થાને અદાણી ગ્રૂપના સર્વેસર્વા ગૌતમ અદાણીનો સમાવેશ થાય છે.
રાહુલ ગાંધી ૩૯મા ક્રમે
આ યાદીમાં ૧૧મા સ્થાને કાયદા અને ન્યાયપ્રધાન રવિશંકર પ્રસાદ, ૧૨મા સ્થાને વિદેશ પ્રધાન એસ. જયશંકર તો ૧૩મા સ્થાને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો સમાવેશ થાય છે. યાદીમાં ૧૪મા સ્થાને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનું નામ જોવા મળે છે. એનસીપીના વડા શરદ પવાર ૧૮મા ક્રમે છે. ગાંધી પરિવારના સભ્યો યાદીમાં ટોપ-૨૦માં સ્થાન મેળવી શક્યા નથી. સોનિયા ગાંધીનો યાદીમાં ૩૪મા ક્રમે સમાવેશ થાય છે, તો રાહુલ ગાંધીનો સમાવેશ ૩૯મા ક્રમે થાય છે.