દાવોસ: ભારતીય ખર્વપતિઓને ચાંદી જ ચાંદી છે. કેમકે તેમની સંપત્તિમાં રૂ. ૨૨૦૦ કરોડનો વાર્ષિક વધારો થયો છે. એક વર્ષમાં થયેલા આ વધારામાં ટોચના ૧ ટકા અમીરો ૩૯ ટકા વધુ અમીર બન્યા છે. તેનાથી ઉલટું સૌથી ગરીબ ૫૦ ટકા જનસંખ્યાની અમીરી માત્ર ૩ ટકા સુધી જ વધી છે. અમીરી-ગરીબીને લઈને આ આશ્ચર્યજનક અહેવાલ ઓક્સફામના એક રિપોર્ટ પછી સામે આવ્યા છે. આસાનીથી સમજવામાં આવે તો ભારતના નવ અમીરો પાસે દેશની ૫૦ ટકા સૌથી ગરીબ વસતી જેટલું ધન છે. જ્યારે વૈશ્વિક સ્તરે તો ખર્વપતિઓની અમીરી વધવાની સ્થિતિ એવી રહી છે કે ૨૦૧૮માં દરરોજ તેમની બરકત ૨૫૦ કરોડ ડોલરના દરે થઈ છે. જેનો અર્થ એ થયો કે તેઓ દરરોજ ૧૨ ટકા વધુ અમીર થતા રહ્યા. વૈશ્વિક સ્તરે દુનિયાની સૌથી ગરીબ ૫૦ ટકા વસતી આગળ વધવાના બદલે પાછળ ચાલી ગઈ અને ૧૧ ટકા વધુ ગરીબ થઈ ગઈ. આ રિપોર્ટને પાંચ દિવસીય વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબલ્યુઈએફ) શરૂ થતા પહેલા જારી કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ ઈન્ટરનેશનલ રાઈટ્સ ગ્રૂપ દ્વારા રજૂ કરાયો હતો. આ રિપોર્ટમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ઓક્સફામના પ્રમાણે, ભારતની સૌથી ગરીબ વસતી ૨૦૦૪થી દેવામાં ડૂબેલી છે. આટલા સમયથી દેવામાં ડૂબેલી આ વસતી દેશની કુલ જનસંખ્યાના ૧૦ ટકા એટલે કે ૧૩.૬ કરોડ છે. આ રિપોર્ટ જારી કર્યા પછી વિશ્વભરના નેતાઓએ આ અમીરી અને ગરીબીની ખાઈને ભરવાની અપીલ કરી છે. ઓક્સફામના કહેવા પ્રમાણે, જો ટોચના એક ટકા અને બાકીના ભારત વચ્ચે અપમાનજનક અસમાનતા જળવાઈ રહેશે તો આ દેશના સામાજિક અને લોકતાંત્રિક માળખાનું સંપૂર્ણપણે પતનનું કારણ બનશે.
રિપોર્ટ પ્રમાણે દુનિયાના સૌથી અમીર માણસ એમેઝોનના માલિક જેફ બેજોસ છે. તેમની સંપત્તિમાં ૧૧૨૦૦ કરોડ ડોલરનો વધારો થયો છે. જેની સામે ૧૧.૫ કરોડની વસતી ધરાવતા દેશ ઈથોપિયાનું સમગ્ર હેલ્થ બજેટ બેજોસની સમગ્ર સંપત્તિના માત્ર ૧ ટકા જેટલું છે. ભારતના ટોપ-૧૦ પાસે દેશનું ૭૭ ટકા ધન છે જ્યારે ટોચના એક ટકા લોકો પાસે દેશની કુલ સંપત્તિના ૫૧.૫૩ ટકા ધન છે. દેશમાં ૬૦ ટકા લોકો પાસે માત્ર ૪.૮ ટકા જ ધન છે. આ રિપોર્ટમાં ૨૦૧૮થી ૨૦૨૨ સુધી ભારતમાં દરરોજ ૭૦ લોકો લખપતિ બને એવી સંભાવના વ્યક્ત કરાઈ છે. દેશમાં આ સ્થિતિ અંગે ઓક્સફામ ઈન્ડિયાના સીઈઓ અમિતાભ બેહરે કહ્યું હતું કે આના કારણે સૌથી વધુ બદતર હાલત મહિલાઓ અને યુવતીઓની થઈ છે અને ભારત જેવા તમામ દેશોમાં હેલ્થકેર અને શિક્ષણ એવી ચીજો બની ગઈ છે જ્યાં સુધી માત્ર અમીરોની જ પહોંચ જળવાઈ છે.